Dakshin Gujarat

ઉકાઈ ડેમમાં ઈનફલો અઢી લાખ ક્યૂસેકને પાર છતાં તંત્ર નિશ્ચિંત, જાણો કેમ…

સુરતઃ ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને અઢી લાખ ક્યુસેકને પાર પહોંચી હતી, જેના પગલે તાપી નદી બે કાંઠે થઈ હતી. જોકે, પાણીની આવક વધી હોવા છતાં તંત્ર નિશ્ચિંત રહ્યું હતું. ઉકાઈ ડેમમાંથી આઉટફ્લો માત્ર 600 ક્યૂસેક જ જળવાઈ રહ્યો હતો. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 318.88 ફૂટ પર પહોંચી છે, જે રૂલ લેવલ કરતા ઘણી દૂર છે, તેથી તંત્ર હાલ પાણી છોડી રહ્યું નથી. તેથી ચિંતા જેવી કોઈ વાત નથી.

ગયા રવિવારથી સુરત શહેર, જિલ્લા, તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો હતો. પાંચ દિવસથી સૂર્ય દેવના દર્શન પણ થયા નહોતા, તેના પગલે નદી-નાળા ઉભરાયા હતા. આજે પણ નવસારીમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. બીજી તરફ સુરત શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. પાંચ દિવસ બાદ વરસાદ બંધ થઈ ઉઘાડ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જોકે, સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં ગઈ રાત્રિએ વરસાદ પડ્યો હતો, જેના લીધે તાપી, સુરત, નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ છલકાઈ હતી. ખાસ કરીને તાપી અને નવસારી જિલ્લાની નદીઓ છલકાતા નવસારીમાં પૂર આવ્યું છે.
આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધી છે.

આજે તા. 26 જુલાઈમાં સવારે 8 વાગ્યે પાણીની આવક 1.09 લાખ ક્યૂસેક હતી જે બપોરે 12 વાગ્યે વધીને 2.83 લાખ ક્યૂસેકને વટાવી ગઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 318.54 ફૂટ પર પહોંચી હતી. જોકે, ત્યાર બાદ ઈનફલો ક્રમશ ઘટયો હતો. બપોરે 2 વાગ્યે ઉકાઈ ડેમમાં ઈનફલો 1.52 લાખ ક્યુસેક નોંધાયો હતો. ડેમની સપાટી 318.88 ફૂટ નોંધાઈ હતી. જોકે, ડેમનો આઉટફલો વધારવામાં આવ્યો નથી.

Most Popular

To Top