Comments

તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે

માનવજાત જે ઝડપે વિકાસ સાધી રહી છે એમાં ખરેખર તો કોનો વિકાસ થઈ રહ્યો છે એ સમજવું મુશ્કેલ છે. કેમ કે, વિકાસની આ દોટમાં નદી, પર્વત, સાગર, જમીન અને તમામ પર્યાવરણપ્રણાલીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આમ કર્યા પછી મુઠ્ઠીભર લોકોનું જીવનધોરણ કદાચ સહેજ ઉપર આવે તો પણ એમના જીવનની ગુણવત્તા સાવ કથળે છે. આનાં કંઈ કેટલાંય ઉદાહરણો રોજેરોજ નજર સામે આવી રહ્યાં છે. આટલા બધા નુકસાન પછી જે કંઈ હાથમાં આવે એને વિકાસ કહી શકાય ખરો?

અરવલ્લીની ગિરિમાળા પર ક્યારનું જોખમ તોળાઈ રહ્યું છે,  જેના વિશે આ કટારમાં ત્રણેક વર્ષ અગાઉ વિગતે લખાયું હતું. એમાં મુખ્ય મુદ્દો દિલ્હી અને હરિયાણામાં આવેલા આ પર્વતમાળાના કેટલાક હિસ્સામાં ગેરકાયદે વધતી જતી બાંધકામની પ્રવૃત્તિ અને તેને લઈને બદલાતું જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ ઉપરાંત આ ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિને કાયદાકીય સ્વરૂપ અપાવાની હિલચાલનો હતો. 2018માં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે આ ગિરિમાળાનો પા ભાગ રીતસર ખતમ થઈ ગયો છે. એ સાથે જ તેણે અરવલ્લીમાં થઈ રહેલાં ગેરકાયદે બાંધકામ બાબતે કડકાઈ દાખવવા માંડી. આ ગિરિમાળા પર બનાવાયેલાં અમીરોનાં ફાર્મહાઉસ હોય કે ગરીબોનાં આવાસ, સર્વોચ્ચ અદાલતે કડકાઈ બાબતે કોઈ ભેદભાવ દાખવ્યો નથી.

હવે વાત જરા જુદી રીતે અને વધુ ગંભીરપણે આગળ વધી રહી છે. તેના વિશે વાત કરતાં પહેલાં એટલી પ્રાથમિક વિગત જાણી લેવી જરૂરી છે કે ગુજરાતની પૂર્વેથી છેક હરિયાણાના દક્ષિણ સુધી, આશરે સાતસો કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે. સ્વાભાવિકપણે જ તેની આગવી જૈવપ્રણાલી હોય અને તેને કારણે આસપાસના વિસ્તારની આબોહવા પર તેની અસર હોય. ખાસ કરીને રાજસ્થાનના થારના રણમાંથી વાતી લૂને તે અવરોધે છે. દેશના કેટલાક ભાગ પૂરતું તે ‘હરિયાળું ફેફસું’ કહેવાય છે. પણ હવે જાણે કે પર્યાવરણ મંત્રાલયે તેને ખતમ કરવા માટે કમર કસી લીધી છે.

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સર્વોચ્ચ  અદાલત દ્વારા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક પેનલ દ્વારા કરાયેલી ભલામણનો સ્વીકાર કર્યો. એ મુજબ પેનલ દ્વારા રાજસ્થાનમાં આવેલા અરવલ્લીના ગણાતા વિસ્તારમાં લગભગ 90% જેટલો ઘટાડો સૂચવાયો છે. અરવલ્લીના કયા વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપવી એ બાબત નક્કી કરવામાં આ સરકારી પેનલે તેની પોતાની જ સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (એફ.એસ.આઈ.) દ્વારા તૈયાર કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકાઓને અવગણી છે.

પેનલે સૂચવ્યું છે કે સો મીટર યા તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારો જ પર્વતમાળાનો હિસ્સો ગણાશે.  આ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ છસોથી નવસો મીટરની છે. એફ.એસ.આઈ.ના સર્વેક્ષણ અનુસાર, અરવલ્લીની કુલ 12,081 ટેકરીઓ પૈકીની કેવળ 1,048 ટેકરીઓ જ સો મીટર ઊંચાઈના આ માપદંડમાં બંધ બેસે છે. એ સિવાયની, એટલે કે મોટા ભાગની પર્વતમાળાની ઊંચાઈ વીસ મીટર કે એથી વધુ છે. એનો અર્થ એ થયો કે અરવલ્લી ગિરિમાળાના નેવું ટકા હિસ્સાને સરકારની પેનલે ખનન માટે ખુલ્લો કરવાની ભલામણ કરી અને સર્વોચ્ચ અદાલતે એને મંજૂર રાખી.

સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ મંત્રાલયને એવા વિસ્તારોના ખનન માટે સુયોગ્ય યોજના બનાવવા જણાવ્યું છે. અલબત્ત, અદાલતની પોતાની સમિતિના 2018ના અહેવાલ સહિત બીજા અનેક અહેવાલમાં સૂચવાયું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ પોતાનો પચીસ ટકા એટલે કે પા ભાગનો હિસ્સો ક્યારનો ગુમાવી ચૂકી છે. હવે ગિરિમાળાની આ નવી વ્યાખ્યા પછી તેમાં શું બાકી રહેશે એ સવાલ છે. વક્રતા એ છે કે હજી મે મહિનામાં જ પર્યાવરણ મંત્રાલય દ્વારા ‘અરવલ્લી લેન્‍ડસ્કેપ રિસ્ટોરેશન એક્શન પ્લાન’ બનાવવામાં આવ્યો હતો, જેમાં વનનાબૂદી, ખનન, ચરાણ તેમજ ગેરકાયદે ઘૂસણખોરીથી અરવલ્લીનું રક્ષણ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

તેમાં એમ પણ જણાવાયું હતું કે રણની રેતી પૂર્વ તરફ ખસી રહી છે અને ગુરુગ્રામ તેમજ અલવર જેવા વિસ્તારોને એ નુકસાન પહોંચાડે છે. છેક 2002 થી સર્વોચ્ચ અદાલત કહેતી આવી છે કે અરાવલ્લીના બધા ભાગો એટલે કે પહાડો, ઉચ્ચ પ્રદેશ પરની સમતલ જમીન, મેદાનો અને ડુંગરની સાંકડી ટોચો—આ બધું મળીને એક સંયુક્ત પર્યાવરણપ્રણાલી તરીકે કામ કરે છે. 2018 માં સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે આ પહાડો નહીં રહે તો દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં વધારો થશે. આમ, સર્વોચ્ચ અદાલત અને પર્યાવરણ બન્ને પોતે જ ભૂતકાળમાં છેડેલા સૂરથી વિપરીત સૂરાવલિ છેડી રહ્યાં છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે પર્યાવરણની સુરક્ષા બાબતે નિર્ણાયક પગલાં ભર્યાં હોવાનો ઉજ્જ્વળ ઈતિહાસ છે. હવે નિર્ધારિત કરાયેલી ઊંચાઈથી ઓછી ઊંચાઈની ટેકરીઓનો નાશ કરવામાં આવશે તો થોડા ઘણા પહાડો બાકી રહેશે. દેશના ઉત્તર ભાગનું ‘હરિયાળું ફેફસું’ આ રીતે સાવ નકામું બની જશે.

આ આખી કવાયત પરથી ખ્યાલ આવશે કે આપણો વર્તમાન અને ભાવિ કેવાં કેવાં લોકો અને કેવા તંત્રના હાથમાં છે. ખનનની પરવાનગી એટલે માત્ર ને માત્ર આવકનો સ્રોત ઊભો કરવો. એનાથી મુઠ્ઠીભર લોકોને થોડો ઘણો આર્થિક લાભ થશે, પણ સામે આખેઆખી પર્યાવરણપ્રણાલીનું નિકંદન નીકળી જશે અને આટલા મોટા ભૂવિસ્તાર પર તેની વિપરીત અસરોનો ભોગ બનવું પડશે. એ નુકસાનને કયા ત્રાજવે તોલીશું? આમાં સંવેદનાની નહીં, સાદી સમજણની વાત છે. પણ આર્થિક લાભ સાદી સમજણને ક્યાંય પાછળ મૂકી દે છે. એક નાગરિક તરીકે આવી ગતિવિધિઓનાં સાક્ષી બનવાનું આવે એનાથી મોટી લાચારી શી હોઈ શકે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top