surat : આખા વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ કોરોનાનો ( corona) કેર ફરી વધવા માંડ્યો છે. સુરતમાં કોરોનાના કેસ 250થી વધુ થઈ ગયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 1000ની નજીક પહોંચવા માંડ્યો છે. દેશમાં કોરોનાના કેસનો ( corona cases) આંક 25000 પર પહોંચ્યો છે. એવા જિલ્લા કે જેમાં ક્યારેય કેસ આવ્યા નહોતાં તેવા જિલ્લાઓમાંથી પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે અને ભારત ફરી હવે કોરોનાની જ્વાળામુખી પર બેસી ગયું છે. ગમે ત્યારે મોટો વિસ્ફોટ થવાની સંભાવના જોવાઈ રહી છે.
ભારતમાં કોરોના વકરવાનું મોટું કારણ તાજેતરમાં થયેલી ચૂંટણીઓને માનવામાં આવે છે. કોરોનામાં છૂટછાટ મળતાં લોકો બિન્દાસ્ત થઈ ગયાં અને ચૂંટણી પ્રચારમાં રાજકારણીઓ બેફામ થઈ ગયાં. સરવાળે કોરોના બોંબ ફાટી ગયો. ગુજરાતમાં ચૂંટણીએ કોરોનાને ફરી વકરાવી મુક્યો છે. ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના વકરી ગયો છે. હાલમાં પણ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યાં પણ કોરોનાનો વિસ્ફોટ થવાની સંભાવના જોવાઈ રહી છે. સરકારે સામાન્ય નાગરિકો સામે દંડકીય કાર્યવાહી કરી પરંતુ રાજકારણીો સામે સરકાર નતમસ્તક થઈ ગઈ. લોકોએ માસ્ક નહીં પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ ભર્યો પરંતુ રાજકારણીઓને સરકારે કશું જ કર્યું નહીં.
રાજકારણીઓના પ્રતાપે હવે કોરોનાના કેસ વધી રહ્યાં છે અને તેનો ભોગ હવે સામાન્ય નાગરિકો બની રહ્યાં છે. લોકો માટે તંત્રએ બગીચાઓ બંધ કરી દીધા, ગુજરાતના ચાર શહેરોમાં એસટી બસ બંધ કરી દીધી. જાણે ફરી લોકડાઉન ( lockdown) આવવાનું હોય તેવી સ્થિતિ થવા માંડી છે. માસ્કના ( mask) નામે દંડ કરવાનું ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ વિમાની સેવાઓ યથાવત છે. ટ્રેનો ચાલે છે પરંતુ તેના ભાડા સામાન્ય માણસના ગજવા ચીરી રહ્યાં છે. આ રીતે ક્યારેય કોરોનાના કેસ કાબુમાં આવવાના નથી. કોઈપણ પ્રકારનો રોગચાળો ક્યારેય તેની સારવાર સિવાય કાબુમાં આવતો નથી. પોલિયો નાબુદી માટે પણ આખા વિશ્વમાં દર વર્ષે મોટાપાયે રસીકરણ કરવામાં આવે છે. તો જ પોલિયા કાબુમાં રહી શકે છે. સરકારી તંત્ર કોરોનાના નામે લોકોની સ્વતંત્રતા છીનવી રહ્યું છે. રાજકારણીઓ સભા ભરે કે પછી મોટું સરઘસ કાઢે ત્યારે તેમને કશું જ નહીં કરી શકતી સરકાર સામાન્યજનને દંડી રહી છે તે લોકશાહીનું મોટું હનન છે. શહેર કે રાજ્ય બહારથી આવતી વ્યક્તિના ટેસ્ટિંગ કરવા કે પછી તેમને ક્વોરન્ટાઈન કરવાથી પણ કોરોના કાબુમાં આવવાનો નથી. કોરોના જો કાબુમાં લેવો હોય તો મોટાપાયે રસીકરણની જરૂરીયાત છે અને જેમ બને તેમ ઝડપથી જો દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે તો જ કોરોનાને અંકુશમાં કરી શકાશે.
સરકારે ખરેખર લોકડાઉન અને લોકોને દંડવા માટે સમય અને શક્તિ વાપરવાને બદલે હવે લોકોના રસીકરણ માટે વધુ ધ્યાન આપવું જોઈએ. ભારત પાસે રસી છે. રસીકરણ માટેની વ્યવસ્થા પણ છે. એકલા સુરતમાં જ રોજના 50 હજાર લોકોને કોરોનાની વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા કરી શકાય તેમ છે. એકલા ગુજરાતમાં રોજના પાંચ લાખથી પણ વધુ લોકોને વેક્સિન આપી શકાય તેમ છે. દેશમાં રોજના 2થી 3 કરોડ લોકોને વેક્સિન આપી શકાય તેમ છે. સરકાર ધારે તો આ તમામ કરી શકે છે પરંતુ સરકારી તંત્ર પાસે આવું કશું કરવાની ઈચ્છા જ નહીં હોય તેવું જણાઈ રહ્યું છે. હજુ પણ સમય વહી ગયો નથી. સરકારી તંત્ર રાજકારણીઓને જેમ સામાન્યજનને હેરાન કરવાનું છોડી વધુને વધુ લોકોને વેક્સિન ( vaccine) આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કરે. જેની પાસે આધારકાર્ડ હોય તેવા તમામને જે રીતે માસ્ક માટે પકડે છે તેવી જ રીતે જેણે માસ્ક નથી પહેર્યું તેવા તમામને કોરોનાની રસી આપવાની શરૂઆત કરે. આ રીતે લોકો દંડાશે પણ નહીં અને વેક્સિનેશનની પ્રક્રિયા ફાસ્ટ થશે.
ભારત દેશની હાલમાં એવી હાલત થઈ ગઈ છે કે સામાન્યજન એવો કચડાઈ ગયો છે કે હવે તેની વિરોધ કરવાની શક્તિ જ રહી નથી. જે કોઈ વિરોધ છે તે સોશિયલ મીડિયા પર જ ઠલવાય છે અને આવા વિરોધની સરકારી તંત્રને કશી પડી નથી. લોકોએ હવે જાગૃતતા બતાવવી પડશે. લોકોએ હવે કોરોના સામે લડવા માટે તંત્રને સહકાર તો આપવો જ પડશે પરંતુ સાથે સાથે તંત્ર પણ પોતાની જવાબદારી સમજે તે માટે તેને જાગૃત પણ કરવું પડશે. સરકારો પણ હવે થોડી ગંભીર થાય અને લોકડાઉનના પગલાઓ લેવાને બદલે રસીકરણ માટે સઘન પ્રયાસો કરે તો ભારત કોરોનામાંથી ઝડપથી બહાર આવી જશે તે નક્કી છે.