Charchapatra

બેસતા વરસનું સબરસ

આ સબરસ લઇ લો સબરસ. આ બેસતા વરસનું સબરસ. આ બરકતી સબરસ. ગલીમાં સબરસની લારી લઇને આવનાર ભાઇનો આ અવાજ હજુ આજે 80 વર્ષની ઉંમરે પણ મનભાવન મીઠો મધુરો લાગે છે. વહેલી સવારે સબરસ ખરીદવાની આ પરંપરા બાપદાદાના જમાનાથી ચાલી આવેલી છે. જે હજુ જળવાઈ રહી છે. પ્રેમથી એ સબરસ લારીવાળાભાઇ પાસે હસતાં હસતાં ખરીદી લેવું. અનુભવ પ્રમાણે કહેવું પડે કે આ સબરસ પરિવારની મહિલા પાસે રસોડામાં નમન કરી મૂકવાથી આપણા ઘરની ભંડારી સદા ભરપૂર રહે છે. ખાવામાં કયારેય ખૂટે નહીં. ઘરમાં આવનાર મહેમાન પણ સમાઈ જાય છે. સંતુષ્ટીનો અનુભવ કરે છે. ઘરની રસોડાની રાણી સહિત પૂરા પરિવાર પર અન્નપૂર્ણા દેવીની કૃપા સતત વરસતી રહે છે. ઘરના પુરુષ એ સબરસ ધંધા પર યાદ રાખીને લઇ જાય છે.

ગલ્લા પર સબરસ હાથ જોડી મૂકે છે. એના કારણે બારે માસ ધંધામાં બરકત રહે છે. ઘર પાસે આવેલા મંદિરમાં પણ વંદન કરીને મૂકવાથી આપણા ઇષ્ટ દેવની કૃપા અને આશીર્વાદ મળતા રહે છે. ધારેલાં કામ પાર પડી જાય છે. વર્ષોથી આપણા સુરતીલાલાઓ આ સબરસથી બહુ સારી રીતે પરિચિત છે. એ લોકો પણ આ નિયમનું અચૂક પાલન કરે છે. યાદ રહે, સુરતનાં પાણી સાથે સુરતના સબરસના કારણે સુરતનું જમણ જગતમાં મશહૂર બની ગયું છે. સબરસ ખરીદીને તમે તમારા પરિવાર સાથે સુખી સંતુષ્ટ રહો. નવા વરસની એ જ શુભકામના. નૂતન વર્ષાભિનંદન.
સુરત      – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top