સુરત: ITF વર્લ્ડ જુનિયર ટેનિસ કોમ્પિટીશન બોયઝ ઓશેનિયા ફાઇનલમાં 2022 માટે સુરત(Surat)નાં તનુષ ગિલદયાલ(Tanussh Ghildyal)ની પસંદગી થઇ છે. નવી દિલ્હી ખાતે 25 એપ્રિલથી 30 એપ્રિલ 2022 દરમિયાન ફાઈનલ ટુર્નામેન્ટ યોજાશે. આ કોમ્પિટિશનમાં 16 દેશોએ ભાગ લીધો છે. જેમાં તનુષ ભારત(India)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
દેશમાં રમત-ગમત ક્ષેત્રમાં ગુજરાતનાં બાળકો મોટી પ્રસિદ્ધી મેળવી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)નો વધુ એક બાળક ટેનિસની રમતમાં સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. સુરત શહેરનો તનુષ ગિલદયાલ ITF વર્લ્ડ જુનિયર ટેનિસ કોમ્પિટીશન બોયઝ ઓશેનિયા ફાઇનલમાં 2022 માટે ક્વોલિફાઇડ થયો છે અને હવે દિલ્હી ખાતે યોજાનારી ફાઇનલ્સમાં 16 દેશોનાં સ્પર્ધકો સાથે ભાગ લેશે.
8 વર્ષની ઉંમરથી રમી રહ્યો છે ટેનિસ
તનુષનો જન્મ સુરતમાં થયો હતો. પિતા અને માતા સાથે હાલમાં તે બેંગ્લોરમાં રહે છે. તનુષ બેંગ્લોરની દિલ્હી પબ્લિક સ્કૂમાં અભ્યાસ કરી રહ્યો છે. તેને 8 વર્ષની ઉંમરે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં AITA જુનિયર ટેનિસમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. અગાઉ તે ફૂટબોલ પણ રમ્યો હતો. પરંતુ હાલ તે ટેનિસ રમવા પર ફોકસ કરી રહ્યો છે. તનુષે ડીસેમ્બર 2021માં MSLTA ENDURANCE AITA નેશનલ્સ ઔરંગાબાદ ખાતે સિંગલ્સ અને ડબલ્સમાં નેશનલ વિનર બનીને 14 વર્ષથી ઓછી વયમાં જીત મેળવી હતી. આ જીત અત્યાર સુધીની તેની 36મી જીત હતી.
દીકરાની જીત અમારા માટે ગર્વની વાત: તનુષની માતા
તનુષનાં પિતા મનીષ ગિલદયાલ અને માતા અનિતા ગિલદયાલ બેંગ્લોરમાં રહે છે. પિતા બાયોકોન બાયોલોજિક્સ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ પ્રોજેક્ટ્સ એન્ડ એન્જિનિયરિંગમાં કામ કરે છે. માતા કોલેજમાં પ્રોફેસર છે. દીકરાની જીતને લઈ માતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો તનુષ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે જે અમારા માટે ગર્વની વાત છે. આ જીત તનુષની ટેનિસ દુનિયામાં એક નાનું પગલું છે. તે આગળ પણ આ જ રીતે જીત મેળવતો રહેશે.
દીકરાનાં ભવિષ્ય માટે માતાએ નોકરી છોડી
તનુષનાં માતાએ તેના દીકરાનાં ભવિષ્ય માટે પોતાની નોકરી છોડી દીધી હતી. અનિતાબેન કોલેજમાં પ્રોફેસર હતા. પરંતુ દીકરા સાથે ટૂર્નામેન્ટ માટે મુસાફરી કરવાની હોય છે. જેના કારણે તેઓએ આજ વર્ષથી પોતાની નોકરી છોડી દીધી હતી. અને હાલમાં તેઓ ઓનલાઈન ટ્યુશન ક્લાસનાં વર્ગો ચલાવી રહ્યા છે.
તનુષની સિદ્ધીઓ
તનુષે અત્યાર સુધીમાં ૩૬ ટુર્નામેન્ટમાં વિજેતા થયો છે. તનુષ AITA અંડર – 12માં દેશમાં ત્રીજા ક્રમે, અંડર – 14માં પ્રથમ ક્રમે છે. તનુષે અંડર 12માં 10, અંડર 14માં 7, અને અંડર 16માં તેણે 4 ટુર્નામેન્ટ જીતી હતી. તનુષ હાલમાં કર્ણાટક માટે રમી રહ્યો છે. હવે તનુષનું એક જ લક્ષ્ય છે કે તે જુનિયર્સ ગ્રાન્ડ સ્લેમમાં ઉત્તમ પ્રદર્શન કરી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.