Editorial

હરીશ રાણા પેસિવ યુથેનેસિયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો દૂરગામી બની રહેશે

હાલમાં હરીશ રાણા નામના કોમાટોઝ યુવકના કૃત્રિમ જીવનઆધાર દૂર કરીને તેમને મૃત્યુ પામવા દેવા માટે સુપ્રીમ કોર્ટે છૂટ આપી તે ભારતમાં   આ સંવેદનશીલ કાનૂની બાબતમાં એક ખૂબ અગત્યનો ચુકાદો બની ગયો છે. આ કેસ ભારતમાં કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ   (Passive Euthanasia) નો પ્રથમ કિસ્સો બન્યો છે. ૧૩ વર્ષ પહેલાં ગંભીર રીતે પડી જવાને કારણે થયેલી મગજની ઈજા બાદ હરીશની   સ્થિતિ અત્યંત ગંભીર હતી. તબીબી નિષ્ણાતો સહમત હતા કે તેની સ્થિતિ સુધરવી અશક્ય છે, ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરવી પડી હતી કે માત્ર   વેન્ટિલેટર સપોર્ટ જ નહીં, પરંતુ પોષણ અને મેડિકલ નળીઓ  પાછી ખેંચવી એ પણ કાયદેસર રીતે  નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ ગણી શકાય. સુપ્રીમના  ચુકાદા પછી  આ હરીશ રાણાના કૃત્રિમ જીવન આધાર પાછા ખેંચી લેવાયા તેના દસેક દિવસ બાદ મંગળવારે તેમનું અવસાન થયું છે.

 જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેનાથી  પરિવારને હોસ્પિટલમાં લાઈફ  સપોર્ટ બંધ કરવાની મંજૂરી મળી અને હરીશ રાણા ગૌરવપૂર્ણ મૃત્યુ પ્રાપ્ત કરી શક્યા. આ  કેસે ભારતમાં જીવનના અંતિમ અધિકારો વિશે તબીબી  અને કાનૂની વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. રાણા, જે પંજાબ યુનિવર્સિટીમાં  એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને ફૂટબોલ પ્રેમી ઉત્સાહી યુવાન હતા,  ૨૦૧૩માં તેમના પેઈંગ ગેસ્ટ (PG) આવાસના ચોથા માળેથી પડી જતાં  તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારથી તેઓ કોમામાં  હતા.

કોર્ટે ઠરાવ્યું છે કે   ક્લિનિકલી એડમિનિસ્ટર્ડ ન્યુટ્રિશન એન્ડ હાઈડ્રેશન (CANH) — એટલે કે તબીબી રીતે આપવામાં આવતો ખોરાક અને પાણી — એ ‘મૂળભૂત   નિર્વાહ’ નહીં પણ તબીબી સારવાર છે. આ વર્ગીકરણ ‘પેસિવ યુથનેસિયા’ના કિસ્સાઓમાં ખોરાકની નળીને   કાનૂની રીતે હટાવવાની મંજૂરી આપે છે, જો કે તે માટે ચોક્કસ તબીબી અને ન્યાયિક સુરક્ષાના માપદંડો પૂર્ણ થતા હોય.

અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું  છે કે: જીવન રક્ષક પ્રણાલી (લાઈફ સપોર્ટ) હટાવવા માટે દર્દીનું માત્ર ‘ટર્મિનલી ઈલ’ (અસાધ્ય રીતે બીમાર) હોવું  જરૂરી નથી; પર્મેનન્ટ વેજીટેટિવ  સ્ટેટ (PVS) એટલે કે લાંબા ગાળાની અચેતન અવસ્થા પણ મેડિકલ બોર્ડની રચના કરવા માટે પૂરતો આધાર  છે. આ ચુકાદો દર્દીના શ્રેષ્ઠ હિતને સર્વોપરી માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ભાર મૂકે છે. કોર્ટે જણાવ્યું કે જ્યારે સારવાર માત્ર રિકવરીની આશા વગર  જૈવિક  અસ્તિત્વને લંબાવતી હોય, ત્યારે તબીબી જવાબદારીઓ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેતી નથી.

11 માર્ચ, 2026 ના રોજ એક ઐતિહાસિક  ચુકાદામાં, ભારતીય સર્વોચ્ચ અદાલતે કાયમી વનસ્પતિ અવસ્થા (Permanent Vegetative  State)માં, એટલે કે જીવંત શરીર સાથે તદ્દન  અચેતન અવસ્થામાં પડી રહેલા દર્દી માટે જીવન-રક્ષક સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપીને ‘જીવનના અંત’ સંબંધિત અધિકારોનો વિસ્તાર  કર્યો છે. આ  ચુકાદો પુષ્ટિ કરે છે કે ગરિમા સાથે જીવવાનો બંધારણીય અધિકાર ‘ગરિમા સાથે મૃત્યુ પામવાના અધિકાર’ નો પણ સમાવેશ કરે છે,  જે રિકવરીની  કોઈ આશા ન હોય ત્યારે તબીબી હસ્તક્ષેપ દૂર કરવાની પરવાનગી આપે છે.

હરીશ રાણા સાથે સંકળાયેલો આ કેસ, 2018 ના ‘કોમન કોઝ’ ચુકાદા પછી પ્રથમ  વખત છે જેમાં  અદાલતે તબીબી રીતે આપવામાં આવતા પોષણ અને હાઇડ્રેશન સહિત લાઈફ સપોર્ટ પાછી ખેંચવાની સીધી મંજૂરી આપી છે. ભારતમાં અને  વિશ્વના મોટાભાગના દેશોમાં સક્રિય સ્વેચ્છામૃત્યુની છૂટ નથી, કે જેમાં દર્દીને ઝેરનું ઇન્જેકશન જેવા ઉપાય વડે મૃત્યુને હવાલે કરવામાં આવે છે.  આમાં દર્દીની પરવાનગી ખૂબ જરૂરી હોય છે. જો દર્દીની પરવાનગી ન હોય અને તેને આ રીતે મૃત્યુને હવાલે કરવામાં આવે તો તે હત્યા ગણાય.  અને ભારત સહિતના અનેક દેશોના સમાજોમાં દર્દીની પરવાનગી પછીના પણ આવા ઇચ્છામૃત્યુને યોગ્ય ગણવામાં આવતું નથી, અને આને  આત્મહત્યા પણ ગણવામાં આવે છે.

વિશ્વના મોટા ભાગના ધર્મો પણ આની પરવાનગી આપતા નથી. પરંતુ હવે પેસિવ યુથેનેસિયાની મંજૂરી  ભારતમાં મળી છે. આમાં જીવનને કૃત્રિમ આધારો વડે નિરર્થક રીતે લંબાવ્યે રાખવાની અયોગ્યતાનો ખયાલ છે. જે લોકો જીવતી લાશ જેવી  અવસ્થામાં પડી રહ્યા હોય અને જેમના સાજા થવાની કોઇ આશા ન હોવાનો મજબૂત તબીબી અભિપ્રાય હોય તેવા લોકોના કૃત્રિમ જીવન આધાર  પાછા ખેંચી લેવાની આમાં વાત છે. આ ચુકાદો ભારતમાં દૂરગામી અસરો કરનારો બની રહેશે.

Most Popular

To Top