હમણાં સુપ્રીમ કોર્ટના એક જજે રાષ્ટ્રપતિએ પેન્ડિંગ ખરડાઓનો ૨૧ દિવસમાં નિકાલ લાવવો જોઈએ એવું જજમેન્ટ આપ્યું એટલું જ નહીં વકફ કાયદો જે તમામ પ્રકારની કાયદાકીય જોગવાઈઓમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ જેના પર સહી કરી તેની વિરુધ્ધની અરજી દાખલ કરી. સામાન્ય ભારતીય નાગરિકની સમજ એવી છે કે સંસદમાં અને રાજ્યસભામાં જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ મંજૂર કરેલ ઠરાવ બહુમતીથી પસાર થાય અને રાષ્ટ્રપતિની સહીથી એ સત્તાવાર કાયદાનું સ્વરૂપ લે પછી સુપ્રીમ કોર્ટની જવાબદારી એ કાયદાનું પાલન કરાવવાની હોય, નહીં કે એ કાયદો બરાબર છે કે નહીં તે જોવાની. એટલે વકફના કાયદા પર રાષ્ટ્રપતિની સહી થયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા એ કાયદાની વિરુધ્ધની અરજી સ્વીકારવામાં આવી ત્યારે જ સામાન્ય નાગરિકને આશ્ચર્ય થયેલું પરંતુ કોર્ટની અવમાનના ના ભયે તે વખતે સહુ સમસમીને બેસી રહ્યા હતા.
પરંતુ હવે જ્યારે ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સત્તાને આડે હાથ લીધી છે ત્યારે સામાન્ય નાગરિક માટે તેને સમર્થન આપવાનો સમય આવી ગયો છે. વકફના કાયદામાં તમામ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયેલો સુધારો કરવામાં આવ્યો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં અને એવા પડકારની કોઈ અરજી આવે તો તે સુપ્રીમ કોર્ટે દાખલ જ ન કરવી જોઈએ.ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ સાચું જ કહ્યું છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે અમુક સમયમર્યાદામાં સહી કરી દેવી જોઈએ એવો આદેશ આપવાની કોઈ સત્તા સુપ્રીમ કોર્ટને નથી. આ દેશમાં સંસદ અને રાષ્ટ્રપતિની સત્તાથી ઉપરવટ કોઈ સત્તા છે નહીં એ તમામને ખબર છે. સુપ્રીમ કોર્ટને ખબર નથી એ જાણી નવાઈ લાગે છે.સુપ્રીમ કોર્ટ કોઈને ફાંસીની સજા આપે તો રાષ્ટ્રપતિ એ સજા રદ કરી શકે છે એ સૌને ખબર છે એટલે તાજેતરનું સુપ્રીમ કોર્ટનું રાષ્ટ્રપતિ ઉપરવટ વલણ આશ્ચર્યજનક છે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
