Columns

જસ્ટિસ વર્માના કેસમાં સુપ્રિમ કોર્ટના ખુલાસાથી મામલો વધુ ગૂંચવાયો છે

તબેલામાંથી ઘોડા છૂટી જાય તે પછી ગમે તેટલાં તાળાં મારવામાં આવે તો પણ નાસી ગયેલા ઘોડાઓ પાછા આવતા નથી. જસ્ટિસ યશવંત વર્માના કથિત ભ્રષ્ટાચારના કેસમાંl તંત્રએ લગભગ એક સપ્તાહ સુધી સત્ય હકીકતો દબાવી રાખવાની કોશિષ કરી, પણ જ્યારે અખબારોમાં તેનો ભાંડો ફૂટી ગયો ત્યારે પહેલાં તો તેની પર ઠંડું પાણી રેડવાની જ કોશિષ કરી હતી, પણ જ્યારે લાગ્યું કે આ રીતે હકીકતોનો ઇનકાર થતો રહેશે તો ન્યાયતંત્રની રહીસહી પ્રતિષ્ઠા પણ ધૂળમાં મળી જશે ત્યારે સુપ્રીમ કોર્ટે એક બહાદુરીભર્યું પગલું ભરીને આ પ્રકરણના તમામ દસ્તાવેજો અને વીડિયો સુદ્ધાં પોતાની વેબસાઈટ ઉપર જાહેર કરી દીધા હતા.

આ વીડિયો દ્વારા પહેલી વખત એ વાતના નક્કર પુરાવા મળ્યા કે જસ્ટિસ વર્માના ઘરમાં જે આગ લાગી હતી તેમાં ચલણી નોટોની થપ્પીઓ બળી ગઈ હતી. સુપ્રિમ કોર્ટે આ બાબતમાં દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સાથેનો ખાનગી પત્રવ્યવહાર ઉપરાંત જસ્ટિસ વર્માનો જવાબ પણ જાહેર કરી દીધો હતો. સુપ્રિમ કોર્ટની આ અખબારી યાદી વાંચીને સૌથી પહેલો સવાલ એ થતો હતો કે જો જસ્ટિસ વર્માના ઘરે આગ ૧૪ માર્ચની રાતે લાગી હતી અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસને તેની જાણ બીજા જ દિવસે થઈ ગઈ હતી તો તેમણે તે વાત ૨૨ માર્ચ સુધી કેમ જાહેર ન કરી?  જસ્ટિસ વર્માના ઘરે જ્યારે આગ લાગી ત્યારે તેઓ દિલ્હીમાં નહોતા પણ ભોપાળમાં હતા. આગની જાણ તેમના કુટુંબના સભ્યે પોલીસને કરી અને પોલીસે ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડને આગ બૂઝાવતાં પાંચસો-પાંચસો રૂપિયાની થપ્પીઓ હાથ લાગી હતી, જેમાંની કેટલી બળેલી હતી અને કેટલી સહીસલામત હતી તે વાત હજુ સુધી બહાર આવી નથી.

અહીં સવાલ દિલ્હી પોલીસ ઉપર પણ ઉઠી રહ્યો છે કે જો તેને બળેલી નોટોની જાણ હતી તો તેણે તે નોટો તાત્કાલિક જપ્ત કેમ ન કરી અને તેની જાણ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કરી કે ન કરી? જો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને આ વાતની જાણ હોય તો તેમણે તરત આ વાતની જાણ કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહને પણ કરી જ હશે અને તેમણે વડા પ્રધાનને પણ આ વાતની જાણ કરી જ હશે. તો શું આ વાતને દબાવી રાખવામાં વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની કોઈ ભૂમિકા છે?  આપણા દેશની રાજધાની દિલ્હીના બીજા નંબરના સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિના ઘરેથી ૧૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રકમ મળી આવે અને તેની જાણ દેશના વડા પ્રધાનને કે ગૃહ પ્રધાનને કરવામાં ન આવે, તે ન માની શકાય તેવી વાત છે.

તેનો મતલબ એ થયો કે જસ્ટિસ વર્માને બચાવી લેવા માટે આ મહાન નેતાઓ દ્વારા દેશની સુપ્રિમ કોર્ટ પર ભારે દબાણ લાવવામાં આવ્યું હશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ થોડા સમય સુધી આ દબાણ હેઠળ આવી ગયા હોવાની સંભાવના છે પરંતુ જ્યારે તેમને લાગ્યું કે આ ઘટનાને કાર્પેટ હેઠળ દબાવી રાખવાથી સુપ્રિમ કોર્ટની અને ભારતના ન્યાયતંત્રની પ્રતિષ્ઠા જ ખતમ થઈ જાય તેમ છે, ત્યારે તેમણે સરકારના દબાણની પરવા કર્યા વિના ઘટનાના તમામ દસ્તાવેજો, ફોટો અને વીડિયો પણ પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કરી દીધા હતા અને સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની પેનલ બનાવીને જસ્ટિસ વર્માને રજા ઉપર ઊતારી દીધા હતા.

જોકે, જસ્ટિસ વર્માના કેસમાં સત્ય બહાર આવશે, તેમ માની લેવું વધારે પડતું છે, કારણ કે આ પ્રકરણમાં ઘણા મોટાં માથાંઓ સંડોવાયેલાં છે. જો સુપ્રિમ કોર્ટ તેમાં તળિયાઝાટક તપાસ કરે તો રેલો કેટલાંક જજો અને નેતાઓના પગ નીચે પણ આવી શકે તેમ છે, કારણ કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં બહુ ઊંડાં છે. જો સુપ્રિમ કોર્ટ જસ્ટિસ વર્માને બેનકાબ કરવામાં આગળ વધે તો જસ્ટિસ વર્મા બીજા ઘણા ટોચના સ્થાને બેઠેલાને બેનકાબ કરવાની ક્ષમતા અને દારૂગોળો ધરાવે છે. આ ટોચના સ્થાને બેઠેલા વગદાર લોકો પોતાના પાપો છૂપાવવા માટે ભીનું સંકેલી લેવાની ફરજ પાડે તેવી સંભાવના છે.

ભારતના ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કોઈ પણ સરકારી કર્મચારી પાસેથી બિનહિસાબી નાણું પકડાય તો તરત તેની સામે એફઆઈઆર કરવામાં આવે છે, તેની ધરપકડ કરવામાં આવે છે અને તેને ત્યાંથી તમામ પુરાવાઓ જપ્ત કરવામાં આવે છે. હાઈ કોર્ટના કે સુપ્રિમ કોર્ટના કોઈ જસ્ટિસ પાસેથી કાળું નાણું પકડાય તો તેમની સામે પણ આ જ કાર્યવાહી થવી જોઈએ, પણ તેના માટે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરી લેવી જરૂરી હોય છે. તો પછી જસ્ટિસ વર્મા સામે હજુ સુધી એફઆઈઆર કેમ કરવામાં નથી આવી? તેનું કારણ ન્યાયતંત્રમાં જાળવવામાં આવતી ગોપનીયતા છે.

ભારતના ચીફ જસ્ટિસ દ્વારા આ કેસ સીબીઆઈ કે ઇડીને સોંપવાને બદલે ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી જોકે, ભૂતકાળમાં પણ આ પ્રકારના કેસોમાં આ પ્રકારની પેનલો બની છે, પણ તેમાં કોઈ જજને ગુનેગાર ઠેરવીને તેમને સજા કરવામાં આવી હોય તેવું બન્યું નથી. ૨૦૨૨માં કેન્દ્રના કાયદા પ્રધાને સંસદને જણાવ્યું હતું કે હાઈ કોર્ટના અને સુપ્રિમ કોર્ટના જજો સામે આશરે ૧૬૦૦ ફરિયાદો સરકારને મળી છે, પણ તેમાંની એક પણ ફરિયાદમાં જજોને સજા કરવામાં આવી હોય તેવું જાણમાં નથી.

હાઈ કોર્ટના અને સુપ્રિમ કોર્ટના જજ સાહેબોના બધા ગુના માફ કરી દેવામાં આવે છે. હવે જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી રહી છે. આ રોકડ કૌભાંડ અંગે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દિલ્હી હાઈકોર્ટના સિટિંગ જજ જસ્ટિસ વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ન્યાયાધીશની પરવાનગી વિના ફોજદારી તપાસથી વર્તમાન ન્યાયાધીશોને રક્ષણ આપતી કાનૂની જોગવાઈને પણ પડકારવામાં આવી છે. ઘણા વકીલો અને નાગરિકો દ્વારા સમર્થિત આ અરજી એડવોકેટ મેથ્યુ જે. દ્વારા દાખલ કરવામાં આવી હતી.

અરજદાર કહે છે કે કે. વીરસ્વામી વિરુદ્ધ ભારત સંઘના ચુકાદામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈપણ ન્યાયાધીશ સામે FIR નોંધવા માટે મુખ્ય ન્યાયાધીશની પરવાનગી જરૂરી છે. આ નિર્ણય કાયદા સમક્ષ સમાનતાના બંધારણીય સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં જસ્ટિસ વર્મા સામે પણ તાત્કાલિક કેસ નોંધવો જોઈએ. અરજદારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા હાથ ધરવામાં આવેલી આંતરિક તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે કોલેજિયમ પાસે આવી ગુનાહિત તપાસ કરવાનો બંધારણીય કે વૈધાનિક અધિકાર નથી. કોલેજિયમ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જસ્ટિસ વર્માના કેસની તપાસ સીબીઆઈ કે ઇડી જેવી તપાસ સંસ્થાને સોંપવાને બદલે હાઈ કોર્ટના ત્રણ જજોની પેનલને સોંપવાના કોલેજિયમના નિર્ણય બાબતમાં વાજબી રીતે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે, આ ફોજદારી બાબત છે. આવી બાબતોમાં તાત્કાલિક ધોરણે પુરાવાઓ કબજામાં લઈને આરોપીઓ તેમ જ સાક્ષીઓની કડક ઉલટ તપાસ કરવી જરૂરી છે.

આવો અનુભવ પોલીસ અધિકારીઓ જ ધરાવતા હોય છે. એર કન્ડિશન્ડ ચેમ્બરમાં બેસવાને ટેવાયેલા જજ સાહેબો રીઢા ગુનેગારો સાથે કામ પાડી શકે નહીં. વળી આ ઘટના બની તેને દસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. હજુ સુધી પુરાવાઓ હાથમાં લેવામાં આવ્યા નથી. જસ્ટિસ વર્માનો મોબાઈલ ફોન હજુ કબજે લેવામાં આવ્યો નથી. જે જજ સાહેબોને આ કામ સોંપવામાં આવ્યું છે તેઓ સીટિંગ જજ હોવાથી પોતાના કામમાં વ્યસ્ત હોય છે. તેઓ આ મામલામાં કેટલી અને કેવી તપાસ કરી શકશે તે પણ શંકાસ્પદ છે. આ સંયોગોમાં ત્રણ જજોની પેનલ દ્વારા આ પ્રકરણની સાચી હકીકતો બહાર આવે તેવી સંભાવના બહુ પાંખી જણાય છે.

દિલ્હી હાઈ કોર્ટના સીટિંગ જજના ઘરેથી રૂપિયાના કોથળા પકડાયા તેને પગલે સુપ્રિમ કોર્ટના કોલેજિયમ વિરુદ્ધ સરકારનો વિવાદ પાછો સપાટી ઉપર આવ્યો છે. આ પ્રકરણનો ફાયદો ઉઠાવીને કેટલાંક લોકો કોલેજિયમને બદનામ કરવાની અને તેની સત્તાઓ પર નિયંત્રણ મૂકવાની વાતો પણ કરી રહ્યા છે. તેમનો ઇરાદો નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનના માધ્યમથી ન્યાયતંત્ર ઉપર સરકારની સત્તા સ્થાપિત કરી દેવાનો છે. હકીકતમાં તે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું હશે, કારણ કે ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર કરતાં સરકારમાં અનેક ગણો વધુ ભ્રષ્ટાચાર છે.      
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top