Columns

નોટબંધીના નિર્ણય બાબતમાં સર્વોચ્ચ અદાલત હવે ચુકાદો આપશે

ભારતની ન્યાયપદ્ધતિની કરૂણતા એ છે કે સરકાર દ્વારા પ્રજાના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવનારો કોઈ નિર્ણય બંધારણીય છે કે ગેરબંધારણીય? તેની સમીક્ષા કરતાં તેને વર્ષોના વર્ષો લાગી જાય છે. તેનો ચુકાદો આવે ત્યાં સુધીમાં તો પ્રજા પારાવાર યાતનાઓ વેઠી ચૂકી હોય છે. ભારતના વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ ૨૦૧૬ની ૮ નવેમ્બરે રાતે ૮.૩૦ કલાકે નેશનલ ટીવી પર આવીને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી તેને પગલે દેશભરમાં અફડાતફડી મચી ગઈ હતી. દેશના કરોડો ગરીબો તેમની પાસેની નોટો બદલવા લાઈનમાં ઊભા રહી ગયા હતા, જ્યારે અમીરોને અબજો રૂપિયાની નોટો પાછલાં બારણે બદલી આપવામાં આવી હતી. ભાજપની નજીક જે રાજકારણીઓ હતા તેમનું કાળું ધન સિફતપૂર્વક ધોળું કરી આપવામાં આવ્યું હતું, જ્યારે વિપક્ષમાં રહેલા રાજકારણીઓને લટકતા રાખવામાં આવ્યા હતા.

નોટ બદલવાની લાઈનમાં સેંકડો નાગરિકોનાં મોત થયાં હતાં. પોતાની જિંદગીભરની કમાણી નકામી થઈ જવાના આઘાતમાં ઘણા લોકોએ આપઘાત કર્યા હતા. સરકારના આ નોટબંધીનાં પગલાં સામે સુપ્રિમ કોર્ટમાં એકાદ બે નહીં પણ પૂરી ૫૮ રિટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટ પાંચ વર્ષ સુધી ચુકાદો આપી શકી નહોતી. હવે પાંચ જજોની બેન્ચ નોટબંધી બાબતમાં પોતાનો ચુકાદો તા. ૨જાન્યુઆરીના સંભળાવનારી છે ત્યારે સહેજે સવાલ થાય છે કે આ બાબતમાં સુપ્રિમ કોર્ટ મોડે મોડે શું કરી શકે તેમ છે? ધારો કે સરકારનું પગલું ગેરબંધારણીય જાહેર થાય તો પણ સુપ્રિમ કોર્ટ તેને રદ્દબાતલ જાહેર કરી શકે તેમ નથી; કારણ કે તેમ કરવા જતાં ઘડિયાળના કાંટા ઊંધા ચલાવવા પડે તેમ છે. સુપ્રિમ કોર્ટ કદાચ જે નાગરિકો નોટ બદલ્યા વગરના રહી ગયા હોય તેમને વધુ એક તક આપી શકે છે, પણ કેન્દ્ર સરકાર તેના વિરોધમાં છે. કદાચ સુપ્રિમ કોર્ટ ભવિષ્યમાં સરકાર ભારતીય રિઝર્વ બેન્કની સંમતિ વગર નોટબંધી કરી ન શકે તેવો ચુકાદો પણ આપી શકે છે.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર દ્વારા કરન્સી નોટના ધારકને વચન આપવામાં આવ્યું હોય છે કે તેઓ કરન્સી નોટની સામે અમુક રૂપિયા ચૂકવવાને બંધાયેલા છે. આ વચનમાં કરન્સી નોટની કોઈ એક્સપાયરી ડેટ લખવામાં આવી નથી હોતી. કેન્દ્ર સરકાર વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૮ નવેમ્બરના નોટબંધીની જાહેરાત કરીને રિઝર્વ બેન્ક દ્વારા દેશના કરોડો નાગરિકોને આપેલું વચન તોડીને તેમને પ્રચંડ આઘાત પહોંચાડ્યો હતો. હકીકતમાં કરન્સી નોટો બહાર પાડવાનું કામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે, માટે કરન્સી નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય પણ રિઝર્વ બેન્કે જ કરવાનો હોય અને તેની જાહેરાત પણ રિઝર્વ બેન્કના ગવર્નરે કરવાની હોય.

તેને બદલે આ નિર્ણય ભારતના વડા પ્રધાને કર્યો હતો અને રિઝર્વ બેન્કના ગવર્નરને તેમાં સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. રિઝર્વ બેન્કના તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલ છેક છેલ્લે સુધી સરકારના આ નિર્ણયથી અજાણ હતા. કેન્દ્રના પ્રધાનમંડળને પણ આ નિર્ણયની જાણ છેક છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી. નોટબંધી કરવાનો પ્રસ્તાવ રિઝર્વ બેન્ક દ્વારા સરકારને નહોતો મોકલવામાં આવ્યો પણ સરકાર દ્વારા રિઝર્વ બેન્કને મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પસાર કરવા છેક છેલ્લી ઘડીએ રિઝર્વ બેન્કના ગવર્નિંગ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં સરકારના નોટબંધીના પ્રસ્તાવ સામે સંખ્યાબંધ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ વાંધાઓની ઉપેક્ષા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધીનો નિર્ણય જાહેર કરવા નેશનલ ટીવી પર પહોંચી ગયા હતા. અહીં સવાલ એ થાય છે કે નોટબંધીનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોની સલાહ મુજબ લીધો હતો?

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ની કલમ ૨૬(૨) મુજબ રિઝર્વ બેન્ક અમુક કરન્સી નોટો ચલણમાંથી પાછી ખેંચી શકે છે. આ કાયદા મુજબ અમુક ચલણી નોટો જ પાછી ખેંચી શકાય છે, પણ ચોક્કસ મૂલ્યની તમામ ચલણી નોટો પાછી ખેંચવાની જોગવાઈ તેમાં નથી. ૧૯૭૮માં મોરારજી દેસાઈ ભારતના વડા પ્રધાન હતા ત્યારે તેમણે ૧,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી, પણ તે કુલ ચલણનો માંડ ૧ ટકા ભાગ હતો. તેનો પ્રભાવ કેટલાક મુઠ્ઠીભર શ્રીમંતો પર જ પડ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરી તે ચલણના ૮૬ ટકા જેટલી હતી. તેનો દુષ્પ્રભાવ કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડ્યો હતો. મોરારજી દેસાઈ દ્વારા ચલણી નોટો પાછી ખેંચવા વટહુકમ બહાર પડાયો હતો, જ્યારે મોદીએ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

સુપ્રિમ કોર્ટની વારંવારની ટકોર પછી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા જે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે, તેમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે નોટબંધીની જાહેરાતના કલાકો પહેલાં રિઝર્વ બેન્કની જે તાકીદની મીટિંગ બોલાવવામાં આવી તેમાં વડા પ્રધાનના નિર્ણય સામે અનેક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે, તેમાંથી આ વાંધાઓ કાઢી નાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવા માટે જે ત્રણ મુખ્ય કારણો આપવામાં આવ્યાં હતાં તેમાંનું પહેલું કારણ એ હતું કે ચલણમાં બનાવટી નોટોનું વધી ગયેલું દૂષણ ડામવા નોટબંધી કરવી જરૂરી છે. રિઝર્વ બેન્કે તેની સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે ચલણમાં નકલી નોટોનું પ્રમાણ આશરે ૪૦૦ કરોડ રૂપિયા જેટલું છે, જ્યારે કુલ ચલણી નોટો ૧૭ લાખ કરોડ રૂપિયા જેટલી છે. તે જોતાં ૪૦૦ કરોડ રૂપિયા નગણ્ય કહેવાય. સરકારનો બીજો દાવો હતો કે લોકો કાળાં નાણાંનો સંગ્રહ કરવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો ઉપયોગ કરે છે. તેનો પણ પ્રતિકાર કરતાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે લોકો કાળાં નાણાંનો સંગ્રહ ચલણી નોટો કરતાં સોનું, ચાંદી અને રિયલ એસ્ટેટનો વધુ ઉપયોગ કરે છે. સરકારે તેની પણ ઉપેક્ષા કરી હતી.

કેન્દ્ર સરકારે પોતાની એફિડેવિટમાં દાવો કર્યો છે કે નવેમ્બર મહિનામાં નોટબંધી કરવામાં આવી તે બાબતમાં છેક ફેબ્રુઆરી મહિનાથી રિઝર્વ બેન્ક સાથે વાટાઘાટો ચાલતી હતી. આ દાવો પણ ગેરમાર્ગે દોરનારો છે. જો રિઝર્વ બેન્ક સાથે ૮ મહિનાથી વાટાઘાટો ચાલતી હોય તો તેની ગંધ આવ્યા વિના રહે જ નહીં. તા. ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યાર બાદ ૧૪ નવેમ્બરે તો રિઝર્વ બેન્ક દ્વારા એટીએમ મશીનોને ૨૦૦૦ની નવી ચલણી નોટો માટે તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો રિઝર્વ બેન્કને આગોતરી જાણ હોત તો તેણે મશીનો તૈયાર કરી રાખ્યા હોત.

કેન્દ્ર સરકારની એફિડેવિટમાં નોટબંધી માટે કારણ આપવામાં આવ્યું હતું કે ૨૦૧૬ પહેલાનાં પાંચ વર્ષમાં ભારતમાં ચલણી નોટો અને જીડીપી વચ્ચેનો ગુણોત્તર ૧૧.૫ ટકા પર પહોંચી ગયો હતો, જે ચલણમાં વધી ગયેલાં કાળાં નાણાંનો સૂચક હતો. અમેરિકામાં તે ગુણોત્તર ૭.૭૪ ટકા જેટલો જ હતો. જોકે એફિડવિટમાં તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે નોટબંધીનાં ત્રણ વર્ષ પછી તે ગુણોત્તર વધીને ૧૨ ટકા પર પહોંચી ગયો હતો. કાળાં નાણાંને નાથવામાં નોટબંધી નિષ્ફળ ગઈ હતી. હવે કેન્દ્ર સરકાર ડિજિટલ કરન્સી લાવીને દેશમાં ફરીથી જડબેસલાક નોટબંધી કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો સરકાર પર લગામ તાણનારો હોવો જોઈએ.

Most Popular

To Top