નવી દિલ્હી: બાબા રામદેવ (BabaRamdev) અને તેમના સાથી બાલકૃષ્ણને (BalKrishna) સુપ્રીમ કોર્ટનું (Supreme Courte) તેડું આવ્યું છે. બાબા અને બાલકૃષ્ણને નોટીસ મોકીલ હાજર થવા હુકમ કર્યો છે. આ સમગ્ર મામલો બાબાની આયુર્વેદિક બ્રાન્ડ પતંજલિને (Patanjali) લઈને છે. શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ…
સુપ્રીમ કોર્ટે આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં રામદેવને નોટિસ ફટકારી છે અને તેમને કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે. કોર્ટે રામદેવને પૂછ્યું છે કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ?
સુનાવણી દરમિયાન કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે, તમે હજુ સુધી જવાબ કેમ દાખલ કર્યો નથી? હવે અમે તમારા અસીલને કોર્ટમાં હાજર થવા માટે કહીશું. અમે રામદેવને પણ પાર્ટી બનાવીશું. રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને કોર્ટમાં હાજર રહેવું પડશે.
કોર્ટે કહ્યું કે અમે કેસની સુનાવણી મોકૂફ રાખવાના નથી. આ વાત બિલકુલ સ્પષ્ટ છે. આ સાથે કોર્ટે કેન્દ્રીય આયુષ મંત્રાલયને પણ ફટકાર લગાવી અને પૂછ્યું કે તેણે એક દિવસ પહેલા જવાબ કેમ દાખલ કર્યો? તેના પર કેન્દ્રએ કોર્ટને કહ્યું કે તેમને યોગ્ય જવાબ આપવા માટે વધુ સમયની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતંજલિના મેનેજિંગ ડિરેક્ટરે આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવું પડશે. આ સાથે જ કોર્ટે સ્વામી રામદેવને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શા માટે તેમના પર કોર્ટના અવમાનનો કેસ ચલાવવામાં ન આવે.
જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદને કોર્ટના અવમાનની નોટિસ જારી કરી હતી. પતંજલિ આયુર્વેદ ઉપરાંત આચાર્ય બાલકૃષ્ણને પણ નોટિસ આપવામાં આવી હતી, જેમાં તેમને ત્રણ સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આનો જવાબ મળ્યો ન હતો.
કોર્ટે પતંજલિ ઉત્પાદનો અંગે પણ ટકોર કરી હતી
આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનો અંગે કંપનીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
શું છે IMAનો આરોપ?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો (IMA) નો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું