નવી દિલ્હી: 2016માં કેન્દ્ર સરકારે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે અચાનક નોટબંધીની જાહેરાત કરી દીધી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ 58 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેને ફગાવીને સરકારને ક્લીનચીટ આપી છે. ન્યાયાધીશે કહ્યું કે નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો છે અને આર્થિક નિર્ણયને ઉલટાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા તમામ અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નોટબંધીના નિર્ણયમાં કોઈ ભૂલ નથી.
વિપક્ષે નોટબંધીને ગણાવી હતી સરકારની મોટી નિષ્ફળતા
2016માં પીએમ મોદીએ 8 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને 1000ની નોટો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ મામલે આજે પણ વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે. એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ તેને સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી હતી. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારનો નિર્ણય સાચો છે. આ પ્રક્રિયામાં કંઈ ખોટું નથી.
કેન્દ્ર સરકારે SCને જવાબ આપ્યો
કેન્દ્રએ અરજીઓના જવાબમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધીનું પગલું લેવું પડ્યું હતું. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું અથવા તપાસવું જોઈએ નહીં. આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે તેની તુલના લોકો દ્વારા એક વખતની મુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને ફાયદો થયો છે. ન્યાયાધીશોએ કહ્યું કે કોર્ટ આર્થિક નીતિમાં ખૂબ જ મર્યાદિત દખલ કરી શકે છે. કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે 6 મહિના સુધી ચર્ચા થઈ હતી, તેથી નિર્ણય લેવાની પ્રક્રિયાને ખોટી ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી લોકોને પડી રહેલી સમસ્યાઓનો સંબંધ છે, તો અહીં એ જોવાની જરૂર છે કે આ પગલાનો ઉદ્દેશ્ય શું હતો.
એક જજનો જુદો અભિપ્રાય
જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ નઝીર, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ નાગરત્ન ઉપરાંત પાંચ જજોની બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ એ.એસ બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ. આ નિર્ણયને 4 જજોની બહુમતી મળી હતી જ્યારે જસ્ટિસ નાગરત્ન નિર્ણયની વિરુદ્ધ હતા. તમને જણાવી દઈએ કે તેમણે નોટબંધી પર સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણયને લગતા સંબંધિત રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન થયું?
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ શિયાળાની રજાઓને કારણે બંધ હતી અને આજે તે 2 જાન્યુઆરીથી ખુલી છે. નોટબંધીના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટે એ જોવાનો પ્રયાસ કર્યો છે કે શું સરકારે ખરેખર આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે અચાનક દેશમાંથી નોટબંધી કરી દીધી હતી. આ અંતર્ગત 1000 અને 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં નોટો બદલવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડ્યું હતું. આ દરમિયાન અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.