માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભવોભવના આ જગતના પેરામાં માનવજીવનનું મહત્ત્વ અદકેરું અને ખૂબ જ મૂલ્યવાન છે. જન્મ્યા યુવાન બન્યા અને વૃદ્ધ થયા. આ ત્રણ તબક્કામાંથી સૌએ પસાર થવું પડે છે. મનુષ્ય જિંદગી એક જ વાર મળતી હોવાની પૂર્તતા પુરાણો કરતા રહ્યા છે. છતાંયે પુણ્યબળ ઓછું થાય એટલે અંજળપાણી સમાપ્ત થયા પછી દરેક વ્યક્તિ કે જંતુ પશુ પંખીઓનું મૃત્યુ નિશ્ચિત મનાયું છે. જીવતર પસાર કરી દીધું તે સમય ગાળામાં આપણે આ સંસારમાં કેવું જીવ્યા તેનું મહત્ત્વ વધારે છે. જિંદગી તો બધા જીવે છે. પરંતુ જીવવાની તરાહ ભિન્ન ભિન્ન જોવા મળતી હોય છે.
માણસ સમૂહમાં પરિવાર જોડે પોતાના જીવનના અમૂલ્ય દિવસો પસાર કરે છે. તે સમય દરમિયાન કેવા સ્નેહ અને સંબંધના સરવાળા માંડીને જીવે છે. તેનું નક્કી નથી. ગણતરી માંડીએ તો ખ્યાલ આવશે કે સુખ અને દુ:ખના સ્નેહ સંબંધના સરવાળા કેવા ગણીને માણ્યા છે અને જીવન જીવ્યા છે. માનવ અરસપરસ દરેક સ્વજન, મિત્ર, પરિવારોમાં સભ્યો સાથે કેમ વર્તે છે. વ્યવહાર રાખે છે એના ઉપર બધું આધારિત છે. બાકી, કોઇ વ્યક્તિના જિંદગીના સરવાળા લાંબા હોય છે તો વળી કોઇનાં ખૂબ જ ટૂંકા હોય છે.
છતાંયે જિંદગી મળી જ છે તો તે જિંદાદિલીથી, આનંદમય ગુજારવાની જરૂર છે. બાકી તો જેમ તેમ મને કમને ધસરડા સહીને જીવવું અર્થહીન કહીએ તો ખોટું નથી. હાય વોયમાં મનુષ્ય પોતાનું આયુ પૂરું કરે છે. લાખો કરોડોની સંપત્તિ જિંદગીભર અથાગ પરિશ્રમે ભેગી કરી સરવાળે ખાલી હાથે દુનિયામાંથી વિદાય થવું પડે છે અને છતાં સ્નેહ સંબંધના તાંતણે પરોવાયેલો માનવ પોતે જીવનભર કરેલા સારા-નરસા-સંબંધોનો ઇતિહાસ અહીં મૂકી જાય છે અને વરસો સુધી એની ગાથાવાર્તા લોકમુખે ચર્ચાતી રહે છે. લેખક ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે, ભૂગોળના બે ખૂણાઓ પર પુખ્ત થયેલા બે માણસો એક જ વિચાર કરી શકે છે! જીઝસ ફાઇસ્ટે કહ્યું છે. ‘સ્વર્ગનું સામ્રાજ્ય તારી અંદર જ કરી શકે છે. પણ એની અનુભૂતિ અહેસાસ કરવાની જરૂર છે.’
ધરમપુર – રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અકેલેમેં મેલા, મેલેમેં અકેલે
એકલતા અને એકાંત વચ્ચે આભ જમીનનું અંતર છે. એકલતામાં બીજાની હાજરી જરૂરી હોય છે. જ્યારે એકાંતમાં મનુષ્ય ભિતરથી સૌથી વધારે સ્વની નજીક હોય છે. એકલતા કોઇના વિના ભિતરથી કોરી ખાય છે. ખાલીપાથી ભરી દે છે. જ્યારે એકાંતમાં મુનષ્ય ભિતર હૃદયથી નજીક હોવાથી અંદરથી નિજાનંદ ઉપજતા ભિતર ભર્યો ભર્યો હોવાનું અનુભવે છે. પેલી પંક્તિમાં પણ કહ્યું છે. ‘એકલા આવ્યા અને એકલા જવાના મનવા’ મનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. છતાં સંસારમાં રહો કે વનમાં જાવ જીવવું તો આ જગતમાં જ પડે છે. ત્યારે કોઇકે કહેલ આ શબ્દોમાં તથ્ય અનુભવાય છે. ‘ના કોઇ ગુરુ ના કોઇ ચેલા’ એકલેમેં મેલા, મેલેમેં અકેલે જેને આ સત્ય સમજાઈ જાય, ભિતરથી અકેલેમેં ભર્યો ભર્યો મેળો અનુભવાય અને ભીડભર્યા જગત વચ્ચે એકલા જ હોવાની અનુભૂતિ થવા માંડે અને ભિતર નિજાનંદ નિપજે. શકય છે કે આ સ્થિતિને જ મોક્ષ એટલે મુક્તિ કહેવાતી હશે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.