ક્રિપ્ટોકરન્સી એ આજકાલ નાણા બજારના જાણકારો અને રોકાણકારોમાં ખૂબ ચર્ચાતો શબ્દ છે, જ્યારે દુનિયાના ઘણા બધા લોકો આ ક્રિપ્ટોકરન્સી શું છે, તે જાણતા કે સમજતા જ નથી, પણ હવે આ ક્રિપ્ટોકરન્સીના સોદાઓ એટલી હદે વધી રહ્યા છે કે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ ક્રિપ્ટોકરન્સીને વિશ્વની સરકારો યોગ્ય રીતે નિયંત્રિત નહીં કરે તો આખા વિશ્વના નાણાકીય ક્ષેત્રને તે ક્યારેક હચમચાવી શકે છે, અને તેમની વાત ખોટી નથી.
ક્રિપ્ટોકરન્સીમાં જે રીતે નાણાકીય રોકાણ વધી રહ્યું છે અને આ ડિજિટલ ચલણ જે રીતે ચંચળ છે અને તેના ભાવમાં જે રીતે અત્યંત મોટી વધઘટ થયા કરે છે તે બાબત ખૂબ જોખમી છે. હાલમાં દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇન ઉપરાંત ઇથેરિયમના મૂલ્યમાં તાજેતરમાં ઘણા ઉછાળા આવ્યા છે જેના લીધે ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ કેપ એક મહિનામાં જ એક ટ્રીલીયન ડોલરથી ઉછળીને ત્રણ ટ્રીલીયન ડોલર પર પહોંચી ગઇ છે. એટલે કે એક જ મહિનાના ગાળામાં ક્રિપ્ટોકરન્સીના વૈશ્વિક માર્કેટ કેપમાં બે ટ્રિલિયન ડૉલરનો વધારો થયો છે.
દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનનો ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યો છે અને ૬૭૯૨૨ ડોલર પર પહોંચી ગયો છે. ઓકટોબરમાં શરૂ થયેલી તેજીની રેલી સતત ચાલી રહી છે અને નવી ઉંચાઇ હાંસલ કરી દીધી છે. જેના લીધે ક્રિપ્ટો કરન્સીના બજારનું માર્કેટ કેપ ત્રણ ટ્રીલીયન ડોલરને પાર કરી દીધું છે. બીજા ખૂબ જાણીતા ડિજિટલ ચલણ ઇથેરિયમનો ભાવ ૪૮૦૦ ડૉલર પર પહોંચ્યો છે. આ બંને ક્રિપ્ટોકરન્સીના ભાવોમાં મોટા ઉછાળાઓેએ ક્રિપ્ટોકરન્સીનું વૈશ્વિક બજાર મૂડીકરણ વધારવામાં મોટો ફાળો આપ્યો છે અને ક્રિપ્ટોકરન્સીના માર્કેટ કેપમાં એક જ મહિનામાં બે ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. એકાદ મહિના પહેલા ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ એક ટ્રિલિયન ડૉલર હતું તે આજે ત્રણ ટ્રિલિયન ડૉલર જેટલું થઇ ગયું છે.
દુનિયાના પહેલા અને બીજા ક્રમના સૌથી મોટા ક્રિપ્ટો ચલણ બિટકોઇન અને ઇથેરિયમમાં સોમવારે મોટો વધારો થયો હતો અને તેઓ નવી ઉંચાઇએ પહોંચ્યા છે. ત્રણ સપ્તાહ પહેલા બિટકોઇને ૬૭૦૦૦ ડૉલર કરતા થોડા જ નીચે રહીને નવી ઉંચી સપાટી બનાવી હતી, હવે સોમવારે તેણે અત્યાર સુધીની સૌથી ઉંચી એવી ૬૭૭૦૦ ડૉલરની નવી ઉંચી સપાટી બનાવી છે. આ ક્રિપ્ટોકરન્સી એ એક જાતનું ઇલેકટ્રોનિક ચલણ છે અને તેની કોઇ નોટ હોતી નથી, તેના સોદાઓ ક્રિપ્ટો એક્સચેન્જોમાં થતા રહે છે. બિટકોઇન, ઇથેરિયમ, સોલાના વગેરે નામના જુદા જુદા ડિજિટલ ચલણો અસ્તિત્વમાં આવ્યા છે, જેમાં બિટકોઇનના સોદાઓ સૌથી વધુ થાય છે અને તેના ભાવ પણ સૌથી ઉંચા છે, અને ક્યારેક તેના ભાવ ખૂબ ગગડી પણ જાય છે. સૌથી જોખમી બાબત એ છે કે દુનિયાભરમાં કોઇ પણ સત્તાવાર નિયંત્રણ વિના આ ડિજિટલ ચલણોના સોદાઓ ચાલ્યા કરે છે અને તેમાં ઘણા બધા નાણા ખેંચાઇ રહ્યા છે.
ઓકટોબરમાં બિટકોઇનના ભાવમાં જે મોટો ઉછાળો આવ્યો હતો તે અમેરિકાના રોકાણકારો માટ પ્રથમ બિટકોઇન સાથે સંકળાયેલું એકસચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ થયું તેના પછી આવ્યો હતો, જેના પછી હાલના ઉછાળા સાથે તેણે એક નવી જ સપાટી બનાવી છે. આ જ રીતે ઇથેરિયમના મૂલ્યમાં ૪ ટકાનો વધારો હાલમાં થયો છે અને તેણે પ્રથમ વખત ૪૮૦૦ ડૉલરની સપાટી વટાવી છે. ઓકટોબરની શરૂઆતથી ૯ નવેમ્બર સુધી ઇથેરિયમના મૂલ્યમાં પ૯ ટકાનો વધારો થયો છે, જ્યારે આ જ સમય દરમ્યાન બિટકોઇનના મૂલ્યમાં ૫૧ ટકાનો વધારો થયો છે. જો કે ક્રિપ્ટોકરન્સીના માર્કેટ કેપમાં મોટો વધારો થવા માટે આ બે જ ક્રિપ્ટોકરન્સીઓ જવાબદાર નથી, પણ બીજા કેટલાક ક્રિપ્ટો ચલણોના મૂલ્યોમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે અને તેમણે પણ ક્રિપ્ટોકરન્સીના કુલ માર્કેટ કેપમાં વધારો કરવામાં મોટો ફાળો આપ્યો છે.
આમાં ત્રીજા અને ચોથા ક્રમના સૌથી મોટા ડિજિટલ ચલણો બિનાન્સ કોઇન અને સોલાના એ પણ છેલ્લા સાત દિવસમાં પોતાના મૂલ્યમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. બધુ મળીને, તમામ સાત મોટા ક્રિટો ચલણોના મૂલ્યામાં છેલ્લા સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે. હાલ તો આ ક્રિપ્ટોકરન્સીઓનો ફુગ્ગો ખૂબ ફૂલ્યો છે પરંતુ કેટલાક નિષ્ણાતો વાજબી રીતે ભય વ્યક્ત કરે છે કે આ ફુગ્ગો ધીમેથી સંકોચાવાને બદલે અચાનક ફૂટી જાય તો આખા વિશ્વના નાણા બજારોને તેના આંચકા લાગી શકે છે. દુનિયાના દેશોની સરકારે આવી સ્થિતિ નિવારવા માટે સક્રિય થવું જ જોઇએ.