Charchapatra

સફળતાની ફોર્મ્યુલા

આજે એક બિઝનેસમેનને બિઝનેસમેન ઓફ ધ યર નો અવોર્ડ મળ્યો.તેમનો આ પાંચમો બિઝનેસ હતો અને ઉંમર હતી ૫૫ વર્ષ.એક પત્રકારે સફળતાની વધામણી આપ્યા બાદ થોડો કડવો સવાલ પૂછ્યો, ‘સર , ૬૦ વર્ષે લોકો રીટાયર થાય અને તમને છેક જીવનના ૫૫ વર્ષે સફળતા મળી.શું આટલી મોડી સફળતા મળવા માટે જવાબદાર ખરાબ નસીબ કે પછી થોડો આવડતનો અભાવ, તમે સાચું કારણ જણાવશો?’

બધાને થયું આવો વિચિત્ર સવાલ પૂછનાર પર ચોક્કસ એવોર્ડ વિજેતા બિઝનેસમેન ગુસ્સે થઇ જશે અને અપમાન કરશે, પણ થયું કૈંક જુદું …બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘બહુ સરસ સવાલ પૂછ્યો તમે. જુઓ, હું તમને સાચી વાત કહું, ભણતાં ભણતાં મેં ૫૦૦ રૂપિયાની નોકરીથી શરૂઆત કરી. ભણી લીધા બાદ કોલેજ છોડ્યા પછી સારી નોકરી મેળવવાની ઘણી આશા હતી અને ડીગ્રી પણ હતી પણ કોઈ સારી નોકરી મળી નહિ.તેને તમે ખરાબ નસીબ કહી શકો.નોકરી જે મળી તે કરી અને સાથે સાથે બિઝનેસ કરવાનાં સપનાં જોતો રહ્યો.થોડા પીસ ભેગા કરી અને થોડા ઉધાર લઇ એક ધંધો શરૂ કર્યો.

ધીમે ધીમે આગળ વધ્યો પણ તેમાં નુકસાન થયું.ફરી બીજો બિઝનેસ આઈડિયા વિચાર્યો અને મહેનત શરૂ કરી.લાગ્યું કે સફળતા મળી જ જશે, પણ કોઈક કારણસર ઇન્વેસ્ટમેન્ટ જ ન મળ્યું અને સમય નીકળી ગયો.ફરી નોકરીએ લાગી ગયો અને સાથે સાથે મોડી રાત સુધી નવા બિઝનેસ માટે મહેનત કરતો.વળી હિંમત કરી મિત્ર સાથે ત્રીજો સાઈડ બિઝનેસ શરૂ કર્યો.નાનો બિઝનેસ ધીમેધીમે સારો ચાલવા લાગ્યો.નોકરી છોડવાનો વિચાર જ કરતો હતો ત્યાં મારા મિત્રે મારી સાથે ચીટીંગ કરી બધો બિઝનેસ પચાવી પાડ્યો.હવે આગળ શું કરવું તે નક્કી કરી શકતો ન હતો.

જીવનનિર્વાહ માટે નોકરી તો ચાલુ જ રાખવી પડે તેમ હતી.થોડા વખત પછી ચોથો બિઝનેસ એકલા હાથે કર્યો અને આજે મારી પત્ની તે સંભાળે છે અને પછી મેં મારા ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવું શરૂ કર્યું અને મારા પાંચમા બિઝનેસને શરૂઆતમાં જ જોરદાર સફળતા મળી ગઈ અને મને આ એવોર્ડ….તમે પૂછી ન હતી છતાં મેં મારી કહાની ટૂંકમાં જણાવી.હવે તમારા સવાલનો જવાબ સાંભળો. જીવનમાં મળતી સફળતાનો આધાર નસીબ કે આવડત પર બહુ હોતો નથી. પ્રમાણમાં સમજવું તો ૧% નસીબ અને ૨% આવડત કે ડીગ્રી છે, બાકીના ૯૭ % તો તમે પ્રયત્નો છોડતા નથી.કયારેય હતાશ થઈ બેસી જતાં નથી તેની ઉપર છે. ‘નેવર ગીવ અપ’એટીટ્યુડ…સતત મહેનત …ચોક્કસ સફળતા અપાવે જ છે. તે મોડી મળે કે વહેલી, તેનો કોઈ ફરક પડતો નથી, કારણ સફળતા એ સફળતા છે.’બિઝનેસમેને બહુ સુંદર સફળતાની ફોર્મ્યુલા સમજાવી દીધી.        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top