Comments

વિદ્યાર્થી આંદોલન મમતા સરકારને ભીંસમાં લે છે

પશ્ચિમ બંગાળમાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિ બંને બગડ્યા છે. આર.જી.કર હોસ્પિટલમાં તાલીમી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો બનાવ એ હવે માત્ર બંગાળની ઘટના રહી નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ પણ આ મુદે ટીપ્પણી કરી છે અને આકરી ટીપ્પણી કરી છે. ભાજપનાં વિરોધનાં કારણે આ આખી ઘટના રાજકીય તો બની જ ગઈ છે. પણ મમતા બેનર્જીનો મિજાજ હજુ નરમ પડ્યો નથી. અને એમ કહે છે કે, બંગાળમાં કંઈક થશે તો દિલ્હી સુધી એની આગ પહોચશે. પણ મમતાએ એ સમજવું રહ્યું કે, ડોક્ટરની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનની આગ એમની ખુરશી નીચે પહોચી ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને તૃણમુલ કોંગ્રેસે હંફાવી દીધો એ સાચું પણ એ કારણે બેફામ શાસન કરવાનો પરવાનો મળતો નથી. અગાઉ પણ એવી ઘટના બની છે જેમાં હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી મમતાને ઠપકો મળ્યો છે. માત્ર રાજ્યપાલના વલણની આ વાત રહી નથી. છેલ્લે સંદેશખાલી પ્રકરણ પણ મમતાના વિરુદ્ધમાં ગયું હતું અને પછી શું થયું એ બધા જાણે છે.

બીજું કે, તમારા સામે કોઈ વિરોધ કરે તો એનું દમન એ સાચો રસ્તો નથી. અલબત ભાજપ સરકારે પણ એવું કેટલીક બાબતોમાં કર્યું છે. ગુજરાતમાં પણ એવી ઘટના બની છે. પણ વિદ્યાર્થી આંદોલન થાય અને યુવાઓમાં આક્રોશ જાગે એનાથી મમતાએ ચેતવાની જરૂર છે. ગુજરાતમાં મોરબીની એલ.ડી કોલેજમાં ફી વધારાના મુદ્દે આંદોલન થયું અને એ અનામત આંદોલનમાં ફેરવાયું હતું અને ચીમન પટેલની સરકાર ગઈ હતી. બંગાળમાં પણ વિદ્યાર્થી આંદોલન થયું છે અને એ સંપૂર્ણ પણે રાજકીય જ હોય એવું જરૂરી નથી. બંગાળમાં નબન્ના આંદોલન થયું છે અને એના પર દમન કરવાથી વિદ્યાર્થીઓનો રોષ વધી શકે છે. મમતાના રાજીનામાંની માગણી ભાજપ જ નહિ પણ વિદ્યાર્થીઓ દ્વારા પણ થઈ છે.

અલબત મમતાએ આ રોષ ખાળવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની વિદ્યાર્થી પાંખની વર્ષગાંઠને ડોક્ટરની હત્યા મુદે સમર્પિત કરી છે. અને સોરી પણ કહ્યું છે. પણ અત્યારે જે રોષ છે એ એમ શમવાનો નથી. ભલે ત્યારે કોઈ ચૂંટણી આવવાની નથી. પણ આવો લોક રોષ લાંબા સમયે મમતાને રાજકીય રીતે નુકસાન કરી શકે છે. આર જી કર હોસ્પિટલની ઘટના બાદ પોલીસે જે વિલંબ કર્યો એનો બચાવ કરી ના શકાય. હવે મમતાએ બળાત્કાર વિરુદ્ધ વધુ કડક કાયદાની તરફેણ કરી છે. રાહુલ ગાંધીએ પણ આ બનાવની ટીકા કરી છે અને એ મમતાને ગમ્યું નથી. હા, દેશના બીજા રાજ્યોમાં પણ બલાત્કારનાં ઘટનાઓ બનતી રહે છે પણ એ કારણે બંગાળની ઘટના મુદે કુણું વલણ ચલાવી ના લેવાય. દરેક રાજ્યની આ જવાબદારી છે અને એમાં નિષ્ફળ જાય એ સામે વિરોધ થવો જ જોઈએ.

ગુજરાતમાં વરસાદ અને રસ્તાઓ બેહાલ
ગુજરાતમાં ચિકાર વરસાદ થયો. ત્રણ સીસ્ટમ ભેગી થઇ અને એ કારણે વધુ પડતો વરસાળ થયો અને સરકારની પોલ ખુલ્લી થઇ છે. જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે એ નજરઅંદાજ કરી શકાય એમ નથી. રાજકોટના એરપોર્ટ નજીક રસ્તો ઉપસી ગયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે તો જે રીતે પોપડા ઉખડી ગયા છે એ દર્શાવે છે કે, રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. અને આવું આખા રાજ્યમાં બધે બન્યું છે. રસ્તા તૂટી જાય, પુલ ભાંગી પડે અને મેટ્રોનું કામ ચાલતું હોય ત્યાં બીમ તૂટી જાય … આ ઘટનાઓ ગંભીર છે. અને વરસાદ તો અગાઉ પણ ગુજરાતમાં પડતો રહ્યો છે પણ આ વેળા રસ્તાઓને જે નુકસાન થયું છે એ વધુ પડતું છે. લોકો આ બધું જુએ છે. અરે, અમદાવાદ – મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં પણ ગાબડા પડ્યા છે. એનો બચાવ કેમ થાય?

માત્ર રસ્તા બનાવનારી કંપની કે કોન્ટ્રેકટર સામે તો પગલા લેવાય એ પુરતું નથી પણ આ માટે જવાબદાર ખાતા એ એના અધિકારી સામે પણ પગલા લેવાવા જોઈએ, કેટલીક ઘટનામાં દાખલા બેસવા જોઈએ. પણ કમનસીબી છે કે, રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનામાં પણ કેટલાક અધિકારીઓને દંડવા સિવાય કઈ થયું નથી . પડદા સતાધીશો જવાબદાર હોય જ છે એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ.

કેજરીવાલ પણ હવે છૂટશે?
દિલ્હીનાં શરાબ ગોટાળામાં પકડાયેલા નેતાઓ એક પછી એક છુટ્ટા જાય છે. સંજયસિંહ જામીન પર છે. મનીષ સિસોદિયા પણ બહાર આવી ગયા છે અને હવે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી કે.ચન્દ્રશેખર રાવની પુત્રી કે. કવિતા પણ જામીન પર છૂટી છે. એટલે એમ મનાવાના કારણ છે કે, અરવિંદ કેજરીવાલ પણ જલદીથી જેલ બહાર આવશે. આ કેસમાં ખાસ કરીને ઇડીની કાર્યવાહી સામે કોર્ટે જે સવાલો ઉઠાવ્યા છે એ દર્શાવે છે કે, એજન્સીઓ સ્વતંત્ર પણે કામ કરતી નથી , એમના પર રાજકીય દબાણ છે. કોઈને કોઈ રીતે એ વિપક્ષના નેતાને જેલમાં રાખવા માંગે છે.

હેમંત સોરેનનાં કિસ્સામાં પણ શું થયું? જામીન નહિ જેલ અપવાદ છે. આવી ટીપ્પણી થાય એ ઇડી અને અન્ય એજન્સીઓ માટે બોધપાઠ બનવો જોઈએ. પીએમએલએ કેસમાં પણ જમીન મળી શકે એ કોર્ટનું વલણ દર્શાવે છે કે, હવે એ કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ થઇ નહિ શકે. કેજરીવાલને હવે વધુ જેલમાં રાખી શકાય એમ લાગતું નથી. એ જરૂર જલ્દીથી બહાર આવશે અને આ મુદાઓ ભાજપને ભારે પડી શકે છે. ઝારખંડમાં આ વર્ષે જ ચૂંટણી થવાની છે અને દિલ્હીમાં આવતા વર્ષે. બંને જગ્યાએ આ મુદાઓ બની શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top