તાકાત શબ્દનો અર્થ શારીરિક બળ અને માનસિક બળ બંને માટે ઉપયોગ કરી શકાય. કહ્યું છે કે બળ અને કળ બંને વિકટ પરિસ્થિતિ માટે ઉપયોગ કરવાં જરૂરી હોય છે. ઘણી વાર જયાં બળ કામ ન લાગે ત્યાં કળ કામ લાગે છે. ઘણી વાર સ્થૂળ તાકાત કરતાં સૂક્ષ્મ તાકાતનું જોર વધુ ચાલે છે. કહ્યું છે કે બોલવા કરતાં મૌનમાં તાકાત વધુ હોય છે. પાંડવો જુગાર રમતા હતા ત્યારે કૌરવો સાથેના દાવમાં પાંડવોએ દ્રૌપદીને મૂકી અને દ્રૌપદીને પણ હારી ગયા. કૌરવોની વેરવૃત્તિ ઉગ્ર હતી. એ નીતિમત્તા ભૂલ્યા અને દ્રૌપદીનાં વસ્ત્રોનું હરણ કરાયું.
એ વખતે ભીમ અકળાઈ ગયો અને પોતાના હાથ મસળવા લાગ્યો હતો, દાંત કચકચાવતો હતો. તેની આંખો લાલઘૂમ થઇ ગઇ હતી પણ તે લાચાર હતો. બીજી તરફ યુધિષ્ઠિરની આંખો શરમથી ઝૂકી ગઇ હતી એટલે ભીમ પણ કંઇ કરી શકતો નહોતો. ભીમની આ અકળામણ જોઇને દુર્યોધને કર્ણને કહ્યું; ‘જો ભાઇ, આ ભીમ કંઇ કરે નહીં. એ ખૂબ રોષે ભરાયો છે, એનાથી ચેતજો.’ કર્ણે કહ્યું; ‘દુર્યોધન! મને ભીમની ચિંતા ઝાઝી નથી પણ એથી વધુ ચિંતા અર્જુનની છે, એ દૂર બેઠો છે, શાંત બેઠો છે પણ એ સતત આપણી તરફ જોયા કરે છે, નકકી કોઇ નવો પેંતરો એ રચતો હશે.’ ભીમના ધમપછાડા કરતાં અર્જુનની ચૂપકીદીમાં કૌરવોને કોઇ ભારેલા અગ્નિનું દર્શન થયું. સ્થૂળ બાહુબળની તાકાત કરતાં સૂક્ષ્મ દેખાતી નાની અમથી ચિનગારીમાં ભારે ભડકાનું દર્શન કૌરવોને થયું.
કર્ણે કહ્યું; ‘આ અર્જુનથી વધુ સાવધ રહેવા જેવું છે.’’ અને કર્ણની વાત સાચી ઠરી. મહાભારતના ભીષણ યુદ્ધમાં અર્જુન જ સૌને ભારે પડી ગયો. એની પાસે વ્યૂહરચના અને બળ બંને હતાં, સાથે કૃષ્ણ જેવા મિત્ર સારથિ હતા. પછી પૂછવું શું બાકી? પાંડવોની જીત અને કૌરવોનો નાશ એ ધર્મ-અધર્મના યુદ્ધમાં સ્થૂળ કે જથ્થાબંધ બળ સામે થોડા કે સૂક્ષ્મ બળનો વિજય હતો. સ્થૂળ કરતાં સૂક્ષ્મની તાકાત વધુ હોય છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ રાખમાં ઢંકાયેલો અંગારો હોય છે એટલે માણસનું દુર્બળ શરીર જોઇ કે પહેલવાન જેવો વાન જોઇ તાકાતનો અંદાજ ન કરવો. કયારેક ભીમ કરતાં અર્જુન શ્રેષ્ઠ સાબિત થાય છે. બળ કરતાં બુદ્ધિની તાકાત વધુ હોય છે.