ચોમાસું બેસી ગયું હતું. વાવણીની મોસમ હતી. ખેડાયેલા ખેતરમાં પાણી પડ્યું પછી ખેડૂતોએ વાવણી શરૂ કરી. એક ખેતરમાં ખેડૂત વાવણી કરી રહ્યો હતો. ખેડાયેલા ખેતરમાં વાવણી માટે ખોદેલા ખાડામાં ખેડૂત બીજ વાવી રહ્યો હતો. બે બીજ બરાબર ખાડાની કિનારી પાસે પડ્યાં. એક બીજ બોલ્યું, ‘હાશ, બચી ગયા, ખાડામાં પડ્યા હોત તો જમીનમાં ઊંડે ઊંડે કેટલાય દિવસો સુધી અંધકાર અને ગરમીમાં દબાઈ રહેવું પડ્યું હોત.
સારું થયું, ખાડામાં ન પડ્યા. હું તો અહીં શાંતિથી રહીશ.’ બીજું બીજ બોલ્યું, “કેવી વાત કરે છે? શું તારે બીજમાંથી છોડ નથી થવું? શું જીવનમાં બદલાવ નથી લાવવો? મારે તો બદલાવ જોઈએ છે. એક બીજમાંથી હું અનેક બીજ આપતો છોડ થવા માંગું છું અને એટલે હું જાણું છું મારે ઊગવું હશે તો હું મારે ધરતીની અંદર ઊંડે જવું પડશે ,ગરમી અને અંધકારમાં રહેવું પડશે, પદ તૂટવાની યાતના સહન કરવી પડશે અને એક દિવસ મારી કૂંપળ જમીન ફાડીને બહાર આવશે અને છોડમાં પરિવર્તન પામશે. હું તો નીચે ખાડામાં જાઉં છું. તું પણ ચાલ મારી સાથે. એમાં જ આપનો ઉધ્ધાર છે.’
આટલું કહીને બીજું બીજ જાતે સરકીને ખાડામાં ઊંડે પડી ગયું. એ બીજ જમીનમાં ઊંડે ગયું અને ધીરજથી વિકસતું ગયું. પહેલા બીજે વિચાર્યું, “મને ડર લાગે છે. જમીનમાં જઈશ તો કેદ થઈ જઈશ. હું તો અહીં ચુપૈને રહીશ અને આમ જ જીવન યથાવત્ રહીને વિતાવીશ. મારે કોઈ યાતનાઓ વેઠીને છોડ નથી બનવું.છોડ બન્યા બાદ પણ યાતનાઓ કયાં ઓછી થવાની છે.’ કેટલાક દિવસો બાદ એક પંખીએ પેલું ન વિકસેલું બીજ જોયું અને તેને ખાઈ લીધું અને જમીનમાં ઊંડે ગયેલા બીજમાંથી ફૂટેલી કૂંપળ જમીન ફાડીને બહાર આવી અને વિકસવા લાગી. બે બીજની નાની વાર્તા સમજાવે છે કે જ્યાં વિકાસ છે ત્યાં જોખમ છે, પીડા છે, યાતના છે, ત્યાગ છે, મહેનત છે.
જે આ બધું વેઠે છે તેનો જ બીજમાંથી છોડમાં વિકાસ થાય છે અને જે આ કોઈ યાતના માટે તૈયાર નથી અને એમ જ નિષ્ક્રિય બેસી રહે છે તેનો કોઈ વિકાસ થતો નથી અને જલ્દી નાશ થઈ જાય છે. જીવનમાં પણ ડગલે ને પગલે મુશ્કેલીઓ અને પડકારો છે. અનેક તકલીફો છે. આ બધી યાતનાઓ વેઠી જે આગળ વધે છે તેનો જ ધીમે ધીમે વિકાસ થાય છે. જીવનમાં આગળ વધવા માટે હિંમત અને ધીરજ જરૂરી છે.જે જીવનની મુશ્કેલીઓથી ડરીને બેસી જાય છે તેનો કોઈ વિકાસ શક્ય નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.