એક જંગલમાં એક ઘટાદાર વૃક્ષ હતું. આ વૃક્ષ ઈચ્છાપૂર્તિ વૃક્ષ હતું. તેની નીચે આવીને જે કોઈ જે પણ ઈચ્છા કરતું તે ઈચ્છા તત્ક્ષણ પૂરી થઇ જતી. આ વાત બહુ લોકોને ખબર ન હતી અને આજુબાજુ બહુ ઘનઘોર જંગલ હોવાથી ત્યાં બહુ લોકો આવતાં નહિ. એક દિવસ એક વટેમાર્ગુ ઈચ્છાપૂર્તિ વૃક્ષ પાસેથી પસાર થયો. ઘણું લાંબું ચાલીને તે થાકી ગયો હતો એટલે આ વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. થાકને કારણે ક્યારે આંખ મળી ગઈ તેની તેને ખબર જ ન પડી. થોડા કલાકો પછી ઊઠ્યો ત્યારે તેને બહુ ભૂખ લાગી હતી. તેને વિચાર્યું, ‘કાશ, કંઈક ખાવા મળી જાય.’ આમ વિચારતા જ ઘડીક વારમાં પકવાનો ભરેલી થાળી તેની સમક્ષ આવી ગઈ અને તે પકવાન ખાઈને તેની ભૂખ શાંત થઇ ગઈ.
ભૂખ શાંત થતાં તેને વિચાર આવ્યો, આટલા સરસ ભોજન સાથે કંઈક સરસ ઠંડું પીવા મળી જાય તો મજા આવી જાય. બસ આટલું વિચારતા જ ઠંડા શરબતના ગ્લાસ તેની સામે આવી ગયા. તેને શરબત તો પી લીધું અને આરામથી બેસી ગયો. થોડીવાર રહીને તેને વિચાર આવ્યો કે આ શું છે? આમ હવામાંથી અચાનક ભોજન અને શરબત હાજર થઈ જાય એવું તો કયાંય જોયું કે સાંભળ્યું નથી…શું આ સપનું છે …શું કોઈ ભૂત પ્રેત છે, જે આ ઝાડ પર રહેતું હોય અને જે પહેલા શિકારને ખવડાવે, પીવડાવે અને પછી મારી નાખે…બસ, તેણે આવું વિચાર્યું અને ભૂત આવ્યું અને તેને ખાઈ ગયું.
આ એક મનોરંજન માટે કહેવામાં આવતી વાર્તા નથી. આ વાર્તામાં બ્રહ્માંડનું એક સત્ય છુપાયેલું છે. આ સમગ્ર બ્રહ્માંડ ઈચ્છાપૂર્તિ વૃક્ષ છે અને આપણે બધા તેની નીચે બેસતા વટેમાર્ગુઓ.જે વિચાર કરીશું તે મળશે. જે બોલીશું, જેવું બોલીશું તે થશે. આ બ્રહ્માંડ આપણા શબ્દો અને મનના વિચારો સાંભળીને તે પ્રમાણે જ આપણને આપે છે. હંમેશા મનના વિચારો અને બોલાયેલા શબ્દો વિષે જાગૃત રહેવું અને હંમેશા સકારાત્મક વિચારવું અને સકારાત્મક જ બોલવું ખૂબ જ જરૂરી છે.મન અશાંત હોય, ડરેલું હોય કે મગજ ગુસ્સામાં હોય ત્યારે મૌન રહેવું સૌથી સારો માર્ગ છે. આ વાર્તા આપણને સમજાવે છે કે હંમેશા વાણી, વર્તન અને વિચારો પર કાબૂ રાખો, સજાગ રહો અને સકારાત્મક જ વિચારો.