ત્રણ કુમારોના જન્મ પછી સમગ્ર રાજયની સમૃધ્ધિ અનેકગણી વધવા પામી. ફળફળાદિનું ઉત્પન્ન વધ્યું, નિયમિત રીતે વરસાદ પડતો હતો. નગરમાં ઉદ્યોગપતિ, શિલ્પીઓ ઉભરાવા લાગ્યા. અતિશયોકિત કરીને વિશેષમાં એમ પણ કહેવાયું કે રાજયમાં કોઇ ચોર ડાકુ ન હતા. કોઇ અધર્મી ન હતા. પ્રજા પણ ધનશીલ હતી, ધર્મશીલ હતી – નિયમિત રીતે યજ્ઞ કરતી હતી. પ્રજા એટલી બધી સમૃધ્ધ હતી કે નગર સ્વર્ગની અમરાવતી જેવું લાગતું હતું. અહીં કોઇ વ્યકિત દૃષણ ન હતી અને કોઇ સ્ત્રી વિધવા થતી ન હતી. ભિષ્મને કારણે રાજયમાં ધર્મચક્ર પ્રવર્તતું હતું. બીજાં રાજયો કરતાં તેની સમૃદ્ધિ અનેક ગણી હતી. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને ભિષ્મે પુત્રોની જેમ ઉછેર્યા. વેદવેદાંગ, શસ્ત્રવિદ્યા, ધર્મવિદ્યામાં નિપુણ થયા. પાંડુ કુશળ બાણાવળી થયા અને ધૃતરાષ્ટ્ર બાહુબલિ થયા. વિદુર જેવા ધર્મજ્ઞ ત્રણે લોકમાં કોઇ ન હતું. કાશીરાજની પુત્રીઓ, કુરુમંગલ રાજય, ભિષ્મ અને હસ્તિનાપુરની તોલે કશું આવી ન શકે.
યુવાન થયેલા પુત્રોને માટે ભિષ્મે પુત્રવધુઓ પસંદ કરી. તેમના કાને વાત આવી હતી કે સુબલપુત્રી ગાંધારીએ મહાદેવની પૂજા કરીને સો પુત્રોનું વરદાન મેળવ્યું હતું પણ ધૃતરાષ્ટ્ર અંધ હતા એટલે ગાંધારીના પિતા વિચારમાં પડયા. ગાંધારીના કાને પણ આ વાત આવી. ગાંધારીએ પણ આંખો કપડાં વડે ઢાંકી દીધી. શકુનિ બહેનને કૌરવ રાજય સુધી લઇ આવ્યો. ગાંધારી નિષ્ઠાવાન પતિવ્રતા બની. યદુકુળમાં શૂરનામના રાજા હતા, તેમને પૃથા નામની કન્યા હતી. રૂપે ગુણે કોઇ તેની સ્પર્ધા કરી ન શકે. આ પૃથાએ એક વેળા જિતેન્દ્રિય અને ક્રોધી બ્રાહ્મણની સેવા કરી હતી, તે હતા દુર્વાસા. તેમણે કુન્તીને મંત્ર આપીને કહ્યું – આ મંત્ર વડે જે જે દેવતાને તું બોલાવીશ તે આવીને તને પુત્રવતી કરશે. પૃથાને નવાઇ લાગી. અને મંત્રની પરીક્ષા કરવા તેણે આદિત્ય એટલે કે સૂર્યદેવને બોલાવ્યા. સૂર્યદેવની કૃપાથી કુન્તાએ કુમારી હતી ત્યારે જ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. કવચકુંડળ જન્મથી જ ધરાવતો એ પુત્ર કર્ણ નામે વિખ્યાત થયો. સૂર્યએ પૃથાને ફરી કુમારી બનાવી દીધી.
આપણે આ વાંચીએ ત્યારે આશ્ચર્ય થાય. શારીરિક દૃષ્ટિએ આવું અશકય, પણ આ તો સૂર્ય ભગવાન – એ ઇચ્છે તે કરી શકે. પણ કુન્તાને ચિંતા હતી બાંધવોની. એટલે તેણે પુત્રને પાણીમાં વહેવડાવી દીધો. અહીં પણ પ્રશ્ન થાય. કુન્તાની સગર્ભાવસ્થા કોઇએ જોઇ જ નહીં હોય? નદીમાં વહેવડાવેલા એ પુત્રને સૂતપુત્ર વસુષેણ પોતાની પત્ની રાધાની સંમતિથી ઘેર લઇ ગયા અને એ પુત્ર કૌન્તેય નહીં પણ રાધેયના નામે જાણીતો થયો. નાનપણથી તે સૂર્યની ઉપાસના કરતો હતો.
તે સમયે કર્ણ પાસે ઇન્દ્રે બ્રાહ્મણવેશે આવીને કવચકુંડળ માગ્યા. કર્ણ દુ:ખી તો થયો પણ તેણે કવચકુંડળ આપી દીધાં. અને તેના બદલામાં ઇન્દ્રે તેને એક શકિત આપી, જેના પર તે ઉપયોગ કરે તે કદી બચી નહીં શકે. કુન્તીભોજ પુત્રી કુન્તાએ સ્વયંવરમાં પાંડુની પસંદગી કરી. ઉપરાંત ભીષ્મે મદ્રરાજપુત્રી માદ્રીને તેના પિતાને અઢળક સંપત્તિ આપીને ખરીદી. આનો અર્થ એ થયો કે કન્યાવિક્રયની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવી છે. પાંડુ મહાબળવાન તો હતા એટલે પૃથ્વી પર દિગ્વિજય કરવા નીકળ્યા. બધા રાજાઓએ પાંડુની આણ સ્વીકારી.
ઉપરાંત તે રાજાઓએ અઢળક ભેટસોગાદ આપ્યાં. એ બધી સામગ્રી પાડુંએ ભિષ્મ, સત્યવતી અને અમ્બાલિકાને આપી દીધી. ભિષ્મે યજ્ઞયાત્રાદિ કર્યા અને પાંડુ,કુન્તા અને માદ્રીને લઇને વનમાં ગયા. ભિષ્મે વિદુરનું પણ લગ્ન કરાવી આપ્યુ. ગાંધારીએ સો પુત્રને જન્મ આપ્યો અને ધૃતરાષ્ટ્રને કોઇ વેશ્યા સાથે સંબંધ હતો એટલે તેને પણ પુત્ર જન્મ્યો. ગાંધારીએ વ્યાસ ઋષિને પ્રસન્ન કરીને સો પુત્રોનું વરદાન તો મેળવ્યું, તે સગર્ભા પણ થઇ. પરંતુ લાંબી પ્રતીક્ષા પછી પણ પુત્ર ન જન્મ્યા એટલે ધૃતરાષ્ટ્રને કહ્યા વિના તેણે ગર્ભપાત કર્યો.
આમ તો કુન્તીએ પુત્રને જન્મ આપ્યો તે સમાચાર સાંભળીને દુ:ખી તો થઇ જ ગઇ હતી. વ્યાસ મુનિ આ જાણીને તરત તેની પાસે આવ્યા. તેમણે ગાંધારીને ઘીથી ભરેલા સો ઘડા મંગાવ્યા. પેલા ગર્ભને સ્નાન કરાવ્યું એટલે તેના સો ટુકડા થઇ ગયા. દરેક ટુકડો પેલા ઘડામાં મૂકીને વ્યાસે કહ્યું, ‘હવે બે વરસે આ ઘડાને ખોલજે.’ એમ કહીને તેઓ તો જતા રહ્યા. એ રીતે દૂર્યોધનનો જન્મ થયો, પણ યુધિષ્ઠિરનો જન્મ પહેલાં થયો હતો. ત્યારે દુર્યોધનને કારણે ઘણા અપશુકનો થયા. ભીષ્મે એ પુત્રનો ત્યાગ કરવા કહ્યું અને ત્યાં ભિષ્મે આજ સુધી પ્રચલિત રહેલી પંકિતઓ કહી- ‘કુલની રક્ષા માટે એકનો ત્યાગ કરો, ગામના હિત માટે કુલનો ત્યાગ કરો, દેશના હિત માટે ગ્રામ ત્યજી દો અને આત્માના હિત માટે પૃથ્વીનો ત્યાગ કરો. બધાએ આ વાતની પુષ્ટિ કરી, પણ ધૃતરાષ્ટ્ર પુત્ર સ્નેહથી આ કરી ન શકયા. આમ સો પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો. પુત્ર પાછળથી યુયુત્સુ નામે જાણીતો થયો અને પુત્રી દુ:શલા નામે વિખ્યાત થઇ. હવે શ્રોતાઓને પાંડવોના જન્મની કથા વિગતે સાંભળવાનું મન થયું એટલે વૈશંવાયને એ કથા કહેવા માંડી.