Columns

બાંગ્લાદેશી સાંસદની કોલકાતામાં હત્યા કરવા પાછળની ભેદભરમવાળી કથા

માણસનું મોત ક્યાં લખાયું હોય છે, તેની કદી આપણને ખબર પડતી નથી. તાજેતરમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે બે સપ્તાહ પહેલાં ગુમ થયેલા બાંગ્લા દેશના સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં યોજનાબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. અનાવરુલ અઝીમને હની ટ્રેપમાં ફસાવીને કોલકાતા બોલાવવામાં આવ્યા હતા અને તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. ઢાકા પોલીસે દાવો કર્યો છે કે બિઝનેસ પાર્ટનરે જ એમની  હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બાંગ્લા દેશ પોલીસે કહ્યું છે કે સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાનું પ્લાનિંગ બે-ત્રણ મહિના પહેલાં કરવામાં આવ્યું હતું. ઢાકાના ગુલશન અને વસુંધરા વિસ્તારમાં સ્થિત બે ઘરોમાં અનેક બેઠકો દરમિયાન આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં CIDએ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. કોલકાતા પોલીસે તપાસના સંદર્ભમાં બે કાર પણ જપ્ત કરી છે.

બાંગ્લા દેશના સાંસદ અનાવરુલ અઝીમની હત્યા કેસમાં ધરપકડ કરાયેલ જેહાદ હવાલાદાર દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની સિલસિલાબંધ માહિતી મળી ગઈ છે. બંગાળ પોલીસને ખબર પડી છે કે અઝીમનાં કપડાં અને મોબાઈલ સિવાય તેના શરીર પરથી ચામડી કાઢીને તેના શરીરના ભાગો ક્યાં ફેંકવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળની સીઆઈડી ટીમ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા જેહાદને કોલકાતાની બાજુમાં આવેલા ન્યુ ટાઉન વિસ્તારના ફ્લેટમાં લઈ ગઈ હતી, જ્યાં અઝીમ રહેતા હતા. જેહાદે તે ફ્લેટમાં પોલીસ અધિકારીઓને આપેલી ઘટનાની વિગતો પરથી જાણવા મળ્યું કે સાંસદ અઝીમ ૧૩ મેના રોજ બપોરે લગભગ ૩ વાગ્યે ફૈઝલ અને અમાનુલ્લાહ બે આરોપીઓ સાથે ફ્લેટ પર પહોંચ્યા હતા. તે સમયે ત્રીજો આરોપી સેલેસ્ટી રહેમાન તે ડુપ્લેક્સ ફ્લેટના ઉપરના માળે હાજર હતો. તે સિવાય જેહાદ અને સિયામ પણ નીચે ફ્લેટમાં હતા.

ગુપ્તચર વિભાગે જેહાદની ધરપકડ કરી છે, પરંતુ સિયામ હજુ પણ ગુમ છે. તપાસકર્તાઓનું કહેવું છે કે તે કદાચ નેપાળ ભાગી ગયો હશે. જેહાદના નિવેદન મુજબ તે જેવો ફ્લેટમાં પ્રવેશ્યો કે તેણે સાંસદને તેના નાક પર ક્લોરોફોર્મમાં પલાળેલું કપડું મૂકીને બેભાન કરી નાખ્યા. આ પછી તે ફ્લેટના રસોડા પાસે અઝીમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જેહાદે સાંસદના શરીર પરથી ચામડી કાઢી નાખી અને હાડકાં અને માંસને અલગ કરી દીધા. તેનું માથું પણ શરીરથી અલગ કરી દેવામાં આવ્યું. જેહાદે સાંસદના શરીરના ટુકડા કરી નાખ્યા અને ખોપરી તોડી નાખી. તેણે જણાવ્યું કે તેણે આ કામ માટે ખુકરી જેવા ધારદાર હથિયારનો ઉપયોગ કર્યો હતો. 

જેહાદે કહ્યું કે સાંસદ અઝીમના મૃતદેહના ટુકડા કર્યા પછી તે તેને નાના પેકેટમાં પેક કરીને ભાંગરના કૃષ્ણમતી બ્રિજ તરફ લઈ ગયો હતો અને લાશને ત્યાં ફેંકી દેવામાં આવી હતી. જેહાદે કૃષ્ણમતી બ્રિજ તરફ જતાં ગાબતલા બજાર નામની જગ્યાએ અઝીમનાં કપડાં અને મોબાઈલ ફેંકી દીધાં હતાં. જેહાદે ઢાકા પોલીસના ગુપ્તચર વિભાગના વડાને જણાવ્યું હતું કે તે કૃષ્ણમતી પુલ પાસે વાંસના ઝાડ પાસે નીચે આવ્યો હતો અને શરીરનાં અંગો અને હત્યામાં વપરાયેલા હથિયારને નહેરના પાણીમાં ફેંકી દીધાં હતાં. એક તરફ જેહાદ સાંસદના શરીરના ટુકડા અને મોબાઈલ ફોન લઈને ભાંગર માટે રવાના થઈ ગયો હતો તો બીજી તરફ ફૈઝલ સાંસદના માથાના ટુકડા લઈને ઉત્તર ચોવીસ પરગણાં જવા રવાના થઈ ગયો હતો. માથાના ટુકડા ત્યાં ફેંકવામાં આવ્યા હતા. એટલે કે શરીરનાં અંગો ત્રણ જગ્યાએ અલગ અલગ ફેંકવામાં આવ્યાં હતાં અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના એડિશનલ પોલીસ કમિશનર મોહમ્મદ હારુન ઉર રશીદે તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી.

રાશિદે જણાવ્યું કે અખ્તરુઝમાન ઉર્ફે શાહીન નામનો વ્યક્તિ આ હત્યાનો માસ્ટરમાઇન્ડ છે. શાહીન સાંસદ અઝીમનો બાળપણનો મિત્ર છે. હત્યા પાછળનો હેતુ જાણવા માટે બાંગ્લાદેશ પોલીસ મૃતક સાંસદ અને શાહીન વચ્ચેના કોઈ પણ વ્યાવસાયિક વિવાદની તપાસ કરી રહી છે. જેહાદ અથવા ઝાહિદ અને સિયામે ૨૫ એપ્રિલે કોલકાતાના સંજીવ ગાર્ડન્સ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. ૩૦ એપ્રિલે હત્યાનો કથિત માસ્ટરમાઈન્ડ શાહીન કોલકાતા પહોંચ્યો હતો. તેની સાથે એક પુરુષ અને તેની ગર્લફ્રેન્ડ પણ હતી. ત્રણેય ૩૦ એપ્રિલે ફ્લાઈટ દ્વારા કોલકાતા પહોંચ્યાં હતાં. ત્રણેય સંજીવ ગાર્ડનમાં ભાડાના ફ્લેટમાં રોકાયાં હતાં. તે આસપાસનાં લોકોને બતાવવા માંગતો હતો કે પરિવાર અહીં જ રહેશે.

આ લોકોએ બે મહિના સુધી સાંસદ અઝીમની દિનચર્યા પર નજર રાખી હતી. અઝીમ ૧૨ મેના રોજ કોલકાતા પહોંચ્યા હતા અને બારાનગરમાં તેમના મિત્ર ગોપાલ વિશ્વાસના ઘરે રોકાયા હતા. હત્યા કેસમાં સંડોવાયેલા આ ત્રણ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ પોતાની સાથે વધુ બે લોકોને લઈ ગયા હતા, જેઓ તે ફ્લેટમાં નિયમિત આવતા હતા. માસ્ટરમાઇન્ડ શાહીન પોતે આખો પ્લાન બનાવીને ૧૦ મેના રોજ કોલકાતામાં પાંચ-છ લોકોને છોડીને બાંગ્લાદેશ પરત ફર્યો હતો. ૧૨ મેના રોજ ગોપાલ વિશ્વાસના ઘરે રોકાયા બાદ બીજા દિવસે સાંસદ અઝીમ એ લોકોને મળ્યા, જેમણે પાછળથી તેમની હત્યા કરી હતી. પહેલાં ફૈઝલ નામના વ્યક્તિએ સફેદ કારમાં સાંસદનું સ્વાગત કર્યું હતું. આ કારનો ડ્રાઈવર રાજા ષડયંત્રનો ભાગ નહોતો. રાજા તેમને ભાડાના ફ્લેટમાં લઈ ગયો હતો. થોડા સમય પછી મુસ્તફિઝુર ત્યાં પહોંચ્યો. જેહાદ અને સિયામ પહેલેથી જ ત્યાં હતા. ફ્લેટમાં પ્રવેશ્યાના અડધા કલાકમાં જ સાંસદની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ સાંસદના મૃતદેહનો ન્યૂટાઉનના તે ફ્લેટમાંથી અલગ અલગ ટુકડાઓમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળ પોલીસના આતંકવાદ વિરોધી એકમના અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ શરૂ કર્યા પછી તેઓએ પહેલાં કારચાલકની અટકાયત કરી, જે અનવારુલ અઝીમને તેના મિત્રના ઘરેથી લઈ ગયો હતો. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે અઝીમ કારમાં બેઠા પછી વધુ ત્રણ લોકો તેમાં સવાર થઈ ગયા હતા. જેમાં બે પુરુષ અને એક મહિલા હતી. બાદમાં આ ચારેય લોકો કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગયાં હતાં. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને એટીએફએ ચાર લોકોને ઘરમાં પ્રવેશતાં જોયાં, પરંતુ માત્ર ત્રણ જ લોકો બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. એટીએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને જણા બાંગ્લાદેશ પરત ફર્યા હતા, પરંતુ હત્યાનો માસ્ટર માઈન્ડ શાહીન વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં દિલ્હી ગયો હતો.  દિલ્હીથી બે કલાકના પરિવહન પછી તે કાઠમંડુ થઈને બીજે ક્યાંક ગયો હશે.

તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે સાંસદ અઝીમના મોબાઈલ ફોન પરથી વિવિધ શહેરોના લોકોને એસએમએસ કે કોલ પણ કરવામાં આવી રહ્યા હતા. તેનો એકમાત્ર હેતુ તપાસને ખોટી દિશામાં વાળવાનો હતો. પોલીસે આ અંગે બાંગ્લા દેશના ગુપ્તચર વિભાગને જાણ કરી હતી, ત્યાર બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ બે લોકો પાસેથી મળેલી માહિતી કોલકાતા પોલીસને શેર કરવામાં આવી છે. આ પછી જ પોલીસ સાંસદ અનવારુલ અઝીમની હત્યાની પુષ્ટિ કરી શકી હતી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top