Business

રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…

સામાન્ય રીતે શનિ અને રવિવારે શેરબજાર બંધ રહેતું હોય છે, પરંતુ આવતા વર્ષે એક રવિવાર એવો હશે જ્યારે શેરબજાર ખુલશે અને વેપાર પણ થશે. સરકારે એક રવિવાર માટે બજાર ખુલ્લું રાખવાનો ખાસ નિર્ણય લીધો છે.

આગામી તા. 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ સંસદ અને શેરબજાર ખુલ્લું રહેશે.

દર વર્ષે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવારે છે. આ સંયોગ ક્યારેક જ બને છે. નિયમ પ્રમાણે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. તેથી આ વર્ષે પણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે. તે દિવસે રવિવાર હોવા છતાં બજેટ માટે સંસદ ખુલ્લી રહેશે અને તે સાથે જ બજેટ જાહેર થવાનું હોઈ શેરબજાર પણ ચાલુ રહેશે.

BSE અને NSE બંને એક્સચેન્જ સામાન્ય રીતે સપ્તાહના અંતે શનિવાર અને રવિવારે બંધ રહે છે. જોકે, બજાર નિયમનકારો અને નાણા મંત્રાલય બજેટ જેવા મહત્વપૂર્ણ દિવસોમાં બજારો ખુલ્લા રાખવા સંમત થયા છે. કારણ કે બજેટના દિવસે બજારો હંમેશા ખુલ્લા રહે છે.

બજેટનો દિવસ રોકાણકારો માટે ઉત્સાહનો સમય પણ છે. આ વખતે બજેટ 1 ફેબ્રુઆરી રવિવારના રોજ હોવાથી આર્થિક સર્વે 31 જાન્યુઆરી શનિવાર અથવા તે પહેલાના છેલ્લા કાર્યકારી દિવસે, એટલે કે 30 જાન્યુઆરી શુક્રવાર રજૂ કરી શકાય છે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
બજેટના દિવસે બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે મોટા આર્થિક પગલાંની સીધી અસર બજારો પર તાત્કાલિક અસર કરી શકે. વર્ષોથી રોકાણકારો માંગ કરી રહ્યા હતા કે બજેટના દિવસે બજારો ચાલુ રહે જેથી બીજા દિવસે અચાનક વધઘટ ટાળી શકાય.

નોંધનીય છે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ શનિવાર હતો પરંતુ બજેટ દિવસ હોવાથી બજારો ખુલ્લા હતા. રવિવાર 28 ફેબ્રુઆરી, 1999 ના રોજ બજેટ રજૂ કરવાની વાત કરીએ તો રવિવાર હતો અને તે દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, બજેટ 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવતું હતું. ત્યારે બજેટ સાંજને બદલે સવારે રજૂ કરવામાં આવતું હતું.

બજેટ થીમ અંગે અટકળો
બજેટ રજૂ થવામાં હજુ 50 દિવસ બાકી છે તેમ છતાં રોકાણકારો હજુ પણ સરકારની સંભવિત મોટી જાહેરાતોનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં આવકવેરા સ્લેબથી લઈને માળખાગત સુવિધાઓ, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને મૂડી બજારો સંબંધિત સુધારાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top