Columns

વાણીના અધિપતિનું વક્તવ્ય

વાણીના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ કાંપિલ્યથી શાંતિદૂત બનીને હસ્તિનાપુર આવે છે. અહીં કુરુઓની જગવિખ્યાત સભામાં જગદીશ્વર વક્તવ્ય આપે છે. આ વક્તવ્ય શાંતિ માટેના, યુદ્ધને ટાળવા માટેના ઉદઘોષ સમાન છે. મહાભારતના ઉદ્યોગપર્વના અધ્યાય – 95માં ભગવાનનું પ્રભાવશાળી વક્તવ્ય સંગ્રહિત છે. આ અધ્યાયમાં કુલ 63 શ્લોક છે. આમાં પ્રથમ 2 શ્લોક અને અંતિમ 1 એમ કુલ 3 શ્લોક વૈશંપાયન બોલે છે. બાકીના 60 શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણનું વક્તવ્ય અભિવ્યક્ત થાય છે.

પ્રથમ 2 શ્લોકમાં ભૂમિકા બાંધતા મહર્ષિ વૈશંપાયન કહે છે –
तेष्वासीनेषु सर्वेषु तूष्णीम्भूतेषु राजसु ।
वाक्यमभ्याददे कृष्ण सुदंष्द्रो दुन्दुभिस्वनः ।।
जीमूत इव धर्मान्ते सर्वां संश्रावयन सभाम् ।
धृतराष्ट्रमभिप्रेक्ष्य समभाषत माधवः ।।
                महाभारत, उधोगपर्व : १५-१/२

“હે રાજન! જ્યારે સભામાં સર્વ રાજાઓ મૌન ધારણ કરીને બેસી ગયા ત્યારે સુંદર દંતાવલીથી સુશોભિત અને દુંદુભિ સમાન ગંભીર સ્વરવાળા યદુકુલતિલક ભગવાન શ્રીકૃષ્ણે પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો. જેમ ગ્રીષ્મઋતુના અંતમાં વાદળ ગર્જના કરે છે તેમ ભગવાને ગંભીર ગર્જના સાથે સમગ્ર સભાને સંભળાવતા ધૃતરાષ્ટ્રની તરફ જોઈને આ પ્રમાણે કહ્યું.” ભગવાનના વક્તવ્યના પ્રારંભમાં વક્તવ્યની ભૂમિકા બાંધતા હોય તેમ વૈશંપાયન આ બંને શ્લોક કહે છે. આ બે શ્લોકમાં વૈશંપાયન શું કહે છે? વૈશંપાયન કહે છે

# સર્વ રાજાઓ ભગવાનથી પ્રભાવિત      થઈને ભગવાનની વાણી સાંભળવા આતુર થયા છે.
# ભગવાનની સુંદર દંતાવલી દ્વારા ભગવાનના અપ્રતિમ સ્વરૂપનું કથન થયું છે.

# ભગવાનના દુંદુભિસમાન ધીરગંભીર નાદના કથન દ્વારા ભગવાનના ભવ્ય વ્યક્તિત્વનું કથન થયું છે.
હવે અહીંથી ભગવાનના ભવ્ય વક્તવ્યનો પ્રારંભ થાય છે. શ્લોક – 3માં ભગવાન પોતાના અહીં આવવાનો હેતુ દર્શાવે છે. ભગવાન કહે છે –
“કૌરવો અને પાંડવો વચ્ચે શાંતિની સ્થાપના થાય અને ક્ષત્રિય વીરોનો મહાસંહાર અટકાવી શકાય તે માટે આપને પ્રાર્થના કરવા માટે હું અહીં આપની પાસે આવ્યો છું.”
અહીં ભગવાન સ્પષ્ટ કહે છે કે તેઓ શાંતિ ઇચ્છે છે, મહાસંહારક યુદ્ધ નહિ. ભગવાન યુદ્ધ ટાળવા ઇચ્છે છે. તે માટે તો ભગવાન અહીં હસ્તિનાપુરની સભામાં શાંતિદૂત બનીને આવ્યા છે.
ભગવાન આ પ્રથમ શ્લોકમાં આ શાંતિ સ્થાપનાથી શું થશે તે પણ કહે છે :
1. પાંડવો અને કૌરવો બંનેને શાંતિ અને શાંતિજન્ય સુખાકારી મળશે.
2. ભારતભરના ક્ષત્રિય વીરોનો મહાસંહાર ટાળી શકાશે.

ભગવાન જાણે છે કે જો આ મહાભારત યુદ્ધ થશે તો સમગ્ર ભારતવર્ષના બધા નહીં તો મોટા ભાગના ક્ષત્રિયો નષ્ટ થશે.
આ દુષ્પરિણામ ભગવાન યથાર્થત: જાણે છે અને તેથી કહે છે –
“હું અહીં હસ્તિનાપુરની સભામાં શાંતિની સ્થાપના માટે, યુદ્ધને ટાળવા માટે આવ્યો છું.”
ભગવાન યુદ્ધ ઇચ્છતા નથી જ. ભગવાનને યુદ્ધ નહીં પરંતુ શાંતિ પ્રિય છે અને તેથી જ ભગવાને નક્કી કરી લીધું છે કે યુદ્ધ થશે તો પણ ભગવાન હાથમાં હથિયાર ધારણ નહીં કરે!
ત્યાર પછીના ચાર શ્લોકમાં અર્થાત્ શ્લોક – 4થી શ્લોક – 7 સુધીમાં ભગવાન ધૃતરાષ્ટ્ર સમક્ષ કુરુવંશની મહાનતા અને ઉચ્ચ ગુણવત્તાનું કથન કરે છે.

ભગવાન કહે છે –
इदं हयद्य कुलं श्रेष्ठं सर्वराजसु पार्थिव ।
श्रुतवृत्तोपसम्पन्नं सर्वैः समुदितं गुणैः ।।
                महाभारत, उद्योगपर्व :९५-५

હે પૃથ્વીપતિ! આ યુગમાં સમસ્ત રાજવંશોમાં કુરુવંશ સર્વશ્રેષ્ઠ છે. આ તમારા વંશમાં શાસ્ત્ર અને સદાચારનો પૂર્ણ આદર અને પાલન કરવામાં આવે છે. આ કુરુકુલ સર્વ સદગુણોથી સંપન્ન છે.
कृपानुकम्पा कारुण्यमानृशंस्य च भारत ।
तथाडडर्जवं क्षमा सत्यं कुरुष्वेतद    विशिष्यते ।।
                महाभारत, उद्योगपर्व ९५-6

‘’હે ભારત! કૃપા (અન્યને સુખ પહોંચાડવાની ભાવના), અનુકંપા (દયા), સરળતા, ક્ષમા અને સત્ય – આ તત્ત્વો અન્ય રાજવંશોની અપેક્ષાએ કુરુવંશીઓમાં વધુ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રનું ધ્યાન તેમના વંશની મહાનતા તરફ ખેંચે છે.’’ ધૃતરાષ્ટ્રને ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે – ‘’રાજન! તમે આવા મહાન કુળમાં જન્મ ધારણ કર્યો છે, તમે આવા મહાન રાજવંશની રાજગાદી પર બિરાજમાન છો.’’ આ રીતે ભગવાન ધૃતરાષ્ટ્રને તેમના કુળના ગૌરવ પ્રત્યે જાગૃત કરે છે. આટલું સમજાવીને ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે – “રાજન ! આવા ઉત્તમ ગુણસંપન્ન કુળના રાજવી હોવા છતાં આપના દ્વારા કોઈ અનુચિત કાર્ય થાય તો તે ઉચિત ગણાય નહિ.”

ભગવાન શ્રીકૃષ્ણ માનવચિત્તના સમર્થ જ્ઞાતા છે, મહાન મનોવૈજ્ઞાનિક છે. માનવચિત્તની આ એક લાક્ષણિકતા છે કે માનવ સમક્ષ જ્યારે તેના કુળગૌરવનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે તે ખોટું કરતા અટકી જાય છે. માનવ સમક્ષ જ્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય – “અરે ! તમે આવા મહાનકુળમાં જન્મ્યા છો, તમે આવા મહાન પિતાના પુત્ર છો અને તમે આવું ઘૃણિત કર્મ કરશો?” ત્યારે માનવ ખોટું કરતા અચકાય છે, તે પાપાચરણ કરતા પાછો ફરે છે. તેનું કુળગૌરવ તેને પાપમાં પગલું ભરતા રોકે છે. માનવચિત્તના સ્વરૂપના જ્ઞાતા ભગવાન શ્રીકૃષ્ણ માનવચિત્તની આ લાક્ષણિકતાને યથાર્થતઃ જાણે છે અને તેથી પોતાના વક્તવ્યના પ્રારંભમાં જ ભગવાન ધૃતરાષ્ટ્રનું ધ્યાન તેના કુળની મહાનતા તરફ તેના કુળગૌરવ તરફ દોરે છે. ત્યાર પછીના 3 શ્લોકમાં (શ્લોક – 8થી શ્લોક – 10)
ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રના અનુચિત વ્યવહાર વિશે કહે છે. ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે –
ते पुत्रास्तव कौरव्य दुर्योधन पुरोगमा: ।
धर्मार्थों पृष्ठतः कृत्वा प्रचरन्ति नृशंसवत् ।।
                महाभारत, उद्योगपर्व : ९५-९

‘’હે કુરુનંદન! દુર્યોધનાદિ આપના પુત્રો ધર્મ અને અર્થને પાછળ મૂકીને ક્રૂર મનુષ્યો જેવું આચરણ કરી રહ્યા છે.’’
अशिष्टा गतमर्यादा लोभन हृतचेतसः ।
स्वेषु बन्धुषु मुख्येषु तद् वेत्थ पुरुषर्षभ ।।
                महाभारत, उद्योगपर्व : ९५-१०

“હે પુરુષશ્રેષ્ઠ! તમારા આ પુત્રો પોતાના શ્રેષ્ઠ બંધુઓ સાથે અશિષ્ટતાપૂર્વક વ્યવહાર કરી રહ્યા છે. લોભે તેમના હૃદયને એવું વશીભૂત કરી લીધું છે કે તેમણે ધર્મની મર્યાદા તોડી નાખી છે. આ વાતને આપ સારી રીતે જાણો છો.” ભગવાન શ્રીકૃષ્ણ કુરુવંશની તો ખૂબ પ્રશંસા કરે છે પરંતુ કુરુવંશના દુર્યોધન આદિ સંતાનોની પ્રશંસા કરતા નથી. ધૃતરાષ્ટ્રના આ દુષ્ટ સંતાનોની દુષ્ટતાનું કથન પણ ભગવાન સ્પષ્ટતઃ કરે છે.

Most Popular

To Top