Gujarat

આગામી 5 દિવસ રાજ્યમાં ધમધમોકાર વરસાદ પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લામાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. જોકે, હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી, ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સારો વરસાદ વરસશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. પાછલાં 24 કલાકમાં રાજ્યના કુલ 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે જુનાગઢમાં 109 મીમી જ્યારે કચ્છમાં 97 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે બનાસકાંઠા 64 મીમી, પાટણ 60 મીમી, નવસારી 44 મીમી, ભરૂચ 43 મીમી, વડોદરા 48 મીમી, જામનગર 55 મીમી, દેવભૂમિ દ્વારકા 35 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, સુરેંદ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં સૌથી ઓછો એટલે કે 10 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે.

દરમિયાન હવામાન વિભાગે તા. 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે આગામી 5 દિવસ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત છે. તા. 28મી જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે.

Most Popular

To Top