સંતરામપુર : સંતરામપુરમાં એક વર્ષ પહેલા લોકાર્પણ કરાયેલા અદ્યતન બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં સીસીટીવી કેમેરાના અભાવે મુસાફરોના ખીસ્સા કપાય રહ્યાં છે, આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં પંખા બંધ હોવાથી મુસાફરો પરસેવે રેબઝેબ થઇ જાય છે. આ સુવિધા તાત્કાલિક ઉભી કરવા માંગ ઉઠી છે. સંતરામપુર તાલુકા મથકે નવ નિર્મિત બનેલા અદ્યતન બસ સ્ટેશનનું ઉદ્દઘાટન 4થી જૂન, 21ના રોજ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેન્ડ સંતરામપુર અને કડાણા તાલુકાની મુસાફર જનતા માટે આશીર્વાદરૂપ સમાન છે.
અહીં સંતરામપુર,. કડાણા અને ફતેપુરા તાલુકાનાં મુસાફર જનતાની મોટાપાયે અવરજવર થાય છે. આ બસ સ્ટન્ડના લોકાર્પણને 11 મહિના થવા છતાં સીસીટીવી કેમેરા આજદિન સુધી એસટી વિભાગે લગાવ્યાં નથી. જેના કારણે મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા થયાં છે. બસસ્ટેશનમાં અને તેનાં પરિસરમાં વહેલાંમાં વહેલી તકે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવે અને મુસાફર જનતાની સુરક્ષામાં આ કામગીરી પત્યે રાજય સરકાર દ્વારા પણ અગ્રિમતા અપાય તે માટેની માંગ ઉઠી છે.
અહીં મુસાફરોના ખિસ્સા કપાયાના અને ચીલઝડપના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જેથી આવા બનાવો અટકે તે માટે પણ આવા જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા પત્યે એસટી નિગમ દ્વારા શા માટે ભારે ઊદાસીનતા દાખવવામાં આવી રહી છે, તે ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં પંખા પણ ચાલુ રાખવામાં ધાંધિયા કરાતાં જોવા મળે છે. અમુક પંખા ચાલુ રખાય અને અમુક પંખા બંધ રખાતા હોવાનું જોવા મળી રહ્યું છે. મુસાફર જનતા માટે લગાવેલા તમામ પંખા આ બસ ડેપોનો વહીવટ કરનાર દ્વારા ચાલું રખાય તે જરુરી છે. સંતરામપુર એસટી ડેપોનો વહીવટ કથળેલો જોવા મળે છે અને આ ડેપો મુસાફર જનતાને સુવિધાઓ આપવામાં ઉણું ઉતર્યું છે.