કેન્દ્રની મોદી સરકાર ભલે વિકાસના અનેક દાવાઓ કરે પરંતુ જો સત્ય હકીકત જોવામાં આવે તો ભારતમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી જવા પામી છે. હાલમાં જ જાહેર થયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ-2021માં ભારત સતત બીજા વર્ષે પાછળ ધકેલાઈ ગયું છે. આ ઈન્ડેક્ષની યાદીમાં 116 છે તેમાં ભારતનો ક્રમ અગાઉ 94 હતો પરંતુ હાલમાં તે ક્રમ ઉતરીને 101 પર પહોંચી જવા પામ્યો છે. આ ઈન્ડેક્ષ પ્રમાણે ભારતમાં તો પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ નેપાળ કરતાં પણ ભૂખમરાની સ્થિતિ ખરાબ છે. અગાઉ હંગર ઈન્ડેક્ષમાં ભારતનો ક્રમ 102 હતો પરંતુ 2020માં હંગર ઈન્ડેક્ષમાં તેમા સુધારો થઈને ભારતનો ક્રમ 94 થયો હતો પરંતુ ફરી આ વર્ષે તે ક્રમ ઉતરી જતાં ચેતવણીજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
આઈરિક્ષ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ નામની વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં આખા વિશ્વમાં ભૂખમરો તેમજ કુપોષણની સ્થિતિ શું છે તેની પર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષમાં 116 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ચીન, બ્રાઝિલ તેમજ કુવૈત સહિત 18 દેશ એવા છે કે જેને પાંચથી ઓછો સ્કોર આપીને ટોચની રેન્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હબંગર ઈન્ડેક્ષ સ્કોર ગણવા માટે કુપોષણ, પાંચ વર્થી નાના બાળકોનું ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, પાંચ વર્ષથી નાના બાળકોની વયના પ્રમાણમાં ઓછી ઊંચાઈ અને બાળ મૃત્યુદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો હંગર ઈન્ડેક્ષ પ્રમાણે ભારતની સ્થિતિ જોવામાં આવે તો વર્ષ 2020માં ભારતનો હંગર ઈન્ડેક્ષ 107 દેશમાં 94 હતો. અગાઉ વર્ષ 2000માં હંગર ઈન્ડેક્ષનો સ્કોર 38.8 ટકા હતો. પરંતુ ત્યારબાદ 2012થી 2021 વચ્ચે આ સ્કોર ઘટીને 28.8થી 27.5ની વચ્ચે આવી ગયો હતો.
હંગર ઈન્ડેક્ષનો જે અહેવાલ છે તે જોતા સને 1998-2000માં ભારતમાં બાળકોની તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનું પ્રમાણ 17.1 ટકા હતું. જે 2016થી 2020 વચ્ચે વધીને 17.3 ટકા થઈ જવા પામ્યું હતું. કોરોનાની મહામારી, લોકડાઉન સહિતની ઘટનાઓને કારણે ભારતમાં આ સ્થિતિ થઈ હોવાનું મનાય છે. કારણ કે આખા વિશ્વમાં બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનો દર વર્તમાન સમયમાં સૌથી વધુ છે. જોવા જેવી વાત એ છે કે ભારતના પડોશમાં જે દેશો આવ્યા છે તેવા દેશમાં નેપાળનો ક્રમ હંગર ઈન્ડેક્ષમાં 76 છે. બાંગ્લાદેશનો ક્રમ પણ 76 છે. મ્યાનમારનો ક્રમ 71 છે. જ્યારે પાકિસ્તાનનો ક્રમ 92 છે. આ દેશોનો ક્રમ પણ એવું જ બતાવે છે કે આ દેશોમાં પણ કુપોષણ અને ભૂખમરાની સ્થિતિ છે જ પરંતુ ભારતમાં આ તમામ દેશો કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કુપોષણ સહિત નાના બાળકોની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે પરંતુ ભારતમાં સ્થિતિ ચિંતાજનક તો છે.
આખું વિશ્વ ભૂખમરા અને કુપોષણની સામે લડી રહ્યું છે. આ લડાઈમાં સફળતા પણ મળી રહી હતી પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીએ આ લડાઈને ઘણું નુકસાન કર્યું છે. ભૂખમરા સામેની લડાઈ જ બાજુ પર ધકેલાઈ ગઈ છે. સને 2030 સુધીમાં વિશ્વમાં ભૂખમરાને નાબુદ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં ભૂખમરા સામેની લડાઈને જે રીતે પાછાપગ કરવા પડી રહ્યા છે તે એવું બતાવી રહ્યું છે કે 2030નો ભૂખમરાને નાબુદ કરવાનો લક્ષ્યાંક હાંસલ થઈ શકશે તેમ હંગર ઈન્ડેક્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે અને તે સત્ય પણ દેખાઈ રહ્યું છે.