Charchapatra

દેશમાં શિક્ષણની અવદશા અને રાજકારણ

એક સમાચાર મુજબ M.S. Univ., Vadodara માં કાયમી શિક્ષકોની મંજૂર કરેલ 1233 જગ્યાઓ સામે હાલમાં ફક્ત 500 જગ્યાઓ જ (એટલે કે આશરે 40%) ભરાયેલી છે જ્યારે બાકીની 700 ઉપર જગ્યાઓ ખાલી છે અને જો ભરતી પ્રક્રિયા તરત શરૂ ન કરવામાં આવે તો 2025 સુધીમાં યુનિવર્સિટી પાસે ફક્ત 20% જેટલાં જ કાયમી શિક્ષકો રહી જશે.  તો આ છે એક સમયની ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીનાં હાલનાં શૈક્ષણિક માહોલની દશા અને દિશા. બીજા એક સમાચાર મુજબ દેશની બીજી એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી JNU માં ફી વધારાનું શસ્ત્ર એ રીતે ઉગામવામાં આવ્યું છે કે ગરીબ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી લગભગ વંચિત રહી જાય. (JNU માં લગભગ 40% વિદ્યાર્થી આર્થિક રીતે અતિ પછાત વર્ગમાંથી આવે છે.

ઉપરોક્ત બે ઉદાહરણો દર્શાવે છે કે સરકાર શિક્ષણ અને તેને સર્વસુલભ બનાવવાની બાબતમાં કેટલી ગંભીર છે.  દેશને વિશ્વગુરુ બનાવવાના  દશોરમાં સૌથી ખટકે એવી બાબત જો કોઈ હોય તો તે છે દેશની ઉચ્ચ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અડ્ડો જમાવી બેઠેલું રાજકારણ અને શાળા, કોલેજોમાં આપવામાં આવતા શિક્ષણનું સ્તર – જે શિક્ષણના ખાનગીકરણ અને બેફામ વેપારીકરણને કારણે હવે સાવ તળિયે જઈ બેઠું છે.  આ જ કારણ છે કે આપણી ઘરઆંગણે શ્રેષ્ઠ કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓ પણ વર્લ્ડ રેકિંગમાં ભાગ્યે જ સ્થાન મેળવે છે અને આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની દોટ લગાવે છે.  પરંતુ અફસોસ, ધર્મના સંમોહન થકી દેશ અને પ્રજાને એક ચોક્કસ બીબામાં ઢાળવા માંગતા રાજનેતાઓ માટે શિક્ષણનું ક્ષેત્ર પણ તેમની રાજરમતનો એક હિસ્સો બની ગયું છે. શિક્ષણના ક્ષેત્રની સાંપ્રત હાલત વિશ્વગુરુ બનવાના કોઈ આસાર દર્શાવતી નથી.
 નવસારી          – કમલેશ મોદી  –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top