National

હરિયાણામાં પૂરગ્રસ્તો માટે રાજ્ય સરકારે રાહત જાહેર કરી, જાણો કોને કેટલું વળતર મળશે!

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સ્પષ્ટ કર્યું છે કે પૂરની આપત્તિથી પ્રભાવિત થયેલા કોઈપણ નાગરિક રાહતથી વંચિત નહીં રહે. સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે રાહત અને પુનર્વસનના કાર્યમાં લાગી ગઈ છે.

સીએમ સૈનીએ જાહેરાત કરી છે કે ખેડૂતોને નુકસાન પામેલા પાક માટે પ્રતિ એકર 15 હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. સાથે જ ઘરોને થયેલા નુકસાન માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે ઈ-કમ્પેન્સેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતો તા.15 સપ્ટેમ્બર સુધી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. જોકે અત્યાર સુધીમાં 1 લાખ 69 હજારથી વધુ ખેડૂતો 9.96 લાખ એકર વિસ્તારમાં થયેલા નુકસાનની નોંધણી કરાવી ચૂક્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે નુકસાનગ્રસ્ત પાકનો સર્વે પૂર્ણ થયા બાદ વળતર વિતરણ પ્રક્રિયા શરૂ થશે. જે વિસ્તારોમાં ચારો મળતો નથી ત્યાં અન્ય જિલ્લાઓમાંથી સુકું ચારો પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘરોના આંશિક કે સંપૂર્ણ નુકસાનની ભરપાઈ માટે અલગ સહાય રકમ જાહેર કરવામાં આવી છે.

સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 376 મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. તાત્કાલિક રાહત માટે જિલ્લાઓને 3.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો કોઈ નાગરિકને ઘર છોડવું પડે તો તેમને માટે રાહત શિબિરો પણ ઉભી કરવામાં આવશે.

આ કુદરતી આફતમાં રાજ્યના 12 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા પરિવારોને પ્રતિ વ્યક્તિ 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. ઘાયલ અથવા અંગ ગુમાવનારાઓને 74 હજારથી 2.50 લાખ સુધીની મદદ મળશે. ઘરોને થયેલા નુકસાન મુજબ 10 હજારથી 1.30 લાખ સુધીની સહાય નક્કી કરાઈ છે.

તેમજ નુકશાન થયેલ દુકાનો કે ઉદ્યોગોને પણ વાસ્તવિક નુકસાન પ્રમાણે 1 લાખથી 3 લાખ 5 હજાર રૂપિયા સુધીનો વળતર મળશે. પશુઓ અને પંખીઓના મોત માટે પણ 4 હજારથી 37,500 રૂપિયા સુધીની સહાયની જોગવાઈ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બધા ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં દાન કરશે. કર્મચારીઓ અને અધિકારીઓને પણ ફાળો આપવા અપીલ કરવામાં આવી છે.

હરિયાણા સરકારે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર અને પંજાબને 5-5 કરોડ તથા હિમાચલને 5 કરોડ રૂપિયાની મદદ આપી છે. રાજ્યમાં તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી “સેવા પખવાડા” ઉજવાશે. જેમાં ધારાસભ્યો, કાર્યકરો અને અધિકારીઓ વ્યાપક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ કરશે.

Most Popular

To Top