ગાંધીનગર: કેન્દ્રિય બજેટ બાદ હવે ગુજરાતના બજેટ પર સૌની નજર રહેલી છે. બજેટને આખરી ઓપ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલીક નવી યોજનાઓને લીલી ઝંડી અપાઈ છે. છેલ્લા વર્ષમાં રાજ્ય સરકારે 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. હવે આ બજેટમાં 10 થી 20 ટકાના વધારા સાથે બજેટ રજૂ કરાશે. શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવેશ કરાશે. નવી બનાવેલી મહાનગરપાલિકાઓ બાબતે પણ સરકાર જાહેરાત કરી શકે છે. નવી મહાનગરપાલિકાના વિકાસ કામોને નવા બજેટમાં સમાવેશ કરાશે. રાજ્ય સરકાર નવી ભરતીઓ, વિકાસના કામો પર ભાર મૂકશે.
સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે સતત ચોથી વખત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજુ કરવા જઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક રોજગારીને ધ્યાને રાખીને પ્રવાસન ક્ષેત્રને પણ વધુ લાભ મળે તેવી સંભાવના રહેલી છે. આ વર્ષે એડવાન્સ આર્થિક સુધારણા અને વિકાસ માટે મોટી યોજનાઓ લાવવામાં આવી શકે છે. અગાઉની જેમ, કૃષિ અને આર્થિક વિકાસ માટે વિશાળ ફાળવણી થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વિવિધ ઉપકારક યોજના, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને ખેતી માટેના સહાયક કાર્યો આ બજેટનો હિસ્સો બની શકે છે. શિક્ષણ, આરોગ્ય અને પૌષ્ટિક યોજના માટે વધુ ફંડ્સ ફાળવવામાં આવી શકે છે. પાટનગર ગાંધીનગર અને સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેન્ટર અને હોસ્પિટલોના માળખા અને યાંત્રિક સુધારણા વધારવાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.
