GANDHINAGAR : ગુજરાત ભાજપ ( BHAJAP) ના લાખો કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકોએ તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ત્રણ ત્રણ સભ્યોની પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી હતી. જેમાં સિનિયર, યુવા, મહિલા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેવું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ( C R PATIL) જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ૬૦ વર્ષથી વધુ સમય થઈ ગઈ હોય, અથવા તો પદાધિકારી, સાંસદ, ધારાસભ્યના સગા વ્હાલાઓને ટિકિટ નહીં આપવાના નિયમનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું છે. જેના પગલે સૌ નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ ઉમેદવારીમાં સમાવી શક્યા નહીં હોવાથી તેમણે માફી માંગી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આવતીકાલથી ભાજપ દ્વારા ચૂંટણી અભિયાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદના કાંકરિયા ખાતે મનપાના 192 ઉમેદવારો એક સાથે ઉપસ્થિત રહી સમર્પણના સંકલ્પો લેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આવતીકાલ તારીખ 11 ફેબ્રુઆરી થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દરેક ઉમેદવારો પોતાના જિલ્લા મહાનગરોમાં એકસાથે પોતાની જાતને પ્રજાલક્ષી કાર્યો માટે સમર્પિત કરવાનો સંકલ્પ લેવાના છે. અમદાવાદમાં કાંકરિયા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ( VIJAY RUPANI) , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ( NITIN PATEL) ની ઉપસ્થિતિમાં મનપાના 192 ઉમેદવારો એક સાથે ઉપસ્થિત રહીને સમર્પણનો સંકલ્પ લેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વર્ચ્યુઅલી સંકલ્પના કાર્યક્રમો યોજાશે.
આટલી તૈયારીઓ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ધાક-ધમકી આપીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવી રહી હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ કર્યો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ જણાવ્યું હતું કે, શહેરના ઠક્કરબાપાનગર, વસ્ત્રાલ તથા નારણપુરા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપના ગુંડાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ઠક્કરબાપાનગર વોર્ડમાં સામાન્ય ટેકનિકલ ક્ષતિને કારણે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જો ચૂંટણી અધિકારી ઇચ્છતા હોત તો આ ફોર્મ રદ થઈ શક્યું ન હોત, પરંતુ ભાજપના ઇશારે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને તાકાત થી લડવા માટે અને કોઈપણ જાતના ડર રાખ્યા વગર મજબૂતાઈથી સામનો કરીને ચૂંટણી જંગમાં બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.