Entertainment

મૃણાલનો મંત્ર સામે સ્ટાર મોટો પછી ભલે રોલ હોય નાનો

મૃણાલ ઠાકુરે ‘તુફાન’માં ખરેખર જ ખૂબ સારું કામ કર્યું છે. ફરહાન અખ્તરે અભિનેતા તરીકે તેની ઓળખ મુજબનું કામ કર્યું પણ ફિલ્મ જોતાં જોતાં પ્રેક્ષક એવું કહી શકે તેમ હતો કે હવે કયા વળાંક આવશે. જે કાંઇ સારું લાગતું હતું તે મૃણાલની હાજરી હતી. ફરહાન પ્રૌઢ પણ દેખાતો હતો જયારે મૃણાલ ફ્રેશ દેખાય છે. ‘સુપર 30’ માં પણ તે ઋતિક રોશન સામે કમસીન જ દેખાતી હતી. મૃણાલ સારી ફિલ્મોની પસંદગીમાં પોતાની ઉંમરના સ્ટાર સાથે કામ કરવાનું ચુકી રહી છે. પણ તેનો અભિગમ ખોટો નથી. ‘કુમકુમભાગ્ય’ની બુલબુલ અરોરા જાણે છે કે ફિલ્મોમાં કામ કરો ત્યારે જૂદા સેટઅપ વિચારવા જ પડે. હજુ તેને ફિલ્મોમાં આવ્યાને વધારે સમય પણ નથી થયો. ‘લવ સોનિયા’ પછી જોહન એબ્રાહમ સાથેની ‘બાટલા હાઉસ’, કરણ જોહરની ‘ધોસ્ટ સ્ટોરીઝ’ ને હવે ‘તુફાન’માં આવી.

મૃણાલ હવે તેની ફિલ્મી કારકિર્દીના બીજા તબક્કામાં પ્રવેશી ગઇ છે. પોતાની ટેલેન્ટ શું છે તે તેણે બતાવી દીધી છે હવે એ ટેલેન્ટના આધારે વધુ સારી ફિલ્મો વડે તે છવાઇ જવા માંગે છે. તે તેની હવેની ફિલ્મોમાં વૈવિધ્ય દાખવવા માંગે છે અને તેમાં તરત આવી રહેલી ‘આંખ મિચૌલી’ છે જે આપણા ગુજરાતી દિગ્દર્શક ઉમેશ શુકલની કોમેડી ફિલ્મ છે. તેમાં પરેશ રાવલ, શરમન જોષી, દર્શન જરીવાલા વગેરે છે.

એટલે તેને વધારે ચેલેન્જ જેવું ય લાગે છે. પણ તે આવી ફિલ્મોને તક તરીકે જુએ છે. ‘જર્સી’ તો શાહીદ કપૂર સાથેની ક્રિકેટ ફિલ્મ છે. પણ ‘ધમાકા’માં તે કાર્તિક આર્યન સાથે આવી રહી છે. એ ફિલ્મ એકશન થ્રીલર છે. મૃણાલની અત્યાર સુધીની ફિલ્મોમાં એકેય એવી નથી જે એકના એક પ્રકારના વિષય ધરાવતી હોય. તેમાંય ઇશાન ખટ્ટર સાથેની ‘પિપ્પા’ તો 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધની વાત કહે છે. અગાઉ ‘એરલિફટ’ જેવી ફિલ્મ બનાવી ચુકેલા રાજા મેનનની આ ફિલ્મ છે.

મૃણાલ ઠાકુર નવા વિષય, નવા દિગ્દર્શક અને નવી પેઢીના સ્ટાર સાથે કામ કરવા બાબતે હવે એકદમ સભાન છે અને સારી વાત એ છે કે તેની અપેક્ષા પ્રમાણે બની પણ રહયું છે. તેની અપેક્ષા મુજબની વધુ એક ફિલ્મ તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘થાડમ’ની રિમેક છે. હજુ તેનું નામ નથી અપાયું પણ ‘થાડમ’ એક જબરદસ્ત સફળ ફિલ્મ રહી છે. મૃણાલ હવે ખોટના સોદા કરવા માંગતી નથી અને હકીકતે તેણે એવા સોદા કર્યા પણ નથી. દરેક ફિલ્મે તેને વધુ સારી ફિલ્મો આપી છે.

મૃણાલ માટે સારી વાત એ છે કે ફિલ્મોમાં આવ્યા પછી તેણે ફરી ટી.વી. તો શું વેબ સિરીઝનું ય મોઢુ જોવું નથી પડયું. નાગપૂરમાં જન્મેલી મૃણાલ હજુ આગળ વધીને ‘બાહુબલી: બિફોર ધ બિગનીંગ’ નામની વેબ સિરીઝ કરશે કારણ કે તે એકદમ ખાસ છે. બાકી તે બહુ સમજ સાથે આગળ વધીર હી છે. તેણે હમણાં તેલુગુની પણ એક ફિલ્મ મળી છે જેમાં તે દલકીર સલમાન સાથે કામ કરી રહી છે. અત્યારની નવી અભિનેત્રીઓમાં તમે મૃણાલ પાસે વધારે માંગી શકો તેમ છો, કારણ કે તે પ્રતિભાશાળી છે ને બ્યુટીફૂલ તો છે જ!

Most Popular

To Top