SURAT

રેમડેસિવિર માટે નવી સિવિલ હોસ્પિ.નો સ્ટાફ પહોંચી શકતો નથી, બીજી તરફ લાંબી લાઈન

SURAT : કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે નવી સિવિલના મેડિકલ સ્ટોર ( MEDICAL STORE ) ઉપર વારો ત્યારે ત્યાં હાજર અધિકારીઓ કહે છે કે, મેડિકલ સ્ટાફમાંથી ડોક્ટર કે નર્સને લાવો તો જ ઇન્જેક્શન મળશે. તંત્રના દરરોજ બદલાતા નીતિનિયમોને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે કહેતા હતા કે હોસ્પિટલ ઓથોરિટી લેટર લઈને આવવાનું રહેશે. આજે કહે છે જે-તે હોસ્પિટલના ડોક્ટર કે નર્સને તમામ પેપર સાથે લઈને આવો. બીમાર દર્દીના સગાને ઇન્જેક્શન આપવામાં હોસ્પિટલને શું વાંધો છે. ખાનગી હોસ્પિટલનો સ્ટાફ ઇન્જેક્શન ( INJECTION ) લેવા આવશે તો દર્દીની સેવા કોણ કરશે. ડોક્ટર 200 એમએલ લેખે અને સિવિલ 100 એમએલ આપે છે. હેરાન જ કરવામાં આવે છે.

શહેરમાં કોરોનાના કેસો વધતાની સાથે જ સંજીવની સમાન રેમડેસિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શનની ભારે બોલાબાલા થઇ ગઇ છે. પૈસાદાર લોકો 10000 આપીને પણ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી લે છે, પરંતુ એક ગરીબ વ્યક્તિ ઇન્જેક્શન મેળવવા માટે આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢે ? ગરીબ લોકોની આવી મજબૂરીનો ફાયદો હવે સરકારી તંત્ર પણ લઇ રહ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દી હોય કે પછી ઘરે આઇસોલેશનમાં સારવાર લેતા હોય તેવા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવું તે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે.

સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને ઇન્જેક્શન મળતાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. આ બાબતે પાલના ગૌરવપથ રોડ ઉપર રહેતા ભદ્રેશભાઇ ભગતે કહ્યું હતું કે, હું તો મારી પત્ની માટે ઇન્જેક્શન લેવા સવારે ચાર વાગ્યાથી લાઇનમાં ઊભો છે, કોઇ યોગ્ય રીતે જવાબ આપતું નથી. સવારે આઠ વાગ્યે અથવા નવ વાગ્યે ઇન્જેક્શન માટે બારી શરૂ થશે તેમ કહીને વાતને ટાળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટ જેવું કશું જ નથી. બધા પોતાનું ધારેલું કરે છે. લાઇનમાં ઊભેલા 400-500 લોકો માટે બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કે પછી ટોકન વ્યવસ્થા પણ ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

સિક્યોરિટી માણસો પોતાને ડોક્ટરો સમજીને મનફાવે તેમ વર્તન કરે છે, ભદ્રેશભાઇએ વધુમાં કહ્યું હતું કે, અહીંના સિક્યોરિટીના માણસો પણ ડોક્ટરો હોય તેવી રીતે મનફાવે તેમ વર્તન કરે છે. સિક્યોરિટીમાં માણસાઇ જેવું કશું જ નથી અને બેફામ વર્તન કરે છે. હોસ્પિટલમાં દરરોજ પોલિસી બદલાયા કરે છે. જેને લઇ હવે અમારી માનસિક સ્થિતિ પણ ખરાબ થાય છે. આ બાબતે જો કલેક્ટર ધ્યાન આપે તો સારું.

Most Popular

To Top