વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના મુસાફરોને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો અને કન્ડકટ્રરોના પણ કોરોનાના કારણે મોત થયા હતા.જે તમામ મૃતકોને રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય આપવાની માંગણી સાથે એસટી વિભાગીય કચેરી રેશકોર્ષ વડોદરા ખાતે વિવિડ એસટી સંગઠનો દ્વારા 2 મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ જ્યારે રાજ્ય પર આફત સંકટ આવી હોય ત્યારે જનતાની સેવા કરવામાં પાછી પાની કરી નથી.
સુરતનો પ્લેગ હોય, ભુજ નો ભૂકંપ હોય,સુરતનું પુર હોય કે પછી કોરોનાવાયરસની મહામારી હોય એસ.ટી.નિગમના કર્મચારીઓએ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના આવી ગંભીર સંકટની પરિસ્થિતિઓમાં સરહદ પરના સૈનિકની જેમ જ ફરજ બજાવી છે. કોરોના મહામારી માં ફ્રન્ટલાઈન કોરોના વર્કર તરીકે બજાવેલ ફરજોને કારણે કોરોના સંક્રમિત થતા એસટી વિભાગના કર્મચારીઓ મોતને ભેટયા છે.એસ.ટી વિભાગીય નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવા સરકારમાં દરખાસ્ત કરી છે.
જેને રાજ્ય સરકાર તાત્કાલિક મંજુર કરી એસટી નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવા પાત્ર લાભો મંજૂર કરે તેવી માંગણી સાથે ગુરુવારે સમગ્ર રાજ્ય સહિત વડોદરાની રેશકોર્ષ એસટી વિભાગીય કચેરી ખાતે એસટી વિભાગના વિવિધ સંગઠનોના નેજા હેઠળ કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાડી મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ભારતીય મજદૂર સંઘના જનરલ સેક્રેટરી હેમપ્રકાશ દવેએ જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં એસટીના કર્મચારીઓ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે સદાય કાર્ય કરતા રહ્યા છે.અને આ કાર્યકાળ દરમિયાન કોરોનાની બીમારીથી સંક્રમિત થઈને સમગ્ર ગુજરાતમાંથી આશરે 200 જેટલા કર્મચારીઓ દેવલોક પામ્યા છે.
જ્યારે વડોદરા એસટી વિભાગમાંથી પણ 14 જેટલા કર્મચારીઓ કોરોનાના કારણે મોતને ભેટયા છે.તે તમામ મૃતક કર્મચારીઓને આજે એસ.ટી વિભાગીય કચેરી ખાતે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.