શ્રીલંકાનાં ટુરિઝમ ખાતાંએ રામાયણ સર્કિટ શરૂ કરી

ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં રામસેતુનું અસ્તિત્વ હતું કે નહીં, એ બાબતમાં ભારતના રાજકારણીઓના ઝઘડાઓની પરવા કર્યા વિના શ્રીલંકાની સરકારે ભારતના હિન્દુ ટુરિસ્ટોને આકર્ષવા માટે શ્રી રામકાલીન ઐતિહાસિક સ્મારકોનો જીર્ણોદ્ધાર કરવાની મહત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી છે. હિન્દુઓની બહુમતી ધરાવતા ભારત દેશની સુપ્રિમ કોર્ટ અયોધ્યામાં શ્રી રામમંદિર બાંધવું કે નહીં એ બાબતમાં દાયકાઓ સુધી નિર્ણય નહોતી કરી શકતી ત્યારે બૌદ્ધોની બહુમતી ધરાવતા શ્રીલંકામાં જ્યાં અશોક વાટિકા હતી ત્યાં સીતા માતાનું મંદિર સરકારની સહાયથી બંધાઇ ગયું છે અને તેમાં શ્રી રામસીતાની પૂજા પણ શરૂ થઇ ગઇ છે. ભારતના આશરે એક લાખ પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે આવે છે. હવે રામાયણના ઐતિહાસિક પ્રસંગોનો ઉપયોગ કરીને તેઓ આ સંખ્યામાં ૨૦%નો વાર્ષિક વધારો કરવા ધારે છે. શ્રીલંકાના ટુરિઝમ ખાતા તરફથી ‘રામાયણ ટ્રેઇલ’ નામનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રામાયણ સાથે સંકળાયેલાં ૫૦ ઐતિહાસિક સ્થળોની યાત્રા કરી શકાય છે.

શ્રીલંકાની સરકારે તેમના દેશમાં આવેલા રામાયણ સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળો બાબતમાં સંશોધન કરવાનું કામ મૂળ ભારતના પણ કુવૈતમાં રહેતા સ્કોલર શ્રી અશોક કૈન્થને સોંપ્યું છે. શ્રી અશોક કૈન્થ અત્યાર સુધીમાં ૧૧ વખત શ્રીલંકાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને તેમણે રામાયણ સાથે સંકળાયેલા ૫૯ સ્થળોની વિગતો એકઠી કરીને શ્રીલંકાની સરકારને સુપરત કરી છે. અશોક કૈન્થે કોલમ્બોથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા હિલ સ્ટેશન નુવારા એલિયાની તળેટીમાં અશોક વાટિકા શોધી કાઢી છે, જ્યાં રાવણે સીતામૈયાને કેદમાં રાખ્યા હતા. આ સ્થળે આજે પણ અશોક વૃક્ષોનું વન જોવા મળે છે. એક અશોક વૃક્ષ નીચેથી સદીઓ પુરાણી શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને જટાયુ પક્ષીની મૂર્તિઓ મળી આવી હતી. શ્રીલંકાના મધ્ય પ્રાંતના મુખ્ય પ્રધાનના પ્રયાસોથી આ અશોક વાટિકામાં સીતાજીનું ભવ્ય મંદિર ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીની ગ્રેનાઇટની મૂર્તિઓ શ્રી અશોક કૈન્થે પોતે દાનમાં આપી છે. આ મંદિરની બાજુમાંથી એક ઝરણું પસાર થાય છે, જ્યાં સીતામૈયા સ્નાન કરતા હોવાનું માનવામાં આવે છે. બાજુમાં શ્રી હનુમાનજીના પગલાં પણ જોવા મળે છે. શ્રીલંકાના મધ્ય પ્રાંતમાં તમિળ હિન્દુઓની મોટી વસતિ હોવાથી દર સપ્તાહે આશરે ૫,૦૦૦ શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. શ્રી વાલ્મિકિ રામાયણ મુજબ સીતાનું અપહરણ કરીને તેને લંકા લાવવા માટે રાવણે પુષ્પક નામના વિમાનનો ઉપયોગ કર્યો હતો. રાવણ પાસે આવા અનેક વિમાનો હતા. આ વિમાનોનું પાર્કિંગ કરવા માટે રાવણે શ્રીલંકામાં પાંચ હવાઇ અડ્ડાઓ બનાવ્યા હતા, જેની યાદી શ્રીલંકાના ટુરિઝમ ખાતાંએ તૈયાર કરી છે. લંકાનો રાજા રાવણ માત્ર હવાઇ પરિવહનનો જ નિષ્ણાત નહોતો; તેણે પોતાના રાજ્યમાં ભૂગર્ભ પરિવહનનું નેટવર્ક પણ વિકસાવ્યું હતું. પોતાના એક મહેલમાંથી બીજા મહેલમાં કે રણભૂમિ ઉપર જવા માટે તેણે બોગદાંઓનું અફલાતૂન નેટવર્ક પણ વિકસાવ્યું હતું, જે આજે પણ જેમનું તેમ છે.

નુવારા એલિયાની ઉત્તરે માતાલે જિલ્લામાં યુદ્ધાંગણપિટિયા નામે ઓળખાતી જગ્યા છે, જ્યાં રામાયણનું ઐતિહાસિક યુદ્ધ થયું હોવાનું કહેવાય છે. સિંહાલીઝ કથા પ્રમાણે શ્રી રામે યુદ્ધભૂમિ ઉપર આવેલા દુનિવિલા નામના સ્થળે ઊભા રહીને બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, જેણે રાવણના પ્રાણ હરી લીધા હતા. આ વખતે રાવણ લેકગલા નામના સ્થળે ઊભો રહીને શ્રીરામ સામે લડી રહ્યો હતો. આ નામની જગ્યા એક ટેકરી ઉપર આવેલી છે, જ્યાંથી રાવણ ઉત્તર શ્રીલંકાનું દૃશ્ય નિહાળી શકતો હતો. રાવણ એક બ્રાહ્મણ હોવાથી યુદ્ધમાં તેને મારવાથી શ્રીરામને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી મુક્ત થવા માટે રામે મુન્નેશ્વરમ્ મંદિરમાં શિવજીની પૂજા કરી હતી. આ મંદિર કોલમ્બોની ઉત્તરે ૮૦ કિલોમીટરના અંતરે ચિલાવ નામના ગામમાં આવેલું છે. ત્રિંકોમાલી જિલ્લામાં કોનેશ્વરમ્ નામનું શંકર ભગવાનનું મંદિર ખુદ રાવણે બનાવ્યું હોવાનું કહેવાય છે. શ્રીલંકાના દક્ષિણ ભાગમાં પ્રચલિત એક લોકકથા મુજબ રાવણે સીતાજીને થોડો વખત માટે ગેલે નજીક આવેલા રૂમાસાલાનાં જંગલમાં બંદી તરીકે રાખ્યા હતા. અહીં બીમાર સીતાજીની સારવાર કરવા માટે હનુમાન હિમાલયથી દ્રોણગિરિ નામનો પહાડ ઉપાડી લાવ્યા હતા. આ પહાડ તેમણે વર્તમાનમાં ઉનાવાતુના તરીકે ઓળખાતી જગ્યાએ પડતો મૂક્યો હતો. સિંહાલીઝ ભાષામાં ‘ઉનાવાતુના’નો અર્થ ‘તે અહીં પડ્યો’ એવો થાય છે.

શ્રીલંકાના ત્રિંકોમાલી શહેરની બાજુમાં કનિયાઇ તરીકે જાણીતી જગ્યા છે, જ્યાં ગરમ પાણીના સાત કુંડ આવેલા છે. દંતકથા મુજબ રામાયણના યુદ્ધ દરમિયાન રાવણની માતાનું અવસાન થયું. રાવણ પોતાની માતાની અંતિમ વિધિ કરવા આ સ્થળે રોકાયો પણ ત્યાં પાણી નહોતું. શ્રીરામે બાણ મારીને જમીનમાંથી પાણી પ્રગટ કર્યું પણ તેઓ રાવણને અંતિમક્રિયામાં રોકી રાખવા માંગતા હોવાથી ગરમ પાણી પ્રગટ કર્યું. આ સ્થળ આજે પણ વૈષ્ણવોના યાત્રાધામ તરીકે વિખ્યાત છે. કોલમ્બોમાં જે સ્થળે શ્રીલંકાની વહીવટી રાજધાની આવેલી છે તે સ્થળ આજે જયવર્ધને કોટે તરીકે ઓળખાય છે. આ સ્થળેથી પ્રાચીન કિલ્લાના અવશેષો પણ મળી આવ્યા છે. આ કિલ્લો રાવણે બાંધ્યો હોવાનું કહેવાય છે. શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આદમ પર્વત આવેલો છે. આ પર્વતની તળેટીમાં સીતા ગંગા નદી આવેલી છે. આ નદીમાં સીતામાતાએ સ્નાન કર્યું હોવાનું કહેવાય છે. આજે પણ યાત્રિકો આ નદીમાં સ્નાન કરીને શ્રીપાદ તરીકે ઓળખાતા આદમ પર્વતની યાત્રા કરવા જાય છે.

Most Popular

To Top