Vadodara

વીરતાનો વૈભવ, શૈાર્યનો શણગાર ,પરાક્રમની પૂજા

વડોદરા : અધર્મ પર ધર્મના વિજયને પ્રતિક રીતે ઉજવાતા દશેરા પર્વ નિમિત્તે ચાલતી આવતી પરંપરા મુજબ વડોદરા શહેરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં અસત્ય પર સત્યના વિજય સમાન વિજયા દશમી પર્વે રાજવી પરિવાર, શહેર પોલીસ કમિશનર સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી એટલે કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું અનેરૂ મહત્વ રહેલું છે.બુધવારે દશેરા નિમિત્તે આજે વહેલી સવારથી જ રાજવી પરિવાર,પોલીસ વિભાગ અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપરાંત ધંધાર્થીઓએ પોતાના શસ્ત્રોની પૂજા કરી હતી.દશેરા પર્વે વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારમાં પણ શસ્ત્રોની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વર્ષોથી રાજવી પરિવાર સાથે સંગ્રહ થયેલ અને જવવલે જ જોવા મળતા શસ્ત્રોની આજે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કરાવ્યું હતું. પ્રતાપ નગર પોલીસ હેડક્વોટર ખાતે શહેર પોલીસ કમિશનર ડો. સમશેર સિંઘના હસ્તે અશ્વ અને શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું.જેમાં પોલીસ વિભાગમાં વપરાતા પૌરાણિક તેમજ આધુનિક શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરે ઉપસ્થિત તમામ અધિકારીઓ કર્મીઓને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

તો બીજી તરફ વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો અને વાહિનીઓ દ્વારા પણ વડોદરા શહેર મધ્ય આવેલ માંડવી દરવાજાની નીચે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સ્થાનિક કાઉન્સિલરો ઉપરાંત હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહી શસ્ત્રોની પૂજા કરી દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલા ફેક્ટરી માલિકો દ્વારા પણ આજે દશેરા પર્વે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મશીનરીની પૂજા કરવામાં આવી હતી. જ્યારે મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતે પણ દશેરા નિમિત્તે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું.

RSS દ્વારા શસ્ત્ર પૂજન સાથે પથ સંચલન કરાયું
દશેરા નિમિતે આરએસએસ દ્વારા સ્થાપના પથ સંચલન કરાયું હતું.એક સંગઠિત હિન્દુ સમાજ માટે કાર્યરત દરેક હિન્દુ ચારિત્ર્ય સંપન્ન હોય અને રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જનાર હોય પોતાનું તન મન ધન લગાવીને કાર્ય કરતું સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે વિજયાદશમી એટલે આરએસએસનો સ્થાપના દિવસ અને આવતા બે વર્ષમાં સંઘને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આજે દશેરા પર્વ નિમિત્તે આરએસએસ દ્વારા પથ સંચલન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
વિજયા દશમીના પાવન પર્વે અસત્ય ઉપર સત્યના થયેલા વિજય નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પરંપરાગત રીતે અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રની પૂજા વિધિ સાથે સંપૂર્ણ ગણવેશમાં પરિધાન થઈને નીકળેલા આરએસએસના પથ સંચલને શહેરના રાજમાર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું.

વૈશ્વિક કોરોના મહામારીના બે વર્ષ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સહિત અગ્રણીઓ ગણવેશમાં સજ્જ થઈને સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા એવા ધ્વજનું ધ્વજારોહણ કરાયું હતું. દેશભરમાં અને વિશ્વમાં સનાતન ધર્મની રક્ષા સહિત વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે આરએસએસના કાર્યકરો અને અગ્રણીઓ સદાય તત્પર રહેતા હોય છે.કાર્યકરો અને અગ્રણીઓનો માનવું છે કે પ્રારબ્ધ પહેલા અને ત્યારબાદ જન્મ મુજબ ભારતની ભૂમિ પર થયેલા જન્મથી સદાય માતૃભૂમિના ઋણી હોવાનું માને છે.ત્યારે વર્ષોની ચાલતી આવતી પરંપરા મુજબ દશેરાએ આરએસએસના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના વિવિધ વિભાગોમાં પથ સંચલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Most Popular

To Top