ભારતીય સંસ્કૃતિના અનંત આકાશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું વ્યક્તિત્વ એક એવા તેજોમય સૂર્ય સમાન છે, જે યુગોથી માનવજાતને સત્ય, ધર્મ અને મર્યાદાનો માર્ગ બતાવતું રહ્યું છે. શ્રીરામ જન્મોત્સવની ઉજવણીની પરંપરા અત્યંત ઊંડી અને ભક્તિસભર છે. અનેક રામમંદિરોમાં ચૈત્ર સુદ પ્રતિપદાથી લઈને નવ દિવસ સુધી એટલે કે રામ નવરાત્રી તરીકે આ ઉત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
આ દિવસે કરવામાં આવતું શ્રીરામનું વ્રત સર્વ પાપોનું નિવારણ કરનારું અને પરમ ગતિ આપનારું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ વ્રત કરવાથી અન્ય તમામ વ્રતોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.જો આપણે જીવનના દરેક નિર્ણયમાં ધર્મને કેન્દ્રમાં રાખીશું, તો પ્રભુ શ્રીરામની કૃપા આપોઆપ વરસશે. આ પર્વ માત્ર ઉજવણી માટે નથી, પરંતુ આત્મચિંતન અને સમાજ માટે કંઈક ઉમદા કાર્ય કરવાના સંકલ્પ માટે છે. ચાલો, આ રામનવમીએ આપણે મન, વચન અને કર્મથી પ્રભુના પથ પર ચાલવાનો નિર્ધાર કરીએ અને સમાજમાં રામરાજ્યની કલ્પનાને સાકાર કરવામાં આપણું યોગદાન આપીએ.
વલસાડ – ભાવનાબેન નિખિલકુમાર દરજી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.