SURAT

VIDEO: સુરતમાં મેટ્રોનો બ્રિજનો સ્પાન નમી ગયો, તૂટી જશે તેવી દહેશતના પગલે આ રસ્તો બંધ કરવો પડ્યો

સુરતઃ હજુ તો સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ નથી તે પહેલાં જ મેટ્રો ટ્રેન માટે બની રહેલાં બ્રિજનો સ્પાન નમી ગયો છે. જેના લીધે તંત્ર દોડતું થઈ ગયું છે.

શહેરના સારોલી-કડોદરા રસ્તા પર મેટ્રો ટ્રેન માટે ઓવર બ્રિજ બની રહ્યો છે. આજે આ નવનિર્માણાધીન બ્રિજનો સ્પાન નમી ગયો હતો. તેના લીધે સારોલાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવાની પરજ પડી છે. પરિણામે આ વિસ્તારમાં ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. નજરે જોનારાઓએ કહ્યું કે, મેટ્રોના સ્પાનમાં ગાબડાં પડી ગયા છે, તે એક તરફ નમી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્પાન કેવી રીતે નમી ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત મેટ્રો એ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આટલા મોટા પ્રોજેક્ટની કામગીરીમાં લાપરવાહીનો નમૂનો આજે સામે આવ્યો છે. નમી ગયેલો સ્પાન ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે. સ્પાનના સળિયા પણ જોઈ શકાય છે, ત્યારે મેટ્રોની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.

સારોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર. વેકરીયાએ કહ્યું કે, મેટ્રોના અધિકારીઓએ જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સુરતથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક પુણા તરફ ડાયવર્ટ કરાયો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં ટેક્નિકિલ ખામી થઈ હોવાની ચર્ચા છે.

રાત્રે સ્પાન ઉતારી લેવામાં આવશે
ફાયર ઓફિસર ભુપેન્દ્રસિંહ રાજે કહ્યું કે, સારોલીમાં ભરત કેન્સરની સામે ચાલી રહેલાં મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો હોવાનો કોલ આવ્યો હતો. મેસજ મળતાં જ ફાયર ફાઈટર ત્યાં પહોંચી ગયા હતા. પ્રોજેક્ટ મેનેજર કહ્યું કે, સ્પાન તૂટશે નહીં, પરંતુ નમી ગયો હોઈ રાત્રે ઉતારી લેવામાં આવશે. તેના માટે રોડ બંધ કરાશે.

મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણીના જણાવ્યા અનુસાર ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ શરૂ કરાઈ છે. હાલ કારણ જાણવા મળ્યું નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. તકેદારીના ભાગરૂપે આ રૂટ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.

દિલીપ બિલ્ડકોન પાસે છે કોન્ટ્રાક્ટ
સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રોના લાઈન-2 કોરિડોરનું બાંધકામ વર્ષ 2022માં શરૂ થયું હતું. સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સારોલી વચ્ચેના આ 8.02 કિ.મી.ના એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દિલીપ બિલ્ડકોન લિમિટેડને 702 કરોડ રૂપિયાનો વર્કઓર્ડર આપ્યો હતો.

Most Popular

To Top