Charchapatra

દંભનો પડઘો, આવાઝ દો હમ એક હે!

અમદાવાદનો કદી ન ભૂલાય તેવો વિમાની અકસ્માત આપણે જોયો. આ ઘટના અત્યંત દુ:ખદાયી છે. ઘટનાનું કારણ જે હોય તે પણ અનેક પરિવારો છિન્ન ભિન્ન થઇ ગયા એ સર્વસ્વીકૃત વાત છે. આપણા વડા પ્રધાન, દેશનાં ગૃહ પ્રધાન સહીત અનેક રાજકારણીઓ આવી ગયા, ફોટો સેશન સારી રીતે કરી ગયા અનેક સંસ્થાઓએ પોતપોતાની રીતે મૃતકોને અંજલી આપી પણ એક વાતનું ખુબ દુઃખ છે કે વિમાનના પેસેન્જરો સિવાય કંઈ કેટલાય ભાવી તબીબોનાં જીવન પણ છીનવાઈ ગયા. છતાં, એક પણ રાજકારણી કે અન્ય કોઈ સંસ્થાએ આ વિદ્યાર્થીઓ માટે હરફ પણ ઉચ્ચાર્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી, ત્યાં સુધી તો ઠીક પણ તબીબોના સંગઠન કે અન્ય વિધાર્થી સંગાઠનો પણ હજી ચુપ જ છે.

અલબત્ત ટાટાએ જાહેરાત કરી છે તે પ્રમાણે આ વિદ્યાર્થીનાં વાલીઓને પણ એક કરોડ રૂપિયા મળશે એવું હું માનું છું, ભલે સ્પષ્ટતા કરાઈ નથી. પણ જે વાલીઓના મોઢાનો કોળીયો જ છીનવાઈ ગયો, અને કોણે કેવા સંજોગોમાં પોતાના સંતાનને મેડીકલમાં ભણવા મુક્યા તે સમાજને ક્યાંથી ખબર હોય. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું મૃતક વિદ્યાર્થીઓ માટેનાં વળતર માટે અંગેનું મૌન તો મનને ખટકે જ છે. વળી વિધાર્થી સંગઠનો કે અન્ય સંગઠનો પોતાનાં પ્રશ્નો માટે આવાઝ દો હમ એક હૈ નાં નારા લગાવે પણ આવે વખતે તે નારો દંભી જ પુરવાર થાય છે.
નાનપુરા,  સુરત – રાજેન્દ્ર કર્ણિક      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

પિતાની કઠોરતાનું મહત્ત્વ
માતાનું જેમ મૃદુ હોવું જરૂરી તેમ પિતાનું કંઈક અંશે કઠોર હોવું પણ મહત્ત્વનું હોય છે. સંતાનોને માતા પ્રેમાળ બનાવે છે તેમ પિતાની કઠોરતા સંતાનોને મુસીબતો સામે ઝઝૂમતાં શીખવે છે. આથી સંતાનો જીવનની કઠોરથી કઠોર સમસ્યાઓ સામે લડી શકે છે. કુદરતે પણ સમતુલા જાળવવા માટે જ માતાને મૃદુતા અને પિતાને કઠોરતા બક્ષી છે. આને લઈ સંતાનોને માતા મીઠ્ઠી લાગે છે અને પિતા તરફ થોડી કડવાશ રહે છે પણ યાદ રહે પિતા ભલે બહારથી સખ્ત નારીયેલ જેવા લાગે પણ ભીતરથી તો તેઓ પણ મૃદુ મીઠા કોપરાં જેવા જ હોય છે. કઠોરતાપૂર્વક સંતાનોની આંગળી પકડી પિતા સમજપૂર્વક ચાલવાનું શીખવે છે તો વૃદ્ધાવસ્થામાં તેમના હાથ ઝાલવાનું ઉત્તરદાયિત્વ સંતાનોનું બને છે.
નવસારી – ગુણવંત જોષી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top