Comments

નવી પેઢીનાં ખેડૂતપુત્રો એગ્રો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનો દરજ્જો મેળવે

અમરેલી જીલ્લાનાં ખેડુત ખાતેદાર ઘનશ્યામ પટેલે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી પોતાની ૧૦ વિઘા જમીન ઉપર ગાંજાની ખેતી કરવા મંજુરી માંગી છે. ખેડુત પુત્રએ ખેતપેદાશનાં ઘટતાં ભાવ સામે આક્રોશ ઠાલવતા સરકારને લખ્યું છે “સાહેબ વર્ષ ૨૦૧૬-૧૭માં કપાસ રૂ.૨૦૦૦ આસપાસ હતો તેનો ભાવ ઘટીને રૂ. ૧૪૦૦ થયો છે. એક થેલી ડી.એ.પી. ખાતરનાં રૂ. ૬૫૦/- થી વધી રૂ.૧૫૦૦/- થયાં છે.

કુવામાં પાણી છે પરંતુ એક લિટર ડિઝલનો ભાવ રૂ.૧૦૦ એ પહોંચ્યો છે. ફરીયાદી ખેડુત લખે છે કે ખેત મજુરોને ચા-બીડી બપોરે શાક અને છાશ ઉપરાંત રૂ. ૫૦૦/- મજુરી આપતાએ દાડીયા મળતાં નથી. શાક રોટલાં જોગ ખેતીમાં હવે બે પાંદડે થવાય તેમ નથી આથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામડાઓનાં ૩૮% યુવકો દક્ષીણ ગુજરાતમાં હિરા ઉદ્યોગમાં સ્થળાંતર થયાં છે. પરીણામે દરીયાકાંઠાનાં ગામડાઓમાં હવે ક્ષારયુક્ત પાણી અને વૃદ્ધ, અપંગો બચ્યાનો વાસ્તવિક ચિતાર છે.

જગતનાં તાતનું બિરુદ મેળવનાર હવે કરૂણતાનાં દલ-દલમાં ફસાયો છે. પાક નિષ્ફળતા અને દેવાની સ્થિતિમાં વર્ષ ૨૦૨૩માં ૪૧૫૧ ખેડુતોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવવાનો રસ્તો લેવો પડયો છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં અમુલ પરિવર્તન લાવી જમીન આધારિત કૃષકોએ પોતાની ૫૦૦૦ વર્ષ જુની કાર્ય પ્રણાલીમાં ઘરમૂળથી પરિવર્તન લાવવું પડશે. તેમ રાજય સરકારે પણ લાંબા-ગાળાનાં હિતને લક્ષમાં રાખી હિંમતભેર નિર્ણયો લેવા જ પડશે.

ભારત વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બની ૨.૫ કરોડ નાગરિકોને ગરીબીની લઘુત્તમ રેખાથી ઉપર લાવવા માગે છે ત્યારે બેન્કોનાં બેલેન્સશિટ સાથે દેશની ૧૦ ટ્રિલીયન ઈકોનોમી સામે ખેડુતોએ પણ રૂ.૪૫૦ અબજનાં યોગદાન સાથે ૧૫% વિકાસ સાધવો અનિવાર્ય બને છે. કૃષિ ઉત્પાદનમાં નિતિગત સુધારા વિષયે તાજેતરની આઈ.સી.એ.આર.ની બેઠકમાં દેશનાં કૃષિ વૈજ્ઞાનિકો, ફુડ વેલ્યુ એડિશન સાથે સંબંધિત નિવેશકો, જૈવિક વિજ્ઞાનનાં સંશોધકોએ પોતાનાં અહેવાલમાં ભારત સરકારને આગ્રહ ભરી વિનંતી કરી છે કે કૃષિ ક્ષેત્રને રાજકીય પ્રભાવોથી ઉપર લાવીએ. દેશનાં જી.ડી.પી.માં ખેતીનો સહયોગ ૪૨.૪% સુધી પહોંચાડીએ. જે આશાસ્પદ અનિવાર્યતા બને છે.

પરંતુ ભારતનાં કુલ વર્ક ફોર્સમાં ૪૬% લાભ મેળવનાર કૃષિની સ્થિતિ એવી છે કે એકલા ગુજરાતનાં ગામડાઓમાં પરિવારદીઠ રૂ.૧.૪૧ લાખનું દેવું છે. ૨૮ % ગ્રામજનોએ લોન લઈને ઘર પરીવાર ચલાવવું પડે છે. નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બોર્ડનાં અહેવાલ અનુસાર ગુજરાતી ખેડુત પરિવાર પાસે સરેરાશ ૧.૧ હેકટર ખેતી લાયક જમીન છે. એટલું જ નહિં પણ ૩૪% ખેડુતો આજે દેવામાં ડુબેલાં છે.

આથી જ તો અનાયાસ પ્રાકૃતિક આફતો સામે પાક વિમા યોજના હેઠળ ખેડુતોને વાવેતર જેટલું વળતર ચુકવવાનું રાજકીય દબાણ વધતું જાય છે. પ્રમાણિક માણસનાં ટેકસમાંથી પ્રતિવર્ષ સરેરાશ રૂ. ૭૨થી ૮૦ હજાર કરોડના ખેડુત દેવા માફ કરવાનાં રાજકીય કલ્યાણનાં નિર્ણયો લેવા પડે છે જેને હવે અર્થશાસ્ત્રની રીતે પણ મુલવવા પડે તેવો સમય પાકી ગયો છે. આઝાદીનાં ૮ દાયકાં પછી પણ ભારતનું ગામડું ગરીબ છે તેવા ભ્રમમાંથી હવે રાષ્ટ્ર જીવનને બહાર કાઢવા બદલાવ અનિવાર્ય બને છે.

કારણ, ભારતમાં લઝરી બ્રાન્ડની ચીજવસ્તુઓનું બજાર ૧.૫ લાખ કરોડે પહોંચ્યું છે. જે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭.૫ લાખ કરોડએ પહોંચવા ધારણા છે. ગામડાંઓ સહિત દેશનું લગ્ન બજાર ૧૧.૪ લાખ કરોડનું છે. વૈશ્વિક યુદ્ધો અને રસીયા-ચિન ઉપરનાં પ્રતિબંધો વચ્ચે ભારત ચમકતો સીતારો બન્યું છે. ત્યારે કોટક મહેન્દ્રનાં ચીફ માર્કેટ ઓફીસર રોહિત ભસીનના મતે હવે ગામડું દેશની વિકસીત માર્કેટ માટે આશાનો સંચાર થઈ ઉભરી રહયું છે. વર્ષ ૨૦૨૩ની વિગતે જોતાં ભારતનાં ગામડાંઓમાં રહેલ ધનીકોની સંખ્યા ૨૩% એ પહોંચી છે જે એક નવી સમજ વિકસાવવા નિતિ આયોગને મજબુર કરી રહી છે.

એક અંદાજ અનુસાર વર્ષ ૨૦૨૫-૩૦ દરમિયાન દેશમાં વીજળીની માંગ ૮૧૭ ટ્રિલીયન વોટ અવર્સ સુધી પહોંચવા ધારણા છે. અમેરિકા અને યુરોપનાં દેશો કરતાં પણ ભારતમાં ડેટા વપરાશ પાંચ ગણો હોય આજે માઈક્રોસોફટ, એમેઝોન તથા ગુગલ જેવી વૈશ્વિક કંપનીઓએ ભારતમાં જંગી રોકાણની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ સુખદ આશ્ચર્ય એ છે કે વિકાસ માટેનાં રોકાણ અને વપરાશમાં ભારતનાં ગ્રામ ક્ષેત્રનો હિસ્સો ૨૭.૩% છે.

આ સ્થિતિ દર્શાવે છે કે ભારતનું ગામડું આમ ધારણાઓ અનુસાર ગરીબ નથી. ગામડામાં વ્યાપ્ત પ્રાકૃતિક શ્રોત ખામી યુક્ત નથી કે ઝેન.ઝી પેઢીની મહેચ્છાઓ અને શૈક્ષણિક સ્તરમાં ઉણપ નથી ત્યારે જરૂર છે ખેતીના સ્વરૂપમાં ઘરમુળથી સુધારણાની. ગુજરાતનાં ગામડાંઓમાં વધતા જતાં પ્રોસેસ ફુડ અને કોલ્ડડ્રિંકસ-આઈસક્રિમનાં વપરાશના આંકડાં દર્શાવે છે કે દેશનાં અંતરીયાળ ભાગોમાં નિવાસ કરતા અને શહેરી માળખાથી દુર રહેતા લોકોને ગ્રામિણ ગણવા તે સમાજીક ભૂલ છે.

લોકશાહીમાં રાજકારણ નાગરીકોના કલ્યાણ મત આધારિત છે. પરંતુ લોકશાહીનું અર્થકારણ જમીની સ્થિતિથી નિર્ધારીત બને છે. ત્યારે દેશનાં ખેડુત અને ગામડાંઓને પછાત ગણવાની માનસિક્તા બદલીએ. ઉપાયે ઉપલબ્ધ જમીનને સાધન તરીકે અને ખેડુતને એગ્રો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનો દરજ્જો આપવા દેશની કૃષિ યુનિવર્સિટી અને વિજ્ઞાન કેન્દ્રો આગળ આવે. વિશ્વના અન્ય દેશો માફક ખેતી વ્યવસાયને તમામ નાગરીકો માટે ખોલીએ.

આંધ્રપ્રદેશનાં ગુંટુર જીલ્લાનાં ખેડુત રોસૈયાએ પાંચ સ્તરીય ખેતી (વર્ટીકલ એગ્રીકલ્ચર)નું મોડેલ આપી એક એકરથી ઓછી જમીનમાં બાવન પ્રકારના પાકો લઈ એક જમીન ઉપર પાંચ ગણી આવક મેળવી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુથી પુરસ્કાર મેળવ્યો છે.રણની રેતીમાં વસેલ ઈઝરાઈલે દુનિયામાં ફળ-ફુલોની ખેતી વિસ્તારી સાબિત કર્યું છે કે કૃષિ માટે જમીનની અનિવાર્યતા નથી. ડ્રિપ ઇરીગેશન, હાઈડ્રોપોનિકસ પાવર ફોટો સિંથેસિસ અને હવે ગ્રીન હાઉસ ટેકનીકથી ઈઝરાઈલ મોડેલ દર્શાવે છે કે જૈવિક પ્લાંટસ માટે જમીન આધારથી કંઈ વધુ ઉપયોગી નથી.

કૃષિને જમીન ઉપર પાથરી રાખવાના બદલે બહુ માળીય ઉચાઈ આપીયે. સી.પી.સી.બી.ના એક ચોકાવનારા નિવેદનમાં ખુલાસો થયો છે કે દેશનાં વાયુ પ્રદુષણ સંકટ ૪૪૭ જીલ્લાઓમાં ૬૦% થી વ્યાપક બન્યું છે ત્યારે કાર્બન ફુટપ્રિન્ટને વિક્સાવતા સ્ટાર્ટઅપમાં ઝેન-ઝી જનરેશનને લાવવાના બદલે કૃષિને ઇન્ડસ્ટ્રિઝનો દરજ્જો આપી ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વી ઉપરની ૧૪ ઈંચ જમીનના સ્તરને સંરક્ષિત કરીએ.

હજારો વર્ષથી ચાલતાં કૃષિ વ્યવસ્થાપનમાં હરિત ક્રાંતિ પછી ખાતર, દવાઓ, જળસંરક્ષણ, કૃષિ ઉત્પાદનનાં સંગ્રહ અને વેલ્યુ એડીશન ક્ષેત્રમાં કામ થયું છે પરંતુ દેશની ૧૫.૬ કરોડ હેક્ટર જમીન ઉપરની ફેલાએલ કૃષિને ઉદ્યોગના આધાર તરીકે વર્ટિકલ ડેવલોપમેન્ટ માટે ઉપયોગમાં લઈશુ તો કૃષિ માટે જમીનનો ખ્યાલ તુટી જશે, આઝાદી પછી વિકસેલ શહેરો અને ત્યાં દેખાતું ઉપ્તાદન વર્ટિકલ ડેવલોપમેન્ટનું સફળ ઉદાહરણ બન્યું છે ત્યારે પ્રકૃતિનાં આશ્રયે આકાશી ખેતી ની હજારો વર્ષની માન્યતા છોડી દઈએ. ગામડું અને ખેડુતોને ગરીબી સાથે જકડી રાખવાની રાજનીતી પાછળ મુકી દઈએ. તોજ દેશને વિશ્વગુરુ બનાવવાની સંકલ્પના જમીન ઉપર ગતી કરતી જોવા મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top