સુરત(Surat): ગઈ તા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) રામલલ્લાની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદથી દેશ આખોય રામ ભક્તિમાં લીન થયો છે, ત્યારે સુરત તો જાણે અયોધ્યા જ બની ગયું છે. સુરતમાં 22મીએ દિવસભર અનેક ભક્તિ કાર્યક્રમોના આયોજન થયા હતા, ત્યારે સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરી લગ્ન (Wedding) કરી અલગ ચીલો પાડ્યો હતો.
અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું, આ જ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના લગ્નનો દિવસ નિર્ધારિત થયો હતો. તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા અને વધૂ ડિઝાઈનર વસ્ત્રો પહેરતા હોય છે પરંતુ સુરતના હીરાના વેપારીએ પુત્ર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે રાજા રામના વેશમાં લગ્ન કરે જેને પુત્રએ વધાવી લીધી હતી.
લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મોણપરાએ તેમનો દીકરો લગ્ન માટે ડિઝાઈનર કપડાંના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્રો પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દિનેશભાઈએ કહ્યું કે, 8 મહિના પહેલાં દીકરા રાજના લગ્નની તારીખ 22 જાન્યુઆરી નક્કી થઈ હતી. ત્યાર બાદ જ્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી જાહેર થઈ તો ખૂબ આનંદ થયો હતો.
સારા દિવસે દીકરાના લગ્ન લેવાયાની ખુશી થઈ હતી. દરમિયાન પુત્ર અને પુત્રવધુએ લગ્ન માટે ડિઝાઈનર કપડાં સીવડાવી લીધા હતા, પરંતુ છેલ્લાં એકાદ અઠવાડિયાથી દેશભરમાં રામોત્સવનો જે માહોલ ઉભો થયો તેના લીધે મારા મનમાં એવી ઈચ્છા જાગી કે મારો દીકરો પ્રભુ શ્રી રામના વેશમાં લગ્ન કરે. આ ઈચ્છા મેં રાજ સમક્ષ વ્યક્ત કરી હતી. રાજ તરત જ માની ગયો. ડિઝાઈનર કપડાં પડી રહ્યાં અને તેણે રાજા રામના વેશમાં લગ્ન કર્યા
રાજે ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્નમંડપમાં પ્રવેશ કર્યો હતો. રાજને ભગવાન રામના વેશમાં જોઈને સૌ કોઈ ખુશ થયા હતા અને સાથે આશ્ચર્યમાં પણ મુકાઈ ગયા હતા. હાજર તમામ સંબંધીઓ અને મહેમાનોએ પણ રાજના વધાવી લીધો હતો.