Charchapatra

દીકરો કહ્યામાં  નથી

દૈનિક વાચનમાં સૌની પ્રાથમિકતા અલગ અલગ હોય છે. જેમ કે મારા પડોશી પહેલાં શેર બજારનું પાનું ખોલી જોઈ જાય, તો મારા નાના ભાઈ સ્પોર્ટ્સનું પાનું. આમાં મારી પ્રાથમિકતા ‘ગુજરાતમિત્ર’નું બીજું પાનું છે. જેને હું વિવાદિત અને તકરારી પાનું માનું છું તે એ કે જમીન-મકાનની લે વેચ અને અને બિલ્ડરો અને સોસાયટીનાં સભ્યો વચ્ચે ચાલતા વિવાદોની સામસામી નોટીસો અને ગળે ન ઊતરે એવા ખુલાસાથી ભરપૂર હોય છે. જો કે નથી હું કોઈ જમીનમાલિક કે નથી બિલ્ડર કે નથી છતાં આ પેજ મને આકર્ષે છે કે એમાં દર બીજા ,ત્રીજા દિવસે આવતી ફોટા સાથેની જાહેરાત કે ‘મારો દીકરો મારા કહ્યામાં નથી !’

આમાં કટાક્ષ અને હાસ્ય બંને છુપાયેલાં છે. હાલ તો “કહ્યામાં નથી” પર જ ફોકસ કરું. એક જ લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે આજ કાલ કોણ કોના કહ્યામાં છે? જેમ કે પ્રધાનો વડા પ્રધાનના કહ્યામાં નથી. આચાર્ય, ટ્રસ્ટીઓના કહ્યામાં નથી. શિક્ષકો આચાર્યને ગાંઠતા નથી અને વિદ્યાર્થીઓ શિક્ષકનું કયાં સાંભળે છે? જજને કોર્ટમાં વકીલો અને વકીલોને અસીલો ફી માટે ઠાગાઠૈયા કરે છે. હોસ્પિટલમાં સરકારી હોય તો સુપ્રિન્ટેન્ડેન્ટને ડોક્ટરો ગાંઠતા નથી, નર્સને વોર્ડબોય અને આયા હંફાવે છે. જગ્યા નાની જ પડે એટલે સાસુ વહુને પડતાં મૂકું છું.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીવદયાપ્રેમી સંસ્થાનું નોંધપાત્ર કાર્ય
દૈનિકના એક સમાચાર અન્વયે ઝિમ્બાબ્વેમાં ભયાનક દુકાળને કારણે 200 હાથીઓને મારીને માણસોને ભોજન પૂરું પાડશે સમાચાર માનવજીવનને હચમચાવી દે તેવા ગણી શકાય. નામિબિયાના ભૂખમરામાં નાગરિકોને પેટ ભરવા 83 હાથીઓ સહિત કુલ 700 વન્યપશુઓને મારી નાંખવાનો નિર્ણય ત્યાંની સરકારે લીધેલ હતો. દક્ષિણ આફ્રિકાના દેશમાં હાલ 6.80 કરોડ નાગરિકો દુષ્કાળનો ભોગ બનતાં ખાવાના પણ સાંસા પડેલ છે અને તેથી આવાં વન્ય જીવોને મારીને નાગરિકોને ખોરાક પૂરો પડાય છે જે ગંભીર સ્થિતિ ગણી શકાય. 

નામિબિયાનાં વન્ય પશુઓની કતલના આ સમાચાર બાદ આપણા અમદાવાદની જીવદયાપ્રેમી સંસ્થા તપોવન યુથ એલ્યુમીની ગ્રુપ (ત્યાગ) દ્વારા વન્ય પશુઓની આ હત્યાઓ અટકાવવા માટે નાગરિકોને ભોજન મળી રહે તે માટે અનાજનો જથ્થો પૂરો પાડવા નામિબિયાના ભારત ખાતેના રાજદૂતનો સંપર્ક કર્યો હતો અને નાગરિકોને ઉપયોગી બનવાની તૈયારી બતાવેલ હતી જે માટે સંસ્થા અભિનંદનને પાત્ર છે. ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના આ ઉપકારક વિચારથી જ આપણા દેશે કોરોના કાળમાં 150 દેશોને કોરોનાની રસી પહોંચાડીને લાખો નાગરિકોને ઉપયોગી બન્યાં હતાં, જેની નોંધ યુનો સહિતના વિશ્વના દેશોએ લીધી હતી. દક્ષિણ આફ્રિકાના ઉપરોકત દેશોની ભૂખમરાની સ્થિતિની ગંભીર નોંધ. દેશમાં બિનજરૂરી અન્ન બગાડતાં નાગરિકોએ લઇને અન્નનો બગાડ અટકાવવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top