ભારતભૂમિ પ્રાચીન સંસ્કૃતિની એક ભૂમિ છે. સંસ્કૃતિની મિસાલ છે. પ્રાચીન સમયમાં પણ એનો ડંકો વાગતો અને વિશ્વગુરુ બની પૂજાતો દેશ હતો. સાડા પાંચ હજાર વર્ષ પહેલાં એક ધર્મયુધ્ધ થયેલું. શ્રીકૃષ્ણ એના ધરોહર હતા, અર્જુન સામે પોતાનાં જ સ્નેહીઓ હતાં, ગુરુ-પિતામહ- પિતરાઈ ભાઈઓ તથા અનેક સ્વજનો સામે યુધ્ધ કરવાનું કોને મન થાય? અર્જુનનો વિષાદ દૂર કરવા એના સારથિ ભગવાન શ્રીકૃષ્ણે એનો વિષાદ દૂર કરવા પોતાના મુખેથી ઉપદેશની સરવાણી વહેવડાવી એનો મોહભંગ કર્યો. અઢાર દિવસની આ પાવન ગંગા એટલે ગીતાજી.
અઢાર અધ્યાયની આ સરવાણી અને 700 શ્લોકોની આ મહાન વાર્તાલાપની કડી એટલે ગીતા માતા. ભગવાન કહે છે કે કર્મ કર, ફળની આશા ન રાખ. આ આતતાયીઓને તો મેં પહેલેથી જ મારેલાં છે. ઊઠ, ઊભો થા અને ધનુષ ચડાવ. અધર્મ સામે ધર્મયુધ્ધ કરવું એ પાપ નથી. અર્જુનનો મોહ દૂર થયો. શોક દૂર કરી ભગવાને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો રણમેદાનમાં કુરુક્ષેત્રમાં કહી. એટલે જ તો પુરુષોત્તમ કહેવાયા. છઠ્ઠા અધ્યાયમાં યોગ વિશે કહી શરીર અને મનનું જ્ઞાન સમજાવ્યું. આમ આખી ગીતામાં જગતનાં શ્રેષ્ઠતમ મૂલ્યો દર્શાવ્યાં છે. સમાજમાં કે જીવનમાં કોઈ પણ સમસ્યાનો હલ ગીતામાંથી મળે છે. ભગવાન કહે છે કે માગશર માસ મને પ્રિય છે.
વિશ્વરૂપનું દર્શન કરાવી કહેવાયું કે મારામાં જ બધું સમાયેલું છે. ગીતા આપણી ધરોહર છે. સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે હાલમાં જ વિશ્વમંચ પર ગીતાજીને શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે. જ્ઞાન અને વિજ્ઞાન બધું જ ગીતામાં સમાયેલ છે. મહાત્મા થોરો, યહુદીઓના મહાન પુરુષે કહ્યું છે કે કોઈ પણ ધર્મમાં પુસ્તકમાં ગીતા જેવું જ્ઞાન ભરેલું નથી. વિનોબા ભાવે, ગાંધીજી, સંત જ્ઞાનેશ્વરે ગીતાને પોતાની રીતે લખી એનું માહાત્મ્ય દુનિયાને દીધું છે. શબ્દો ઓછા પડે છે ગીતા માતા વિશે લખવાના.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.