બારડોલીના ગ્રાહકે પોતાની ટોયોટા-ઈનોવા મોટરકારને માર્ગ અકસ્માતમાં થયેલ નુકસાન માટે ટાયરમાં ખામી હોવાનું જણાવી ટાયર કંપનીના ડીલર તેમ જ ટાયર ઉત્પાદક કંપની સામે વળતર મેળવવા માટે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કરેલી ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરી છે. આફવા ગામ ( તાલુકો-બારડોલી)ના ડી.ટી.પટેલે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ આધાર ઓટો (સામાવાળા નં.(1)) તેમ જ બ્રીજસ્ટોન કંપની (સામાવાળા નં.(2)) સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાની ઈનોવા ગાડીના 2 ટાયર સામાવાળા નં. 1 પાસેથી ખરીદેલા.
જે ટાયરની ઉત્પાદક કંપની સામાવાળા નં.2 હતી. સામાવાળાએ 1 વર્ષની ગેરંટી આપેલી. આ ટાયરો તા. ૦1/૦4/2014 તથા તા. 02/04/2014 ના રોજ ખરીદેલા. તા. 08/05/2014 ના રોજ ફરીયાદી આફવાથી બારડોલી જતા હતા ત્યારે એક પછી એક બન્ને ટાયરો ફાટી ગયેલાં અને જેથી ગાડી રસ્તા ઉપરથી ઊતરી જતાં ગાડી ઝાડ સાથે અથડાયેલ અને અંદાજીત રૂા. 4,30,000/- (અંકે રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર પૂરા) નો ખર્ચ થયેલો એમ જણાવી ફરિયાદીએ સામાવાળા પાસે નુકસાન વળતરની માંગણી કરેલ. જેનો સામાવાળા નં. 1 એ ઈન્કાર કરેલો. જેથી વકીલ મારફતે નોટિસ આપેલી. જેનો જવાબ આપેલો નહીં. જેથી ઈનોવા ગાડીના નુકસાન બદલ વળતરના રૂા. 4,30,000/ તથા ટાયરના રૂ. 12,300/- મેળવવા ગ્રાહક ફોરમના દ્વાર ખટખટાવવા પડેલા.
સામાવાળા . 2 બ્રીજસ્ટોન ટાયર કંપની લિ. તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ હાજર થઈ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે ફરિયાદીએ ફરિયાદવાળા ટાયરમાં કોઈ ઉત્પાદકીય ખામી અંગે કોઈ લેબોરેટરીનો ટેસ્ટ રીપોર્ટ કે કોઈ એક્સપર્ટનો રીપોર્ટ રજૂ કરેલ નથી. વધુમાં, મોટરકારને થયેલ કહેવાતા અકસ્માત અંગે પણ ફરિયાદી તરફે કોઈ FIR કે અન્ય પુરાવો રજૂ કરેલ નથી ડ્રાઈવર કે અન્ય વ્યકિતને ઈજા થઈ હોવાનો પણ પુરાવો રજૂ થયેલ નથી.વધુમાં, ફરિયાદવાળા મોટરકારના રીપેરીંગનાં કોઈ બિલ પણ ફરિયાદી રજૂ કરી શકયા નથી. આમ, ટાયરમાં ઉત્પાદકીય ખામી હોવા બાબતે યા મોટરકારને થયેલ કહેવાતા અકસ્માત બાબતે યા કહેવાતા રીપેરીંગના ખર્ચ બાબતે કોઈ પણ પુરાવો ફરિયાદી અદાલત સમક્ષ રજૂ કરી શકયા નથી માત્ર મોઘમ આક્ષેપો કરીને ખોટી ફરિયાદ કરી છે અને વળતરની ખોટી માંગણી કરી છે. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મેન) ના પ્રમુખ ન્યાયાધીશ એ. એમ. દવે તથા સભ્ય મેઘાબેન જોષીએ શ્રેયસ દેસાઈની રજૂઆતો સાથે સંમત થઈ ફરિયાદીની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.