આણંદ : ખંભાત શહેરના વ્હોરવાડની પારેખ શેરીમાં રહેતા વકિલ પોતાના પરિવાર સાથે મહોરમ નિમિત્તે નમાજ પઢવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી રોકડા, દાગીના સહિત રૂ.99 હજારની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાત શહેરના વ્હોરવાડની પારેખ શેરીમાં રહેતા ફખરી જૈનુદ્દીન ઉમરેઠવાલા વકિલાતનો વ્યવસાય કરે છે અને તેમના પરિવારમાં પત્ની અને બે દિકરીઓ છે. તેઓ 15મી ઓગષ્ટની સાંજે મહોરમ નિમિત્તે પરિવાર સાથે નમાજ પઢવા ગયા હતા.
એ સમયે મકાનને તાળુ મારી તેઓ નિકળ્યાં હતાં. એકાદ કલાક પછી તેઓ ઘરે પરત ફર્યા, તે સમયે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટી ગયો હતો. અંદર જઇને ઘરની હાલત જોઇ ચોંકી ગયાં હતાં. ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો, નીચે ભાગના હોલના કબાટો ખુલ્લા હતા અને ડ્રોઅર પણ ખુલ્લા હતાં. આ ઉપરાંત ઉપરના માળે તપાસ કરતાં ત્યાં પણ બધુ વેર વિખેર હાલતમાં પડ્યું હતું અને તેમાંથી રોકડા રૂ.45 હજાર ગાયબ હતાં. આ ઉપરાંત દિકરીએ ભેગા કરેલા રૂ.10 હજારનો ડબ્બો પણ નહતો. બધુ તપાસ કરતાં ઘરમાંથી રોકડા રૂ.71 હજાર, સોના – ચાંદીના દાગીના રૂ.28 હજાર મળી કુલ રૂ.99 હજારની મત્તા ચોરી અજાણ્યા શખસો કરીને નાસી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.