Charchapatra

ન્યાયતંત્રની ધીમી ગતિ અન્યાય બરાબર

આપણો દેશ ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. જયાં રેલવેમાં મેટ્રો રેલ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને 4G તેમજ 5G નેટવર્કના યુગમાં પણ ન્યાયતંત્ર આટલું બધું મંદ કેમ છે? આપણને વિચારતાં પણ નવાઇ લાગે કે કોઇ ગુનાનો કેસ ૧૪ વર્ષ સુધી પણ ચાલી શકે? ૨૦૦૮ માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો છેક હમણાં આવ્યો. આખા દેશમાં ચકચાર મચાવી ચૂકેલ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસ તેમ જ એવા તો કેટલાય ચુકાદાઓ વર્ષો પછી સંભળાવવામાં આવે અને આરોપીને ફાંસી થાય એનો કોઇ મતલબ છે ખરો? એ સમજાતું નથી કે આટલા ઝડપી યુગમાં પણ આ ન્યાયતંત્ર કાચબાની ગતિએ કેમ ચાલી રહ્યું છે? કોર્ટ – કચેરીનાં પગથિયાં ચઢવાનાં થાય તો દરેક માનવી હાય-તોબા પોકારી ઊઠે છે. નાગરિકને મળતી જનસુવિધાઓમાંથી એક ન્યાયતંત્ર પણ છે અને એની પ્રક્રિયા સરળ હોવી જોઇએ. પરંતુ એ પ્રક્રિયા એટલી બધી જટિલ બનતી જાય છે કે લોકોને ન્યાય પરથી વિશ્વાસ ઊઠી જાય. હાલમાં જ ગ્રિષ્મા હત્યા કેસમાં પણ જનતાનો એક જ અવાજ છે કે ‘હત્યારાને ફાંસી જ થવી જોઇએ’! ગ્રિષ્માના કેસના ઠોસ પુરાવાઓ સામે હોવા છતાં ન્યાયતંત્રને કેવા પુરાવાઓ જોઇએ એ જ જોવું રહ્યું! અને આવી કેટલીય ગ્રિષ્માઓ હોમાય ત્યાં સુધી આ ન્યાયતંત્ર કાચબાની ગતિ જ ન પકડી રાખે તો સારું! કેમકે  ન્યાયતંત્રની ધીમી ગતિએ આપેલ સાચો ન્યાય પણ અન્યાય બરાબર છે.
અમરોલી – પાયલ વી. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top