કોરોના ( corona) કાળની વિપરીત પરિસ્થિતિમાં હાલ કડોદરા-પલસાણા પંથકનાં ગામડાંમાં સ્થિતિ ભયાવહ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે તાલુકામાં ગીચ વસતી ધરાવતા કડોદરા, પલસાણા, ચલથાણ, વરેલી, તાંતીથૈયા જેવાં ગામોમાં એકપણ કોવિડ સેન્ટર ( covid care center) શરૂ ના કરવામાં આવતાં આ વિસ્તારોમાંથી મોટા ભાગના પરપ્રાંતીયોઓ પોતાના વતન તરફ દોડ લગાવી રહ્યા છે. તો સ્થાનિક લોકો રાજકીય તાયફા કરનાર આગેવાનો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે.
સુરત જિલ્લામાં જ્યારે જ્યારે કોઈ કુદરતી આફત આવે છે ત્યારે સહાય માટે કડોદરા-પલસાણા પંથક આગળ હોય છે. અહીં ઔદ્યોગિક એકમોના માલિકો ખુલ્લા હાથે સહાય કરવા તત્પર રહે છે. આ વિસ્તાર ગેમેતેવી કપરી પરિસ્થિતિમાં ઊભો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં લોકો તરફથી મળતી મદદ પોતાના નામે ચડાવી દેવી અથવા પોતાના મળતીયાઓ પૂરતી જ મદદને સીમિત રાખવી આ પ્રકારનું હલકી કક્ષાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગત વર્ષના લોકડાઉન ( lockdown) દરમિયાન ઔદ્યોગિક એકમો તરફથી મળેલી સહાયમાં પ્રજાએ અનુભવી લીધી હતી. આ સહાયમાં ભામાશાને દાનતમાં કોઈ ખોટ ન હતી. પણ આ વિસ્તારના રાજકીય નેતાઓની દાનતમાં ખોટ હતી એ હકીકત છે. જે-તે સમયે ઔદ્યોગિક એકમના માલિકોએ સહાયનો ધોધ વહેડાવ્યો હતો. પણ આ સહાય જરૂરિયાતમંદો કરતાં રાજકીય નેતાના મળતીયાઓ સુધી વધુ પહોંચી હતી. જેના કારણે સ્થિતિ કપરી બની હતી. એ સમય જતો રહ્યો પણ કોરોનાની બીજી લહેરની સ્થિતિ વિકટ બની છે. જિલ્લામાં ઠેર ઠેર કોવિડ સેન્ટરો શરૂ થઈ રહ્યાં છે. પરંતુ કડોદરા, પલસાણામાં ગંગાધરાને બાદ કરતાં એકપણ કોવિડ સેન્ટરો શરૂ થયાં નથી. ત્યારે આવા નેતાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
કોંગ્રેસનો એકપણ કાર્યકર તમને રોડ ઉપર દેખાય તો કહો: અંકુર દેસાઈ
કડોદરા પાલિકાના કારોબારી અધ્યક્ષ અને સુરત જિલ્લા ભાજપ યુવા પ્રમુખ અંકુર દેસાઈએ જણાવ્યું હતું કે, કડોદરા, ચલથાણ, પલસાણા જેવાં ગામોમાં હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલના સંચાલકો સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરભાઈ તેમની સાથે સીધા સંપર્કમાં રહે છે અને તેમને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન ( injection) દવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમની ગ્રાન્ટમાંથી સંજીવની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થશે તેમજ કડોદરા પલસાણા ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા કલેક્ટરની ભલામણથી પલસાણા સામૂહિક કેન્દ્ર ખાતે પણ અંદાજે 40 લાખનો ઓક્સિજન પ્લાન ( oxygen plant) નાંખવામાં આવશે. ભાજપનો કાર્યકર્તા કોરોના દર્દીઓને શક્ય એટલી મદદ કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો એકપણ કાર્યકર તમને રોડ ઉપર દેખાય તો કહો.