ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIRની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા લંબાવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો હવે 14 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે ડ્રાફ્ટ મતદારયાદીની પ્રસિદ્ધિ તા. 19/12/2025ના રોજ કરવામાં આવશે. ગુજરાત સહિત તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદમાન-નિકોબાર, ઉત્તરપ્રદેશમાં પણ આ તબક્કાઓની સમયમર્યાદા વધારવામાં આવી છે. તદુપરાંત ચૂંટણીપંચે કોઈપણ યોગ્યતા ધરાવતો મતદાર આખરી મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે ફોર્મ 6 ભરી, જરૂરી દસ્તાવેજો BLOને આપી શકશે અથવા ECINet કે https://voters.eci.gov.in/ વેબસાઈટ પરથી નામ ઉમેરવાની પ્રક્રિયા કરી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થનાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકશે.
કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચે ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશના ગણતરીના તબક્કોની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરી છે. જેથી ફોર્મ પરત આવવા માટે હજુ ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો છે. ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી છે. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. જો ASD યાદીમાં મતદારનું નામ હોય તો તેઓ 14 ડિસેમ્બર સુધીમાં BLOને ગણતરી ફોર્મ જમા કરાવી શકે છે. જેથી જે-તે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરી શકાય.
ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,03,730 અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 10,02,685 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,34,712 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,76,410 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.