Madhya Gujarat

સોજિત્રા પાલિકામાં શાસકોના પાપે વહીવટ કથળ્યો

પેટલાદ: સોજીત્રા નગરપાલિકામાં છેલ્લા ઘણાં દિવસોથી કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ગત મહિને સાધારણ સભામાં બજેટ નામંજૂર થતાં ભાજપના નેતાઓ દોડતા થયાં હતાં. બાદ સમય મર્યાદામાં બજેટ સંદર્ભે બીજી વખત બેઠક બોલાવી હતી. પરંતુ તે બેઠકમાં હોબાળો થતાં બજેટ અનિર્ણિત રહેતાં પાલિકાના વહિવટ સામે અનેક સવાલો ઉભા થયા હતા.‌ હજી પણ વર્ષ 2023-24ના બજેટ અંગે કોઈ જ નિર્ણય નહીં આવતા હાલ તમામ પેમેન્ટ સ્થગિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પગાર, રોજીંદા ખર્ચ કે અન્ય કોઈ જ ચુકવણું કરવામાં નહીં આવતા પાલિકાનો વહિવટ ખોરવાયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકાની બજેટ સહિત અન્ય કામો માટે 24મી માર્ચના રોજ સાધારણ સભા રાખવામાં આવી હતી. જેમાં વર્ષ 2023-24ના બજેટ સહિત કેટલાક કામોમાં કોંગ્રેસના 9 અને ભાજપના 4 મળી 13 સભ્યોએ લેખિતમાં વિરોધ કર્યો હતો. જેને કારણે બજેટ નામંજૂર થયું હતું. જેથી માર્ચ એન્ડીંગ પહેલા બજેટ મંજૂર કરવું અનિવાર્ય હોવાના કારણે પુન: બજેટ બેઠક 31મી માર્ચના રોજ રાખવામાં આવી હતી. આ બેઠક શરૂ થતાં જ માત્ર એક મિનીટમાં પાલિકાના પ્રમુખે 14 વિરૂદ્દ 9 સભ્યોથી બજેટ મંજૂર જાહેર કરી દિધું હતું.

જેને કારણે ભાજપના જ ચાર અસંતુષ્ટ સભ્યો અને વિપક્ષના 9 સભ્યોએ 13 વિરૂદ્ધ 10 મતે બજેટ નામંજૂર કરી બૂમરાણ મચાવી દિધી હતી. પરંતુ ત્યાં સુધીમાં પ્રમુખ સહિત સત્તાપક્ષના તમામ સભ્યો સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા. જેથી વિપક્ષ અને અસંતુષ્ટ એવા 13 સભ્યોએ બજેટ નામંજૂર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ પ્રોસિડીંગની રાહ જોતા ચીફ ઓફિસરને સમયસર મળ્યું ન હતું. માટે બજેટ મંજૂર કે નામંજૂર અંગેનો નિર્ણય અનિર્ણિત રહ્યો હતો. સમય જતાં વિપક્ષના 9 તથા ભાજપના 4 અસંતુષ્ટ મળી 13 સભ્યોએ આ તમામ સઘળી રજૂઆત સહિત પ્રોસિડીંગની માંગણી લેખિતમાં કરી છે.

જેના અનુસંધાનમાં ચીફ ઓફિસર નિલમ રોયે જણાવ્યું હતું કે, 13 સભ્યોની અરજી આજે જ મળી છે. પરંતુ હજી સુધી પ્રમુખ તરફથી પ્રોસિડીંગ મળ્યું નથી. પ્રોસિડીંગની દશેક દિવસ રાહ જોયા બાદ આ બેઠક અંગેનો અહેવાલ રિજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલિટી વડોદરાને 10મી એપ્રિલના રોજ મોકલી આપ્યો છે. પરંતુ હાલ પાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારોનો પગાર, રોજીંદા ખર્ચ, અન્ય પેમેન્ટ વગેરે સદંતર સ્થગિત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આરસીએમ તરફથી કોઈ માર્ગદર્શન કે સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈ જ ચુકવણા શક્ય બનશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠમાં પણ બજેટ બેઠક દરમિયાન શાસકના જ કેટલાક સભ્યએ વિરોધ કર્યો હતો. પરંતુ બાદમાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને અસંતુષ્ઠોને મનાવીને બજેટ પસાર કરવામાં આવ્યું હતું અને પ્રમુખ રજા પર ઉતરી ગયાં હતાં. પરંતુ કોઇ અગમ્ય કારણસર સોજિત્રાના પ્રમુખને મોવડી મંડળ છાવરી રહ્યું છે. તેમની સામે અનેક વિરોધ છતાં કોઇ પગલાં ભરવામાં આવતા નથી. જેથી દિવસે દિવસે સભ્યોમાં રોષ વધી રહ્યો છે.

Most Popular

To Top