Charchapatra

વિશ્વ માતૃદિનની સાર્થકતા

નિ:સ્વાર્થ સ્નેહનું ઝરણું એટલે માતા. વિશ્વના પ્રત્યેક સજીવનું અસ્તિત્વ માતાને આભારી હોય છે. માતાનો સ્નેહ સંતાનો પ્રત્યે આજીવન વહેતો રહે છે. વિશ્વ માતૃદિને સૌ કોઇ માતૃવંદનાને પ્રાધાન્ય અર્પણ કરશે. સોશ્યલ મિડિયા પર પણ માતાના અનહદ ગુણગાન ગાવામાં આવશે! હમણાં આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સુરત શહેરના તમામ વૃદ્ધાશ્રમો સંપૂર્ણપણે ભરાઈ ચૂકયા છે ત્યાં હવે કોઇ વૃદ્ધ માટે સ્થાન નથી. તો પ્રશ્ન એ થાય છે કે શું ત્યાં રહેનારી પ્રત્યેક માતા નિ:સંતાન હશે? કે એમણે વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડયો! વડીલો સાથે પેઢી દર પેઢી વૈચારિક સંઘર્ષ તો રહેવાનો જ.

જેને ‘જનરેશન ગેપ’ તરીકે ઓળખવામાં આવે છે એને કારણે જો કોઇ માતાએ વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડયો હોય તો એ દુ:ખદ ઘટના કહેવાય. શૈશવ અવસ્થાએ શું આપણી કોઇ ભૂલ જ નહીં થઇ હોય! જે માતાએ રાત્રિના ઉજાગરા વેઠીને સંતાનને મોટાં કર્યાં હોય, એનું પાલન પોષણ કર્યું હોય એ માતા વૃદ્ધાશ્રમમાં શોભે ખરી? વિશ્વ માતૃદિને માતાનો પ્રશંસાયુક્ત સંદેશો વહેવડાવતાં પહેલાં જેની માતા સંતાનો થકી ત્રસ્ત હોય એણે સ્વયંને પૂછવા જેવો પ્રશ્ન ખરો કે, હું શું કરું છું? ગૃહકાર્યના બોજમાંથી મુક્તિ આપીએ એને અનુકૂળ થઇએ એ જ ખરી માતૃવંદના. એક દિવસ નહીં 364 દિવસ માતાને આનંદિત રાખીએ તો વિશ્વમાતૃદિન સાર્થક ગણાય.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top