Columns

યુક્રેનના મારિયુપોલના ઘેરાએ બીજા વિશ્વયુદ્ધની યાદ તાજી કરાવી

રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ધાર્યું હતું કે રશિયાનું સૈન્ય એકાદ સપ્તાહમાં  યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ યુક્રેનના લશ્કર અને ખાસ કરીને નાગરિકો દ્વારા રશિયાનો જે રીતે પ્રતિકાર કરવામાં આવ્યો છે તે જોઈને લાગે છે કે રશિયા માટે યુક્રેનની જીત લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ થઈ રહી છે. તેનું કારણ એ છે કે રશિયાના સૈન્યને એક પણ યુદ્ધનો અનુભવ નથી. પાયદળની સહાય વિના કેવળ વાયુદળના સહારે કોઈ યુદ્ધ જીતી શકાતાં નથી. યુક્રેનમાં પકડાઈ ગયેલા રશિયાના કેટલાક સૈનિકો તો નાગરિકો હતા, જેમને સૈનિકનો વેશ પહેરીને લડવા મોકલી દેવામાં આવ્યા હતા. રશિયાના સૈન્યમાં યુદ્ધકળાનો અભાવ છે, માટે જ તેનો કાફલો પંદર દિવસથી રાજધાની કીવની બહાર ફસડાઈ ગયો છે. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે તે કાફલો પાછો પણ ફરી શકે તેમ નથી. આ કારણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયાના સૈનિકોને શરણે આવવાની ઓફર કરી છે. જો તેઓ શરણે નહીં આવે તો કદાચ ભૂખ્યા મરી જાશે. રશિયા યુક્રેનમાં લડવા માટે હવે ચેચન્યાના અને સીરિયાના અનુભવી સૈનિકોની મદદ માગી રહ્યું છે.

રશિયાનું લશ્કર છેલ્લા ૨૦ દિવસથી દક્ષિણમાં આવેલાં મારિયુપોલ બંદરનો ઘેરો નાખીને પડ્યું છે, પણ અંદર પ્રવેશ કરતું નથી. મારિયુપોલ શહેર રશિયાનો ટેકો ધરાવતા અલગતાવાદીઓના કબજા હેઠળના ડોન્બાસ પ્રદેશ અને રશિયામાં ભળી ગયેલા ક્રીમિયાની વચ્ચે વ્યૂહાત્મક સ્થળે આવેલું છે. રશિયાનું સૈન્ય જો ડોન્બાસથી નીકળીને ક્રીમિયા જવા માગતું હોય તો તેણે મારિયુપોલમાંથી ફરજિયાત પસાર થવું પડે. મારિયુપોલ અઝોવ સમુદ્રના કિનારે આવેલું છે. તેની વસતિ ૩.૮૦ લાખની છે, જેમાંના ૩૦,૦૦૦ તો પોતાનાં ઘરબાર છોડીને નાસી ગયા છે, પણ સાડા ત્રણ લાખ લોકો શહેરમાં ફસાઈ ગયા છે, જેઓ સતત બોમ્બમારાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મારિયુપોલના ઘેરાની સરખામણી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેનિનગ્રેડના ઘેરા સાથે કરી છે. વર્તમાનમાં સેંટ પિટ્સબર્ગ  તરીકે ઓળખાતું લેનિનગ્રેડ તે સમયે રશિયાનું બીજા નંબરનું મોટું શહેર હતું. તેને જર્મન અને ફિનીશ સૈન્ય દ્વારા ૮૭૨ દિવસ માટે ઘેરી રાખવામાં આવ્યું હતું. આ ઘેરાબંધી ૧૯૪૧ ના સપ્ટેમ્બરથી ૧૯૪૪ ના જાન્યુઆરી મહિના સુધી ચાલી હતી.

જર્મન લશ્કરે લેનિનગ્રેડને પશ્ચિમ અને દક્ષિણ દિશાથી ઘેરો ઘાલ્યો હતો, જ્યારે ફિનલેન્ડનું લશ્કર તેને ઉત્તર દિશાથી ઘેરીને બેઠું હતું. જર્મન સૈન્યે લેનિનગ્રેડની રોડ, રેલવે, અનાજ, શાકભાજી, દવાઓ, દૂધ, સંદેશવ્યવહાર, ઇંધણ  વગેરે બધી સેવાઓ કાપી નાખી હતી. એક બાજુ પ્રજાજનો ભૂખે મરતા હતા તો બીજી બાજુ જર્મન લશ્કર સતત બોમ્બવર્ષા કરતું હતું. લેનિનગ્રેડનું વ્યૂહાત્મક મહત્ત્વ હતું કે તે રશિયાનું ભૂતપૂર્વ પાટનગર હતું અને ૧૯૧૭ માં થયેલી બોલ્શેવિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું. વળી તે મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી ત્યાં શસ્ત્રોનાં અનેક કારખાનાંઓ પણ આવેલાં હતાં. લેનિનગ્રેડમાં ૧૯૪૧ ના વર્ષમાં જ બોમ્બમારો, ભૂખમરો, રોગચાળો, ઠંડી અને હિમવર્ષાને કારણે આશરે ૬.૫૦ લાખ લોકોનાં મોત થયાં હતાં.

૮૭૨ દિવસમાં કુલ આશરે દસ લાખ લોકો માર્યા ગયાં હતાં. તેમાં બોમ્બમારાને કારણે ૫૭૦૦ નાગરિકો માર્યા ગયાં હતાં અને ૨૦,૦૦૦ ઘાયલ થયાં હતાં. ૧૯૪૧ ની ૧૯ સપ્ટેમ્બરે જર્મન સૈન્યે પાંચ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો તેમાં સારવાર લઈ રહેલાં આશરે હજાર નાગરિકો માર્યા ગયાં હતાં. લેનિનગ્રેડના લોકોને રેશનિંગમાં રોજના માત્ર ૧૨૫ ગ્રામ બ્રેડ આપવામાં આવતી હતી. તે પણ દક્ષિણ ભાગમાં ખુલ્લા રહેલા એક માત્ર રસ્તા દ્વારા લાવવામાં આવતી હતી. ઘણા લોકો તો યુદ્ધમાં માર્યા ગયેલાં મનુષ્યોનું માંસ ખાઈને જીવતાં રહ્યાં હતાં. ૧૯૪૪ ના જાન્યુઆરીમાં રશિયન સૈન્યે જર્મન અને ફિનીશ સૈન્ય પર જોરદાર હુમલો કર્યો, જેને કારણે તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

જર્મન લશ્કરે જેમ લેનિનગ્રેડની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો તેમ રશિયન સૈન્યે તા. ૧૬ માર્ચના રોજ મારિયુપોલના નાટક થિયેટર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં આશરે એક હજાર નાગરિકો આશરો લઈ રહ્યાં હતાં, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ હતાં. તા. ૨૪ ફેબ્રુઆરીના રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી લઈને તા. ૨૨ માર્ચ સુધીમાં મારિયુપોલમાં આશરે ૨,૫૦૦ નાગરિકોનાં મોત થયાં છે. રશિયાનું લશ્કર હોસ્પિટલ, સ્કૂલ, ચર્ચ, સ્વિમિંગ પુલ, ફાયર સ્ટેશન વગેરે ગીચ વસતિ ધરાવતાં સ્થળો પર હુમલાઓ કરી ચૂક્યું છે.

રશિયન સૈન્ય દ્વારા મારિયુપોલ બંદરનો કબજો લઈ લેવામાં આવ્યો છે, જેને કારણે સમુદ્રમાર્ગે તેને કોઈ મદદ મળી શકતી નથી. શહેરમાં પ્રવેશ કરવાના રસ્તાઓ પર સુરંગો બિછાવી દેવામાં આવી છે, જેથી વાહનો પસાર થઈ શકતાં નથી. મારિયુપોલના લોકો બરફ ગરમ કરીને પાણી પીએ છે. રસોઈ કરવા માટેનાં ઇંધણની તીવ્ર અછત હોવાથી તેઓ ઘરનું જૂનું ફર્નિચર બાળીને રસોઈ પકાવે છે. રશિયાના સૈન્ય દ્વારા પ્રારંભમાં મહિલાઓ અને બાળકોને બહાર જવા માટે માનવીય કોરિડોર પૂરો પાડવામાં આવ્યો હતો, પણ તેના પર જ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. કેટલાંક વાહનો અનાજ, દવા વગેરેનો પુરવઠો લઈને આવતા હતા તેમના પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કર્યું તે પહેલાંથી તેમનો ડોળો મારિયુપોલ બંદર પર હતો. મારિયુપોલ રશિયાની દરિયાઈ અને જમીની સીમાની પણ નજીક આવેલું છે. તે યુક્રેનનું પાંચમા નંબરનું મોટું બંદર પણ છે. તે વાર્ષિક ૧.૮ કરોડ ટન માલની હેરફેર કરે છે. તેમાં લોખંડ અને પોલાદની ફેક્ટરીઓ પણ આવેલી છે. ૨૦૧૪ માં રશિયાના સૈન્યે ક્રીમિયા પર કબજો કર્યો ત્યારે તેમણે મારિયુપોલ બંદર પણ કબજે કર્યું હતું; પણ યુક્રેનના સૈન્યે રશિયાના સૈન્યને શહેર ખાલી કરવાની ફરજ પાડી હતી. જો રશિયાનું લશ્કર મારિયુપોલમાં પ્રવેશે તો પણ તેને યુક્રેનના સૈન્ય ઉપરાંત નાગરિકોના પ્રચંડ વિરોધનો પણ સામનો કરવો પડશે. મારિયુપોલની દરેક ગલી અને મહોલ્લા પર કબજો જમાવવા માટે રશિયન સૈનિકોને યુદ્ધ કરવું પડશે.

કદાચ રશિયાનું લશ્કર મારિયુપોલ પર કબજો જમાવવામાં સફળ થાય તો પણ તેણે કબજો ટકાવી રાખવા કાયમ લશ્કર રાખવું પડશે. આ લશ્કર પર પણ વારંવાર યુક્રેન દ્વારા ગેરિલા હુમલાઓ કરવામાં આવશે. દુનિયાના દેશો દ્વારા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને કોમેડિયન ગણાવીને ઉતારી પાડવામાં આવતા હતા, પણ તેમણે રશિયન સૈન્યને હંફાવી દીધું છે. રશિયન સૈન્ય મારિયુપોલમાં પ્રવેશ કરીને તેનો કબજો લઈ શકે તેમ ન હોવાથી તેણે લેનિનગ્રેડની જેમ મારિયુપોલનો ઘેરો ઘાલીને તેને થકવી નાખવાનું નક્કી કર્યું છે. આ ઘેરો લાંબો ચાલવાનો છે. બીજી બાજુ રશિયાનું સૈન્ય રાજધાની કીવથી ૧૫ કિલોમીટર ઉત્તરે ફસાઈ ગયું છે. રસ્તાઓ કાદવને કારણે ચીકણા થઈ ગયા હોવાથી સૈન્યનાં વાહનો અને ટેન્કો રસ્તા પર ચાલી શકે તેમ નથી. યુક્રેનના સૈન્ય દ્વારા તેમનો પુરવઠો પણ અટકાવી દેવામાં આવ્યો છે. ભૂખમરાનો ભોગ બની રહેલા રશિયન સૈનિકો પાછા ફરવા માગે છે. રશિયા પોતાની હતાશા છૂપાવવા માટે અણુબોમ્બનો પ્રયોગ કરે તેવી તમામ સંભાવનાઓ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top