Charchapatra

કફનને ગજવું  નથી હોતું

પૈસા પાછળ આંધળી દોટ મૂકતો માણસ જેમ બને તેમ વધુ પૈસા કમાવાની તમન્ના રાખતો હોય છે અને કાયમ હાય પૈસો, હાય પૈસો કર્યા કરે છે. પરંતુ તેને ખબર નથી કે આ ફાની દુનિયા છોડીને અનંતના માર્ગે જશે ત્યારે કાંઇ સાથે નથી આવવાનું. પૈસા, ધન, દોલત, મિલકત, પરિવાર બધાને અહીં જ છોડીને જવાનું છે. એકલો આવ્યો હતો ને એકલા જવાનું છે. માણસનું મૃત્યુ થાય ત્યારે તેના મૃતદેહ પર પાંચ છ ફૂટનું કફન ઓઢાડવામાં આવે છે અને કફનમાં દફન થઇ જાય છે અને સાથે આવશે તો માત્ર તેણે કરેલાં સારાં કર્મોની સુવાસ, તેનાથી જ તે ચિરંજીવી બની જાય છે. કફનમાં કાંઇ નથી લઇ જવાતું એટલે જ કફનને ગજવું નથી હોતું. માણસ જાતને કદી સંતોષ નથી. બધાને બહુ જ જોઇએ છે. થોડામાં દિલ માનતું નથી. પરંતુ બહુ જોઇતું હોય તો ઘણું બધું જતું કરવું પડે છે. સ્વપ્નો સાકાર કરવાં હોય તો સંઘર્ષ કરવો પડે છે. તો જ આશા અરમાનો પૂરાં થાય છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોર્પોરેટ અને મોંઘવારી
ભારતીય રીઝર્વ બેંક મે 2020થી ફેબ્રુઆરી 2023 સુધીમાં રેપોરેટમાં 2.5 ટકાનો વધારો કરતાં મે 2020માં રેપોરેટ 2.5 ટકાનો વધારો કરતા મે 2020માં રેપોરેટ 4 ટકા હતો તે ફેબ્રુઆરી 2023માં વધીને 6.5 ટકા થયો. રેપોરેટ વધે સાથે સાથે બેંકમાંથી લીધેલ લોન પરંતુ વ્યાજ વધે તેથી આમ જનતાએ લીધેલ લોન પરનું વ્યાજ વધે. જે સામાન્ય જનતાને અસહય થઈ પડે છે. સરકાર આમજનતાને રાહત આપવાને બદલે કોર્પોરેટ હાઉસને તેમની લોન માફ કરી સામાન્ય જનતાના ખિસ્સામાંથી પૈસા ઉપાડવાનું કામ કરે છે. સંસદમાં આપવામાં આવેલ માહિતી અનુસાર 2014-2015થી બેંકોએ 14.56 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. જેમાં 7.41 લાખ કરોડ મોટાં ઔદ્યોગિક ગૃહોની છે. આ દેખીતું છે કે પ્રજાને લૂંટી માલેતુજારને માલામાલ કરવાનું કૃત્ય થઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મોંઘવારીના મારમાં પ્રજા ત્રાહિત થઈ રહી છે. મફતની રેવડી આપવી એ પણ પ્રજાના પૈસાથી જ ખરીદાયેલ હશે ને. નાણાં કોના?
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top